તિથિ-તહેવાર:આજથી ડિસેમ્બર મહિનો શરૂ થઇ રહ્યો છે, આ મહિને 11 ડિસેમ્બરે ઉત્પતિ એકાદશી અને 14મીએ સોમવતી અમાસ રહેશે

એક વર્ષ પહેલા
  • ડિસેમ્બર મહિનામાં સૂર્ય ગ્રહણ પણ થશે, ભારતમાં જોવા મળશે નહીં જેથી તેનું સૂતક લાગશે નહીં

મંગળવાર એટલે આજથી ડિસેમ્બર મહિનો શરૂ થઇ ગયો છે. ડિસેમ્બરમાં વર્ષનું છેલ્લું સૂર્યગ્રહણ પણ થશે, પરંતુ ભારતમાં જોવા મળશે નહીં. એટલે આ ગ્રહણનું સૂતક પણ ભારતમાં લાગશે નહીં. જાણો આ મહિનામાં ક્યારે કયો ખાસ પર્વ આવી રહ્યો છે...

ગુરુવાર, 3 ડિસેમ્બરના રોજ ગણેશ ચોથ વ્રત છે. આ તિથિએ ગણેશજીને દૂર્વા ચઢાવવી અને વ્રત કરવું. સાંજે ચંદ્રના દર્શન અને પૂજા પછી આ વ્રત પૂર્ણ થાય છે.

સોમવાર, 7 ડિસેમ્બરના રોજ કાલભૈરવ આઠમ છે. આ તિથિએ કાલભૈરવની પૂજા કરો અને દીવો પ્રગટાવો. ઉજ્જૈનમાં સ્થિત કાલભૈરવને ખાસ કરીને દારૂનો ભોગ ધરાવવામાં આવે છે.

શુક્રવાર, 11 ડિસેમ્બરના રોજ ઉત્પતિ એકાદશી છે. આ દિવસે ભગવાન વિષ્ણુ માટે વ્રત કરવામાં આવે છે. એકાદશી વ્રતથી જાણ્યા-અજાણ્યા કરેલાં પાપ કર્મની અસર દૂર થાય છે.

સોમવાર, 14 ડિસેમ્બરના રોજ વર્ષનું છેલ્લું સૂર્યગ્રહણ રહેશે. આ ગ્રહણ ભારતમાં જોવા મળશે નહીં. આ કારણે અહીં તેનું સૂતક લાગશે નહીં. સોમવારે અમાસ તિથિ રહેશે. આ તિથિએ પિતૃઓ માટે પૂજન કર્મ કરવાની પરંપરા છે.

મંગળવાર, 15 ડિસેમ્બરના રોજ સૂર્ય ધન રાશિમાં પ્રવેશ કરશે. તેને ધન સંક્રાંતિ કહેવામાં આવે છે. આ દિવસે નદીમાં સ્નાન કરવા અને દાન-પુણ્ય કરવાની પરંપરા છે.

શુક્રવાર, 18 ડિસેમ્બરના રોજ વિનાયકી ચોથ છે. આ તિથિએ પણ ગણેશજી માટે વ્રત-ઉપવાસ અને પૂજા-પાઠ કરવામાં આવે છે.

શુક્રવાર, 25 ડિસેમ્બરે મોક્ષદા એકાદશી છે. તેને ગીતા જયંતી સ્વરૂપમાં પણ ઊજવવામાં આવે છે. આ દિવસે ક્રસમસ પણ ઊજવાય છે. એકાદશીએ ભગવાન વિષ્ણુ માટે વ્રત-ઉપવાસ કરો. ક્રિસમસ પ્રભુ યીશુના જન્મોત્સવ સ્વરૂપમાં ઊજવવામાં આવે છે.

મંગળવાર, 29 ડિસેમ્બરના રોજ દત્ત પૂર્ણિમા છે. આ તિથિએ ભગવાન દત્તાત્રેયનો અવતાર થયો હતો. 29 અને 30 તારીખે માગશર મહિનાની પૂર્ણિમા રહેશે. આ તિથિએ નદીમા સ્નાન અને દાન-પુણ્ય કરવાની પરંપરા છે. તે પછી 31 ડિસેમ્બરથી માગશર મહિનાનો વદ પક્ષ શરૂ થઇ જશે.