આજે ધનતેરસ અને કાળીચૌદશ બંને પર્વ છે. જ્યોતિષ પ્રમાણે રવિવારે સૂર્યોદય સમયે તેરસ તિથિ હતી એટલે આજે પણ ધનતેરસ રહેશે. આજે સાંજે 6 વાગ્યાથી ચૌદશ તિથિ શરૂ થઈ જશે, જે સોમવારે સાંજે લગભગ 5 વાગ્યા સુધી રહેશે. તે પછી અમાસ શરૂ થઈ જશે. દિવાળી સોમવારે જ ઊજવાશે.
આસો મહિનાના વદ પક્ષની ચૌદશ તિથિને કાળીચૌદશ કે નરકચૌદશ તરીકે ઊજવવામાં આવે છે. સ્કંદ પુરાણ પ્રમાણે આ તિથિમાં સાંજે યમરાજ માટે દીપદાન આપવાથી અકાળ મૃત્યુ થતું નથી. ત્યાં જ, ભવિષ્ય અને પદ્મ પુરાણ પ્રમાણે ચૌદશ તિથિમાં સૂર્યોદય પહેલાં જાગીને અભ્યંગ એટલે તેલ માલિશ કરીને ઔષધી સ્નાન કરવું જોઇએ. આવું કરવાથી બીમારીઓ દૂર થાય છે અને ઉંમર વધે છે.
આ દિવસે હનુમાનજી સાથે યમપૂજા, શ્રીકૃષ્ણપૂજા, કાળી માતાની પૂજા, શિવપૂજા અને ભગવાન વામનની પૂજા કરવાનું વિધાન છે. આ દિવસે 6 દેવતાઓની પૂજા કરવાથી બધા જ પ્રકારનાં કષ્ટ દૂર થાય છે.
કાળીચૌદશના શુભ મુહૂર્ત
રવિવારે સાંજે 6.05 વાગ્યા સુધી ધનતેરસ છે અને ત્યારબાદ કાળીચૌદશ શરૂ થશે. આ દિવસે ભય, કષ્ટ, વિઘ્ન દૂર કરવા માટે મહાકાળી, હનુમાનજી, બટુક ભૈરવ, કાલભૈરવની પૂજા અને આરાધના કરવાનું મહત્ત્વ છે. આ દિવસે શહેરનાં તમામ હનુમાનજી મંદિર અને શનિદેવજી મંદિરોમાં પૂજન, યજ્ઞ અને હવનનું વિશેષ આયોજન કરવામાં આવ્યું છે. જ્યોતિષીઓના જણાવ્યા અનુસાર, કાળીચૌદશના દિવસે પૂજા-અર્ચના અને સાધના કરવાથી સહસ્ત્રગણું ફળ મળે છે.
ચોઘડિયાં પ્રમાણે કાળીચૌદશ ઉપાસનાનો શ્રેષ્ઠ સમય
શુભ સાંજે 6.06થી 7.41
અમૃત રાત્રે 7.41થી 9.15
ચલ રાત્રે 9.16થી 10.50
લાભ રાત્રે 01.58થી 3.33
કાળીચૌદશની રાતે ગમે તે સમયે પૂજા, મંત્ર, જાપ કરી શકાય છે. જ્યોતિષીઓ મુજબ, આ દિવસે ઉગ્રદેવ, નવગ્રહોની કે યંત્ર, રક્ષક દેવોની આરાધના-ઉપાસનાનો મહિમા શાસ્ત્રમાં વર્ણવ્યો છે. આ દિવસની ઉપાસનાથી આધિ-વ્યાધિ-ઉપાધિ દૂર થાય છે. લાંબી માંદગીમાં રાહત મળે છે, આકસ્મિક મૃત્યુ કે અકસ્માત ટળે છે. આ દિવસે સંધ્યા પછી જપ, તપ, યજ્ઞ કરવાથી વિશેષ ફળ મળે છે.
શનિદેવના મંદિરે પૂજા કરી જરૂરિયાતમંદોને ભોજન-વસ્ત્રદાનનું મહત્ત્વ
જે લોકોને શનિની સાડાસાતી ચાલતી હોય (ધન, મકર, કુંભ) તેમણે શનિદેવના મંદિરે જઈને પૂજા-અર્ચના કરીને જરૂરિયાતમંદ લોકોને ભોજન અને કપડાંનું દાન કરવું ઉત્તમ મનાય છે. તેમ જણાવતા જ્યોતિષી આશિષ રાવલે વધુમાં કહ્યું હતું કે, આ દિવસે કાળા તલ, કપડાં, અડદ, દેશી ચણા, કાચું તેલ, મીઠાના ગાંગડાનું દાન પણ ઉત્તમ માનવામાં આવે છે. જે પરિવારમાં લાંબા સમયથી માંદગી રહેતી હોય તેમણે સંધ્યા સમયે તલના તેલનો અખંડ દીવો રાખવો જોઈએ.
દીપદાન અને યમપૂજન
આસો મહિનાની ચૌદશ તિથિએ યમરાજને પ્રસન્ન કરવા માટે સૂર્યાસ્ત પછી દક્ષિણ દિશામાં દીપદાન કરવાથી ક્યારેય અકાળ મૃત્યુ આવતું નથી અને જાણ્યે-અજાણ્યે કરેલાં દરેક પાપ પણ દૂર થાય છે. પ્રસન્ન થઇને યમ આરોગ્ય અને લાંબી ઉંમરના આશીર્વાદ આપે છે. જેથી પરિવારમાં કોઇપણ પ્રકારની પરેશાની આવતી નથી.
અભ્યંગ અને ઔષધી સ્નાન
ભવિષ્ય પુરાણ પ્રમાણે આસો મહિનાના વદ પક્ષની ચૌદશ તિથિએ સ્નાન કરતાં પહેલાં તલના તેલની માલિશ કરવી જોઇએ. તલના તેલમાં લક્ષ્મીજી અને પાણીમાં ગંગાજીનો નિવાસ માનવામાં આવે છે. જેથી રૂપ વધે છે અને સ્વાસ્થ્ય સારું રહે છે. પદ્મપુરાણમાં ઉલ્લેખવામાં આવ્યું છે કે, જેઓ સૂર્યોદય પહેલાં સ્નાન કરે છે, તે યમલોક જતાં નથી. એટલે આ દિવસે સૂર્યોદય પહેલાં જ ઔષધી સ્નાન કરવું જોઇએ.
6 દેવતાઓનું પૂજન કરવામાં આવે છે
Copyright © 2023-24 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.