શ્રી કૃષ્ણ અને ઉદ્ધવને લગતો એક કિસ્સો છે. એક દિવસ શ્રીકૃષ્ણએ ઉદ્ધવને એક વાર્તા કહી. ભગવાને કહ્યું કે 'ઉદ્ધવ હું તમને આ વાર્તા એટલા માટે કહું છું જેથી તમે સમજી શકો કે શા માટે સારા કાર્યો યોગ્ય સમયે કરવા જોઈએ.'
વાર્તા આ પ્રમાણે છે - એક માણસે ખેતી અને વેપાર કરીને ઘણા પૈસા કમાયા હતા, પરંતુ તે ખૂબ જ કંજૂસ હતો. કામવાસનામાં ફસાઈ ગયો હતો. લોભ અને ગુસ્સામાં તે મિત્રો અને સંબંધીઓ સાથે પણ સારું વર્તન કરતો ન હતો. તેના આવા ખરાબ વર્તનથી તેની નજીકના લોકો, તેની પત્ની, સંબંધીઓ બધા દુઃખી હતા.
તે વ્યક્તિનું એક માત્ર લક્ષ્ય ધનવાન બનવાનું હતું. તેણે પોતાના પર પણ ખર્ચ ન કર્યો, પરંતુ ધીમે ધીમે તેના પૈસા ખર્ચાવા લાગ્યા. તેના પરિવારના સભ્યો દ્વારા કેટલાક પૈસા પડાવી લેવામાં આવ્યા હતા. કેટલાક પૈસાની ચોરી થઈ ગઈ હતી તો કેટલાક આપોઆપ નષ્ટ થઇ ગયા હતા. તેને ધંધામાં પણ નુકસાન થયું. હવે તેની પાસે માત્ર થોડા જ પૈસા બચ્યા હતા, તે પણ રાજ્યના રાજાએ છીનવી લીધા . તેણે ક્યારેય કોઈને મદદ કરી ન હતી, તેથી કોઈએ તેને મદદ કરી નહી. તે ગરીબ બની ગયો.
હવે તે વ્યક્તિ વિચારવા લાગ્યો કે, મેં ક્યારેય કોઈ પર પૈસા ખર્ચ્યા નથી, તે મારા માટે કામ પણ નથી આવ્યા. હવે કોઈ મદદ કરતું નથી. જ્યાં સુધી પૈસા છે ત્યાં સુધી ભાઈ-બહેન, સ્ત્રી-પુત્ર, માતા-પિતા, મિત્રો, સગાં-સંબંધીઓ બધાનું સન્માન કરે છે.
એક દિવસ એ વ્યક્તિને કોઈએ પૂછ્યું કે હવે તને કેવું લાગે છે?
તેણે જવાબ આપ્યો કે, જ્યારે મારી પાસે પૈસા હતા ત્યારે મેં તેનો સારો ઉપયોગ કર્યો નહીં. મને આજે પસ્તાવો થાય છે
શ્રી કૃષ્ણનો ઉપદેશ
શ્રી કૃષ્ણએ આ વાર્તા દ્વારા ઉદ્ધવને સમજાવ્યું કે, સમય અમૂલ્ય છે અને આપણે તેનો સદુયોગ કરવો જોઈએ. સ્વાસ્થ્ય, શિક્ષણ અને પૈસા સાથે જોડાયેલાં કામોમાં કોઈ વિલંબ ન કરવો જોઈએ, સમય મળતાં જ આ કામો તુરંત કરવા જોઈએ. સ્વાસ્થ્ય પ્રત્યે બેદરકાર ન રહો, શિક્ષણ મેળવવામાં અને પૈસા કમાવવામાં આળસુ ન બનો, પરંતુ લોભી ન બનો અને જરૂરિયાત મુજબ ખર્ચ કરો.
Copyright © 2023-24 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.