આજે પાંચ રાજયોગમાં દેવઊઠી એકાદશી ઊજવાશે:22 નવેમ્બરે લગ્નનું પહેલું મુહૂર્ત રહેશે, 2023માં લગ્ન માટે 59 મુહૂર્ત રહેશે

3 મહિનો પહેલા

આજે દેવઊઠી એકાદશી છે. ચાતુર્માસના ચાર મહિના સુધી યોગનિદ્રામાં રહ્યા પછી ભગવાન વિષ્ણુ આ દિવસે જાગે છે. એટલે તેને દેવ પ્રબોધિની એકાદશી પણ કહેવામાં આવે છે. આ દિવસ પછી જ લગ્ન, ગૃહ પ્રવેશ અને માંગલિક કામ શરૂ થઈ જાય છે.

આ વખતે લગ્ન અને અન્ય માંગલિક કાર્ય 4 નવેમ્બરથી શરૂ થઈ શકશે નહીં કેમ કે, હાલ શુક્ર તારો અસ્ત છે, જે 18 નવેમ્બરના રોજ ઉદય થશે. એટલે મોટાભાગના લગ્ન આ દિવસ પછી જ શરૂ થશે. છતાંય થોડી જગ્યાએ 4 નવેમ્બરના રોજ એટલે આજે લગ્ન થઈ રહ્યા છે કેમ કે દેવઊઠી એકાદશી એક વણજોયું મુહૂર્ત માનવામાં આવે છે.

દેવ લગ્નનો દિવસ
આજે ઘરમાં શેરડીનો મંડપ બંધાશે અને સાંજે ગોધુલિ વેળામાં તુલસી-શાલિગ્રામના લગ્ન થશે. મંદિરોમાં ખાસ પૂજા થશે. આ વખતે એકાદશીએ માલવ્ય, શશ, પર્વત, શંખ અને ત્રિલોચન નામના પાંચ રાજયોગ બની રહ્યા છે. સાથે જ, તુલા રાશિમાં ચતુર્ગ્રહી યોગ બની રહ્યો છે. આ શુભ સંયોગમાં દેવ પ્રબોધિની એકાદશીની પૂજા કરવાથી અક્ષય પુણ્ય મળશે. અનેક વર્ષ પછી એકાદશીએ આવો સંયોગ બન્યો છે.

(ડો. ગણેશ મિશ્ર, પુરી અને કાશી વિદ્વત પરિષદના પ્રો. રામનારાયણ દ્વિવેદીના જણાવ્યા પ્રમાણે)

શુક્ર અસ્ત પરંતુ વણજોયું મુહૂર્ત હોવાના કારણે લગ્ન થશે
જ્યોતિષ ગ્રંથોમાં દેવઊઠી એકાદશીને વણજોયું મુહૂર્ત કહેવામાં આવે છે. એટલે પંચાંગ જોયા વિના જ આ દિવસે માંગલિક કાર્યો કરી શકાય છે. આ પરંપરાના કારણે અનેક લોકો આજે લગ્ન કરશે. ત્યાં જ, જ્યોતિષીઓના જણાવ્યા પ્રમાણે લગ્ન માટે જરૂરી તિથિ, વાર, નક્ષત્ર ન મળે તો આ દિવસે લગ્ન કરી શકાય છે પરંતુ શુક્ર ગ્રહ અસ્ત હોય તો વણજોયાં મુહૂર્તના દિવસે પણ લગ્ન કરવા જોઈએ નહીં.

આ વર્ષે માત્ર 9 મુહૂર્ત
દેવઊઠી એકાદશી પછી હવે લગ્નની સિઝન શરૂ થઈ જશે. પરંતુ આ વખતે શુક્ર અસ્ત હોવાથી લગ્ન માટેનું પહેલું મુહૂર્ત 22 નવેમ્બરના રોજ છે. જેથી આ વર્ષે એટલે કે નવેમ્બર અને ડિસેમ્બરમાં લગ્ન માટે 9 મુહૂર્ત જ રહેશે. પછી ધનુર્માસ શરૂ થઈ જવાના કારણે આવતા વર્ષે 15 જાન્યુઆરીથી લગ્ન શરૂ થશે. જે 28 ફેબ્રુઆરી સુધી ચાલશે.

માર્ચ અને એપ્રિલ 2023માં એકપણ મુહૂર્ત રહેશે નહીં
આવતા વર્ષે માર્ચમાં હોળાષ્ટક અને મીનમાસ રહેશે. એટલે સૂર્ય, ગુરુની રાશિ મીનમાં રહેશે. જ્યારે આ સ્થિતિ બને છે ત્યારે પણ લગ્ન કરી શકાય નહીં. એપ્રિલમાં ગુરુ અસ્ત થઈ જશે એટલે આ બંને મહિનામાં લગ્ન મુહૂર્ત રહેશે નહીં. 4 મે 2023થી લગ્ન માટે મુહૂર્ત ફરી શરૂ થઈ જશે જે 27 જૂન સુધી રહેશે. તેના એક દિવસ પછી 29 જૂનના રોજ દેવશયની એકાદશી રહેશે, આ દિવસથી ચાર મહિના માટે બધા જ માંગલિક કાર્યો બંધ થઈ જશે.

