શ્રાવણ મહિનામાં જ્યોતિર્લિંગનાં દર્શનનું વિશેષ મહત્ત્વ છે. 12 મુખ્ય જ્યોતિર્લિંગમાં ભીમાશંકરનું સ્થાન છઠ્ઠું છે. આ જ્યોતિર્લિંગ મહારાષ્ટ્રમાં પુણેથી અંદાજે 110 કિ.મી. દૂર સહ્યાદ્રિ પર્વત પર સ્થિત છે. ભીમાશંકર જ્યોતિર્લિંગને મોટેશ્વર મહાદેવના નામથી પણ ઓળખવામાં આવે છે. એવી માન્યતા છે કે જ્યોતિર્લિંગનાં દર્શન માત્ર કરવાથી વ્યક્તિને સમસ્ત દુઃખોથી છુટકારો મળે છે. અહીં ભીમા નદી પણ નીકળે છે. મહાશિવરાત્રિ અને દર મહિને આવતી શિવરાત્રિમાં અહીં પહોંચવા માટે વિશેષ બસસેવા શરૂ કરવામાં આવે છે.
ભગવાન શિવજીએ ભીમ રાક્ષસનો વધ કર્યો હતોઃ-
શિવપુરાણ અનુસાર, પૂર્વકાળમાં ભીમ નામનો એક બળવાન રાક્ષસ હતો. આ રાવણના નાના ભાઇ કુંભકર્ણનો પુત્ર હતો. જ્યારે તેને ખબર પડી કે પિતાનું મૃત્યુ ભગવાન વિષ્ણુના અવતાર શ્રીરામના હાથે થયું તો તે ઘણો ક્રોધિત થયો. વિષ્ણુને પીડા આપવાના ઉદ્દેશ્યથી તેણે બ્રહ્માનું તપ કરી તેમને પ્રસન્ન કર્યા. બ્રહ્માનું વરદાન મેળવી એ રાક્ષસ વધુ શક્તિશાળી થઇ ગયો અને તેણે ઇંદ્ર વગેરે દેવતાઓને હરાવી દીધા. ત્યાર બાદ તેણે પૃથ્વીને જીતવાનો પ્રારંભ કર્યો. અહીં કામરૂપ દેશના રાજા સુદક્ષિણ સાથે તેનું ભયાનક યુદ્ધ થયું. અંતમાં, ભીમે રાજા સુદક્ષિણને હરાવીને કેદ કર્યા.
રાજા સુદક્ષિણ શિવભક્ત હતા. કેદમાં રહીને તેણે એક પાર્થિવ શિવલિંગ બનાવ્યું અને તેની પૂજા કરવા લાગ્યો. આ વાત જ્યારે ભીમને ખબર પડી તો તે ઘણો ક્રોધિત થયો અને રાજા સુદક્ષિણનું વધ કરવાના ઉદ્દેશ્યથી ત્યાં પહોંચ્યો. જ્યારે ભીમે સુદક્ષિણને પૂછ્યું કે તું શું કરી રહ્યો છે? ત્યારે સુદક્ષિણે કહ્યું કે આ જગતના સ્વામી ભગવાન શંકરની પૂજા કરી રહ્યો છું. ભગવાન શિવ પ્રત્યે રાજા સુદક્ષિણની ભક્તિ જોઇને ભીમે એ શિવલિંગ પર તલવાર ચલાવી, ત્યારે ત્યાં ભગવાન શિવ પ્રગટ થયા.
પ્રકટ થઇને ભગવાન શિવે કહ્યું કે હું ભીમેશ્વર છું અને મારા ભક્તની રક્ષા કરવા માટે પ્રકટ થયો છું. ભગવાન શિવ અને રાક્ષસ ભીમ વચ્ચે ભયંકર યુદ્ધ થયું. અંતમાં પોતાનું હુંકાર માત્રથી ભગવાન શિવે ભીમ તથા અન્ય રાક્ષસોને ભસ્મ કરી નાખ્યા. ત્યારે દેવતાઓ અને ઋષિ-મુનિઓએ ભગવાન શિવને પ્રાર્થના કરી કે તમે આ સ્થાન પર સદા નિવાસ કરો. આ પ્રકારે બધાની પ્રાર્થના સાંભળીને ભગવાન શિવ એ સ્થાને ભીમાશંકર જ્યોતિર્લિંગના રૂપમાં સ્થિર થયા.
ક્યારે જવુંઃ-
જો તમે ભીમાશંકર મંદિરની યાત્રા કરવા માગો છો તો ઓગસ્ટ અને ફેબ્રુઆરીની વચ્ચે જવું. જોકે તમે ઉનાળાને છોડીને કોઇપણ સમયે ત્યાં જઇ શકો છો.
ક્યાં રોકાવુંઃ-
અહીં આવતા શ્રદ્ધાળુઓ ઓછામાં ઓછા ત્રણ દિવસ રોકાય છે. અહીં શ્રદ્ધાળુઓને રોકાવા માટે તમામ પ્રકારની વ્યવસ્થા કરવામાં આવી છે. ભીમાશંકરથી થોડેક દૂર શિનોલી અને ઘોડગાંવ છે, જ્યાં તમામ પ્રકારની સુવિધા મળશે.
કેવી રીતે પહોંચશોઃ-
બસ સુવિધાઃ ભીમાશંકર જ્યોતિર્લિંગ સુધી પહોંચવા માટે પુણેથી બસ સુવિધા અને ટેક્સી સરળતાથી મળી જાય છે. પુણેમાં એમઆરટીસીની સરકારી બસ દરરોજ સવારે 5 વાગ્યે અને સાંજે 4 વાગ્યે જાય છે. મહાશિવરાત્રિ અને દર મહિને આવતી શિવરાત્રિમાં અહીં પહોંચવા માટે વિશેષ બસસેવા શરૂ કરવામાં આવે છે.
રેલવે સુવિધાઃ- મંદિરની સૌથી નજીકનું રેલવે સ્ટેશન પુણે છે. પુણેથી ભીમાશંકર માટે બસ અને ટેક્સીઓ મળી રહે છે.
હવાઇ સેવાઃ- ભીમાશંકર જ્યોતિર્લિંગ પહોંચવા માટે સૌથી નજીકનું એરપોર્ટ પુણે છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.