મંગળવાર, 9 નવેમ્બરના રોજ લાભપાંચમ ઉજવાશે. લાભપાંચમને શ્રીપંચમી પણ કહેવામાં આવે છે. વેપારીઓ નવા વર્ષની બોણી કર્યા પછી લાભ પાંચમના દિવસ સુધી રજા રાખે છે અને આ દિવસેથી ફરી પોતાનો વેપાર શરું કરે છે. તેવામાં નવ વર્ષના વેપાર-ધંધાના મુહૂર્ત કરવા અને સોદા માટે લાભપાંચમનો દિવસ સર્વોત્તમ છે. મંગળવારે સાંજે 5 વાગ્યા સુધી પૂર્વાષાઢા નક્ષત્ર છે જે નવા વર્ષના વેપાર-ધંધા મુહૂર્ત કરવા ઉત્તમોત્તમ છે.
બુધવાર, 10 નવેમ્બરના રોજ છઠ્ઠ પૂજા છે. આ તિથિએ સૂર્યને ખાસ અર્ઘ્ય આપવામાં આવે છે. દર વર્ષે કારતક મહિનાના સુદ પક્ષની છઠ્ઠ તિથિએ છઠ્ઠ પૂજા ઉત્સવ ઊજવવામાં આવે છે. આ ઉત્સવની શરૂઆત 8 નવેમ્બરથી થશે અને 10 નવેમ્બરે સવારે સૂર્યને અર્ઘ્ય આપીને છઠ્ઠ પૂજાનું વ્રત પૂર્ણ થઈ જશે.
લાભપાંચમના મુહૂર્ત
કારતક સુદ પાંચમ જેને લાભ પાંચમ, જ્ઞાનપંચમી, પાંડવપંચમી કે શ્રીપંચમી તરીકે ગણાય છે. નવા વર્ષ માટે વેપાર ધંધાનું મુરત કરવામાં આવશે.
શુભ મૂહુર્ત
ચલ, લાભ, અમૃત ચોધડિયા
સવારે 10.37 થી 13.47
(બુધ, ચંદ્ર, ગુરૂની હોરા રહેશે જે ઉતમ બની રહેશે.)
પૂજા વિધિ
ધંધાનાં સ્થળે પૂજાના સ્થાને સૌ પ્રથમ ગણેશજીની, કુળદેવીની તસવીરને શુદ્ધ પાણીથી સફાઈ કરી અબીલ ગુલાલ કંકુનો ચાંદલો કરી અક્ષત ચોડી ને હાર પહેરાવીને આસોપાલવનું તોરણ બાંધી શ્રીફળ વધેરીને સાથોસાથ મિક્સ મીઠાઈ માતાજીને અર્પણ કરી નવા ધંધાનું શુભ મુહૂર્ત કરી આરતી કરીને ત્યાર બાદ તિજોરીનું પૂજન, કાંટાનું પૂજન, ધનભંડાર પૂજન તથા ચોપડામાં મીતી દોરવી અને ખરીદ-વેચાણના સોદા નોંધવા. મંગળવારે લાભપાંચમથી ધંધાની શરૂઆત કરવાથી વેપાર-વ્યવસાયમાં વધુ બરકત બની રહેશે તે માટે સત્યનારાયણની કથા કરાવવાની પરંપરા રહેલી છે.
10 નવેમ્બર, બુધવારે છઠ્ઠ પૂજા
ઉજ્જૈનના જ્યોતિષાચાર્ય પં. મનીષ શર્માના જણાવ્યા પ્રમાણે સૂર્ય પંચદેવોમાંથી એક છે. રોજ સવારે જલ્દી જાગીને સ્નાન કર્યા પછી સૂર્યને અર્ઘ્ય આપવું જોઈએ. સૂર્યને જળ ચઢાવવા માટે તાંબાના લોટાનો ઉપયોગ કરો, કેમ કે તાંબું સૂર્યની ધાતુ છે. પાણીમાં ચોખા, નાડાછડી, ફૂલના પાન પણ રાખવા જોઈએ, તે પછી સૂર્યને અર્ઘ્ય આપો.
જળ ચઢાવતી સમયે ગાયત્રી મંત્રનો જાપ કરો.
ગાયત્રી મંત્ર- ऊँ भूर्भुवः स्वः तत्सवितुर्वरेण्यं भर्गो देवस्य धीमहि धियो यो नः प्रचोदयात्।
સૂર્યને અર્ઘ્ય આપતી સમયે આ મંત્રનો જાપ કરવાથી મન શાંત થાય છે અને એકાગ્રતા વધે છે. મંત્ર જાપ ઓછામાં ઓછો 108વાર કરવો જોઈએ.
જાણીતા જ્યોતિષી આશિષ રાવલ(ashishrawal13677@gmail.com) ના જણાવ્યાનુસાર નવગ્રહ પૈકી ગ્રહ મંડળમાં સૂર્યગ્રહને રાજા ગણવામાં આવે છે જેનું મુખ્ય કારણ તત્વ માન-સન્માન, પદ, પ્રતિષ્ઠા, સ્વાસ્થ્ય સંપત્તિ સાથે સત્તાનો કારક ગણવામાં આવે છે. બધા જ ગ્રહોમાં રાજાદી સૂર્ય ગ્રહ ગણાય છે. જે જાતકોની કુંડળીમાં સૂર્ય રાશિગત, સ્થાનગત કે શત્રુ રાશિમાં રહેલો હોય કે નિર્બળ થતો હોય ત્યારે આવા જાતકોએ આજના દિવસે અવશ્ય નદી કિનારે જઈને સૂર્ય ગ્રહની પૂજા અર્ચના કરે તો સૂર્ય ગ્રહનું વિશેષ બળ સંપન્ન થશે કારણ કે સૂર્યગ્રહ ને અન્નદાતા, પ્રાણદાતા કે જીવન રક્ષક માનવામાં આવે છે. બધા જ ગ્રહોમાં સૂર્ય, ચંદ્ર ગ્રહ પ્રત્યક્ષ દેવતા છે. આવા દિવસે તપસ્વી બ્રાહ્મણને લાલ કપડું, ઘઉં, માણેકનું નંગ લાલ કલરની મીઠાઈ સાથોસાથ દક્ષિણા અર્પણ કરવી જોઈએ તેનાથી વિશેષ શુભત્વ જોવા મળશે. જ્યોતિષો, રાજકીય મહાનુભવો તથા વિદ્યાર્થીગણે અવશ્ય આજરોજ તાંબાના કળશમાં શુદ્ધ જળમાં ચપટી કંકુનાખી તેમાં ચપટી ચોખા ભેળવી સફેદ ફૂલ મુકી અર્ગ આપવો જોઈએ જેનાથી ઉન્નતિ બની રહેશે. ખાસ કરીને રાજસ્થાન, મહારાષ્ટ્ર, ઉત્તરપ્રદેશ, બિહાર, હિમાચલ પ્રદેશ, ઉત્તરાંચલ રાજ્યમાં આજના દિવસનું વિશેષ મહત્ત્વ રહેલું છે.
Copyright © 2023-24 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.