ભગવાન વિષ્ણુને શંખ વગાડીને જગાડવામાં આવે છે
આ દિવસે બ્રહ્મ મુહૂર્તમાં તીર્થ સ્નાન કરીને શંખ અને ઘંટ વગાડીને મંત્ર બોલીને ભગવાન વિષ્ણુને જગાડવામાં આવે છે. પછી તેમની પૂજા કરવામાં આવે છે. સાંજે ગોધુલિ વેળા એટલે સૂર્યાસ્ત સમયે ભગવાન શાલિગ્રામ અને તુલસીના લગ્ન કરાવવામાં આવે છે. સાથે જ, ઘર અને મંદિરમાં દીપદાન કરવામાં આવે છે.

તુલસી વિવાહ સાથે જોડાયેલી ત્રણ કથા
શિવ પુરાણઃ ચાર મહિનાની યોગ નિદ્રાથી ભગવાન વિષ્ણુ જાગે છે

શિવપુરાણ પ્રમાણે, ભાદરવા મહિનાની સુદ એકાદશીએ ભગવાન વિષ્ણુએ દૈત્ય શંખાસુરનો વધ કર્યો હતો. ભગવાન વિષ્ણુ અને દૈત્ય શંખાસુરની વચ્ચે યુદ્ધ લાંબા સમય સુધી ચાલ્યું હતું. યુદ્ધ પૂર્ણ થયા પછી ભગવાન વિષ્ણુ ખૂબ જ થાકી ગયા હતાં. ત્યારે તેઓ ક્ષીરસાગરમાં આવીને સૂઇ ગયાં. તેમણે સૃષ્ટિનો કાર્યભાર ભગવાન શિવજીને સોંપી દીધો. તે પછી કારતક સુદ એકાદશીના રોજ જાગ્યાં. ત્યારે શિવજી સહિત બધા દેવી-દેવતાઓએ ભગવાન વિષ્ણુની પૂજા કરી અને ફરી સૃષ્ટિનો કાર્યભાર તેમને સોંપવામાં આવ્યો. આ કારણે કારતક મહિનાના સુદ પક્ષની એકાદશીને દેવ પ્રબોધિની એકાદશી કહેવામાં આવે છે.

વામન પુરાણઃ 4 મહિના પાતાળમાં રહ્યા પછી ભગવાન ક્ષીર સાગર પાછા ફરે છે
વામન પુરાણ પ્રમાણે, ભગવાન વિષ્ણુએ વામન અવતારમાં રાજા બલિ પાસે ત્રણ પગ જમીન દાનમાં માંગી હતી. તેમણે વિશાળ સ્વરૂપ લઇને બે પગમાં પૃથ્વી, આકાશ અને સ્વર્ગ લોક લઇ લીધું. ત્રીજો પગ બલિએ પોતાના માથા ઉપર રાખવા માટે કહ્યું. પગ રાખતાં જ રાજા બલિ પાતાળમાં જતો રહ્યો. ભગવાને પ્રસન્ન થઇને બલિને પાતાળ લોકનો રાજા બનાવી દીધો અને વરદાન માંગવા માટે જણાવ્યું.

બલિએ કહ્યું કે તમે મારા મહેલમાં નિવાસ કરો. ભગવાને ચાર મહિના સુધી તેમના મહેલમાં રહેવાનું વરદાન આપ્યું. ધાર્મિક માન્યતાઓ પ્રમાણે ભગવાન વિષ્ણુ દેવશયની એકાદશીથી દેવપ્રબોધિની એકાદશી સુધી પાતાળમાં બલિના મહેલમાં નિવાસ કરે છે. પછી કારતક મહિનાની એક એકાદશીએ પોતાના લોક લક્ષ્મીજી સાથે રહે છે.

શિવપુરાણઃ વૃંદાના શ્રાપથી ભગવાન વિષ્ણુ પથ્થરના શાલિગ્રામ બન્યાં
આ વર્ષે દેવઊઠની એકદાશી 25 નવેમ્બરના રોજ એટલે આજે છે. આ દિવસે તુલસી વિવાહ કરાવવાની પરંપરા છે. ભગવાન શાલિગ્રામ સાથે તુલસીજીના લગ્ન થાય છે. તેની પાછળ એક પૌરાણિક કથા છે, જેમાં જાલંધરને હરાવવા માટે ભગવાન વિષ્ણુએ વૃંદા નામની પોતાની ભક્ત સાથે છળ કર્યું હતું. ત્યાર પછી વૃંદાએ વિષ્ણુજીને શ્રાપ આપીને પથ્થર બનાવી દીધા હતાં, પરંતુ લક્ષ્મી માતાની વિનંતી પછી તેમને ફરી મૂળ સ્વરૂપમાં લાવીને પોતે સતી થઇ ગઇ. તેમની રાખથી જ તુલસીના છોડનો જન્મ થયો અને તેની સાથે શાલિગ્રામના લગ્નની પ્રથા શરૂ થઇ.