ચૈત્ર નવરાત્રિ 2 એપ્રિલથી શરૂ થશે જે 10 તારીખ સુધી ચાલશે. આ વર્ષે દેવી આરાધના નવે-નવ દિવસ કરવામાં આવશે કેમ કે નવરાત્રિમાં કોઈપણ તિથિનો ક્ષય થઈ રહ્યો નથી. જે શુભ સંયોગ છે. ચૈત્ર નવરાત્રિમાં ખરીદીના અનેક મુહૂર્ત મળશે. સાથે જ, આ દિવસોમાં મંગળ અને બુધનું રાશિ પરિવર્તન થવું પણ શુભ સંયોગ છે. વાતાવરણમાં પરિવર્તનના સમયે આ નવ દિવસ દરમિયાન વ્રત-ઉપવાસ કરવો સ્વાસ્થ્ય માટે સારું રહેશે. સાથે જ, આ દિવસોમાં દેવી આરાધનાથી શક્તિ વધે છે.
નવે-નવ દિવસ દેવી પર્વ હોવું શુભ
નવરાત્રિ ચૈત્ર મહિનાના સુદ પક્ષની એકમ તિથિથી શરૂ થશે. આ વખતે કોઈપણ તિથિનો ક્ષય થશે નહીં અને નવે-નવ દિવસ આરાધના થશે. ડો. મિશ્ર જણાવે છે કે નવરાત્રિમાં તિથિ ક્ષય ન થવું શુભ સંયોગ છે. આ નવ દિવસોમાં દેવી આરાધનાથી સુખ અને સમૃદ્ધિ વધે છે. માતા દુર્ગાને સુખ-સમૃદ્ધિ અને એશ્વર્યની દેવી કહેવામાં આવે છે. એટલે નવ દિવસ સુધી માતા દુર્ગાના વિવિધ સ્વરૂપોની પૂજા કરવામાં આવે છે. જે દરેક મનોકામના પૂર્ણ કરનાર અને દરેક પ્રકારના દોષ દૂર કરનાર હોય છે.
દુર્ગાષ્ટમી 9 અને મહાનોમ 10મીએ
પુરીના જ્યોતિષાચાર્ય ડો. ગણેશ મિશ્ર જણાવે છે કે દરેક નવરાત્રિએ માતા દુર્ગા વિવિધ વાહનો ઉપર સવાર થઈને આવે છે અને વિદાય સમયે પણ વાહન અલગ હોય છે. આ વખતે દેવી દુર્ગા ઘોડા ઉપર સવાર થઈને આવશે અને ભેંસ ઉપર સવાર થઈને જશે. દેવીના બંને વાહન દેશમાં વિવાદ, તણાવ, દુર્ઘટના અને પ્રાકૃતિક આપત્તિઓ તરફ સંકેત કરે છે. એટલે દેવી આરાધનાથી અશુભ ફળમાં ઘટાડો આવે છે. આ વખતે મહાઅષ્ટમી 9 એપ્રિલ અને મહાનોમ 10મી તારીખના રોજ ઊજવવામાં આવશે.
બ્રહ્મ મુહૂર્તમાં ઘટ સ્થાપના શુભફળદાયી રહેશે
નવરાત્રિના પહેલાં દિવસે વૈધૃતિ યોગ હોય છે. ગ્રંથોમાં જણાવવામાં આવ્યું છે કે આ યોગમાં ઘટ સ્થાપના કરવી જોઈએ નહીં. આ વખતે બપોરના સમયે અશુભ યોગ શરૂ થશે. એટલે બ્રહ્મ મુહૂર્તમાં ઘટ સ્થાપના કરવી શુભ રહેશે. થોડા વિદ્વાનો પ્રમાણે જો બ્રહ્મ મુહૂર્તમાં ઘટ સ્થાપના ન કરી શકો તો અભિજિત મુહૂર્તમાં કરી શકો છો.
Copyright © 2023-24 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.