સૂર્યના ધન રાશિમાં આવતાં જ ધનુર્માસની શરૂઆત થઇ જાય છે. તેને ધન સંક્રાંતિ પણ કહેવામાં આવે છે. હિંદુ ધર્મની પૌરાણિક માન્યતાઓ પ્રમાણે ધનુર્માસમાં કોઇપણ પ્રકારના માંગલિક-શુભ કામ કરવા જોઇએ નહીં. આ વર્ષે 16 ડિસેમ્બરે સવારે 9.58 વાગ્યે સૂર્ય ધન રાશિમાં પ્રવેશ કરી રહ્યો છે. એટલે 16 ડિસેમ્બરથી 14 જાન્યુઆરી 2023 સુધી ધન સંક્રાંતિ હોવાથી ધનુર્માસ દોષ રહેશે.
ભગવાન વિષ્ણુનું પૂજન કરો
ધનુર્માસના પ્રતિનિધિ આરાધ્ય દેવ ભગવાન વિષ્ણુ છે, એટલે આ મહિના દરમિયાન ભગવાન વિષ્ણુની પૂજા નિયમિત કરવી જોઇએ. સાથે જ, વિષ્ણુ તથા શાલિગ્રામનો પંચામૃતથી અભિષેક કરવો જોઇએ. ભગવાનને સજાવીને તેમને વિશેષ પકવાનનો ભોગ ધરાવવો જોઇએ. પ્રભુનું નામ સ્તવન કરી કીર્તન તથા ઓમ નમો ભગવતે વાસુદેવાય આ મંત્રનો દરરોજ જાપ કરવો જોઇએ. તીર્થમાં જઇને દાન-સ્નાન તથા સૂર્ય અર્ઘ્ય આપવું જોઇએ. આ મહિનામાં તુલસીની પૂજાનું પણ વધારે મહત્ત્વ માનવામાં આવે છે. સવારે જલ્દી જાગીને તુલસીમાં દીવો તથા જળથી પૂજન કરવું જોઇએ અને તુલસીની માળાથી જ ભગવાન વિષ્ણુના મંત્રનો જાપ કરવો જોઇએ.
મકર સંક્રાંતિએ ધનુર્માસ પૂર્ણ થશે
સૂર્ય એક મહિના પછી મકર રાશિમાં પ્રવેશ કરશે. આ ખાસ દિવસને મકર સંક્રાંતિ પર્વ માનવામાં આવે છે. મકર સંક્રાંતિ દેવતાઓની મધ્ય રાત્રિ હોય છે. આ દિવસે પવિત્ર નદીઓમાં સ્નાન કરીને દાન કરવામાં આવે છે. આ દિવસથી ઉત્તરાયણ શરૂ થાય છે. લગ્ન સહિત બધા જ શુભ કામ આ દિવસે શરૂ થઇ જાય છે.
ધનુર્માસમાં શું કરવું જોઇએ
સૂર્યોદય પહેલાં સ્નાન, સંધ્યા કરીને ભગવાનનું સ્મરણ કરો. ધનુર્માસમાં સૂર્યદેવની ઉપાસના કરવી જોઇએ. આ મહાધર્મ, દાન, જાપ, તપનો મહિનો માનવામાં આવે છે. તેમાં અનેક ગુણો સાથે લાભ પ્રાપ્ત થાય છે. આ પુણ્ય કામ કરનારને અનેક ગણું ફળ પ્રાપ્ત થાય છે. ધનુર્માસમાં બ્રાહ્મણ, ગુરુ, ગાય તથા સાધુ-સંન્યાસીઓની સેવા કરવી જોઇએ.
ભાગવત કથા, પારાયણ, ભજન કીર્તન કરી શકાશે
જ્યોતિષી આશિષ રાવલના જણાવ્યાનુસાર, આ પરિભ્રમણ દરમિયાન તમામ શુભ કાર્યો (માંગલિક) નિષેધ મનાય છે, કારણ કે સૂર્યનું ભ્રમણ ગુરુની રાશિમાં પ્રવેશ કરવાથી નૈસર્ગિક રીતે સૂર્યનું બળ કંઈક અંશે ઘટે છે, જેથી શુભ કાર્ય કરવાથી બરકત રહેતી નથી. જોકે આ સમયમાં ભાગવત કથા, પારાયણ, ભજન, સત્યનારાયણની કથા રાંદલના લોટા નવગ્રહની પૂજા તેમ જ નવગ્રહ શાંતિ કર્મ કરી શકાય છે.
દાનનું મહત્ત્વ
ધનુર્માસ મહિનામાં સવારે જાગીને સ્નાન કરવું જોઇએ. તે પછી સૂર્યદેવની ઉપાસના કરવી જોઇએ. એવું પણ માનવામાં આવે છે કે ધનુર્માસમાં દાન-પુણ્ય કરવાથી પુણ્યની પ્રાપ્તિ થાય છે, એટલે આ મહિને જરૂરિયાતમંદ લોકોને ભોજન કરાવવું જોઇએ.
જરૂરિયાતમંદ લોકોને તેમની જરૂરિયાત પ્રમાણે જરૂરી વસ્તુઓ વહેંચી શકાય છે. માગશર મહિનામાં અનાજ સાથે જ વસ્ત્ર દાન પણ કરવામાં આવી શકે છે. ધનુર્માસમાં ગૌ પૂજન કરવાથી ભગવાન શ્રીકૃષ્ણનો આશીર્વાદ પ્રાપ્ત થાય છે. ઘરમાં સુખ-સમૃદ્ધિનું આગમન થાય છે. ભવિષ્યમાં કોઇપણ પ્રકારના કાર્યમાં સફળતા મળે છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.