આજે આપણે વાત કરીએ ચતુર્મુખી રુદ્રાક્ષની તો જેને ચાર ધારી હોય તેને ચારમુખી રુદ્રાક્ષ કહેવાય છે. શિવ સ્વરૂપ રુદ્રાક્ષનું મહાત્મ્ય પૃથ્વી પર અમૃતતુલ્ય છે. પણ જ્યારે કોઈ નિશ્ચિત ઇચ્છા અને અભિલાષાથી ધારણ કરવામાં આવે તો ચતુર્મુખી રુદ્રાક્ષ તેની ઊર્જા અનુસાર શ્રેષ્ઠતમ બુદ્ધિના ફળ આપે છે. આમ તો, બુદ્ધિ અને જ્ઞાનને લોકો એક જ માને છે. પરંતુ બંનેમાં ભેદ છે. મનુષ્યની બુદ્ધિમત્તામાં તેમજ કુશાગ્રતામાં વધારો કરનાર ચતુર્મુખી રુદ્રાક્ષ બુદ્ધિ સાથે વેપાર-ધંધામાં પણ પ્રગતિ કરાવે છે. સમગ્ર સિદ્ધિ અપાવવામાં સક્ષમ છે. સાથે જ વિદ્યાપ્રાપ્તિના હેતુમાં પણ તેટલો જ સહાયક છે. આ સિવાય પણ ચતુર્મુખી રુદ્રાક્ષ સદગુરુ અને ગુરુકૃપાની પ્રાપ્તિ માટે ફાયદાકારક છે.
જ્યોતિષશાસ્ત્ર અનુસાર, ચતુર્મુખી રુદ્રાક્ષ ધારણ કરવાથી બુધદેવની કૃપા પ્રાપ્ત થાય છે. બુધદેવને બુદ્ધિના કારક માનવામાં આવે છે. જો કોઈ વ્યક્તિની કુંડળીમાં બુધની સ્થિતિ સારી ન હોય તો આ રુદ્રાક્ષ ધારણ કરવાથી બુધદેવના આશિર્વાદ પ્રાપ્ત થાય છે.
પંચમુખી રુદ્રાક્ષઃ આ રુદ્રાક્ષ સર્વકલ્યાણકારી, મંગળપ્રદાતા અને આયુષ્યવર્ધક છે. પાંચમુખી રુદ્રાક્ષમાં પાંચ ધારી હોય છે અને સામાન્ય રીતે સૌથી વધુ જોવા મળતો રુદ્રાક્ષ છે. પરંતુ આ રુદ્રાક્ષની શક્તિઓ અલૌકિક છે. આ રુદ્રાક્ષ ધારણ કરવાથી આધ્યાત્મિક શક્તિમાં વધારો થાય જ છે, સાથે સાથે ઇચ્છિત જ્ઞાનની પ્રાપ્તિ સહજ રીતે થાય છે. આજના ભાગ-દોડભર્યા જીવનમાં માનવે પોતાના પ્રત્યે તેમજ કુદરત પ્રત્યે જે સંવેદના ગુમાવી છે, તેને સરળતાથી પાછી અપાવી શકે છે.
હાલના સમયમાં માનસિક તણાવગ્રસ્ત લોકોનું પ્રમાણ વધુ જોવા મળે છે. પાંચમુખી રુદ્રાક્ષ ધારણ કરવાથી તેમાં પણ ઉત્તમ લાભ મળે છે. મનને શાંતિ મળે છે. અત્યારના સમયમાં ચાલતી વિકૃતિઓને દૂર રાખવામાં સહાયક છે. એક બાળકના જીવનમાં 16થી 22 વર્ષનો સમયગાળો નિર્ણાયક માનવામાં આવે છે. કારણ કે, આ જ સમયગાળા દરમિયાન તે જેવા પ્રકારની સંગત, રહેણી તેમજ વિચારોને તે સ્થિર કરશે, તેમજ જીવનમાં કેવો માર્ગ પસંદ કરશે તેના પર તેનું ભવિષ્ય નિર્ભર કરે છે. જો આવા સમયગાળા દરમિયાન પંચમુખી રુદ્રાક્ષ ધારણ કરાવવામાં આવે તો તેના વિચારો અને નિર્ણયોમાં સકારાત્મકતા લાવી શકાય છે. આ રુદ્રાક્ષ પાંચ તત્વોનું પ્રતિક છે. આ સાથે જ તે અનેક પ્રકારના ઔષધિય ગુણો પણ ધરાવે છે.
જ્યોતિષશાસ્ત્ર અનુસાર, પાંચમુખી રુદ્રાક્ષ ધારણ કરવાથી ગુરુ દેવની કૃપા પ્રાપ્ત થાય છે. જે જાતકની કુંડળીમાં ગુરુની સ્થિતિ સારી ન હોય તેવો વ્યક્તિ પંચમુખી રુદ્રાક્ષ ધારણ કરીને ગુરુ દેવના આશિર્વાદ મેળવી શકે છે.
ક્રમશઃ
આ લેખની સંપૂર્ણ માહિતી અમદાવાદના જ્યોતિષી અનુજ પંડ્યા (modernsage108@gmail.com) દ્વારા જણાવવામાં આવી છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.