ઉત્સવ:અમાસના દિવસે પિતૃઓ માટે ધૂપ-ધ્યાન કરો, ગૌશાળામાં અને જરૂરિયાતમંદ લોકોને દાન કરો

એક મહિનો પહેલા
  • કૉપી લિંક

સોમવાર અને મંગળવારે શ્રાવણ મહિનાની અમાસ છે. સોમવારે શ્રાદ્ધની અમાસ છે અને મંગળવારે સ્નાન-દાનની અમાસ છે. જેને કુશગ્રહિણી અમાસ પણ કહેવામાં આવે છે. જાણો આ દિવસે કેવા શુભ કાર્યો કરી શકાય છે....

ઉજ્જૈનના જ્યોતિષાચાર્ય પં. મનીષ શર્માના જણાવ્યા પ્રમાણે અમાસના દિવસે પિતૃઓ માટે ધૂપ-ધ્યાન જરૂર કરો. તેના માટે બપોરનો સમય સૌથી સારો રહે છે. બપોરના સમયગાળામાં ગાયના ગોબરથી બનેલાં છાણા પ્રગટાવવા અને જ્યારે છાણામાંથી ધૂમાડો નીકળતો બંધ થઈ જાય, ત્યારે બળતા છાણા ઉપર ગોળ અને ઘીથી ધૂપ આપવું જોઈએ. આ દરમિયાન પિતૃઓનું ધ્યાન કરતા રહેવું જોઈએ. ધૂપ આપ્યા પછી હથેળીમાં જળ લેવું અને અંગૂઠા તરફથી પિતૃઓને જળ અર્પણ કરો. આ ધૂપ આપવાની સામાન્ય વિધિ છે.

અમાસના દિવસે નદીઓમાં સ્નાન કરવાની પણ પરંપરા છે. જો નદીમાં સ્નાન કરી શકો નહીં તો ઘરમાં જ બધા તીર્થ અને નદીઓનું ધ્યાન કરીને સ્નાન કરવું જોઈએ. પાણીમાં ગંગાજળ મિક્સ કરીને પણ સ્નાન કરી શકો છો. આવું કરવાથી પણ ઘરમાં જ તીર્થ સ્નાન સમાન પુણ્ય મળી શકે છે. સ્નાન પછી ઘરની આસપાસ જો કોઈ જરૂરિયાતમંદ વ્યક્તિ જોવા મળે તો તેને ધન, વસ્ત્ર અને અનાજનું દાન કરવું જોઈએ. કોઈ ગૌશાળામાં લીલું ઘાસ અને ગાયની દેખરેખ માટે પોતાની શક્તિ પ્રમાણે દાન કરવું જોઈએ.

શિવલિંગ ઉપર તાંબાના લોટાથી જળ ચઢાવો અને ઓમ નમઃ શિવાય મંત્રનો જાપ કરતા રહો. ચાંદીના લોટાથી કાચુ દૂધ ભગવાનને અર્પણ કરો. તે પછી શુદ્ધ જળ ચઢાવો. શિવલિંગનો શ્રૃંગાર કરો. તિલક લગાવો, બીલીપાન, ધતૂરો, ફળ-ફૂલ ચઢાવો. ભગવાનને મીઠાઈનો ભોગ ધરાવો. ધૂપ-દીપ પ્રગટાવીને આરતી કરો.

અમાસના દિવસે સવારે સ્નાન કર્યા પછી સૂર્યદેવને જળ ચઢાવો. જળ ચઢાવતી સમયે ઓમ સૂર્યાય નમઃ મંત્રનો જાપ કરતા રહેવું જોઈએ. કુંડળીમાં સૂર્યને લગતા દોષ હોય તો ગોળનું દાન કરો. આ તિથિએ ચંદ્ર દેવની પણ વિશેષ પૂજા કરવી જોઈએ. ચંદ્ર ગ્રહ સાથે જોડાયેલ દોષ દૂર કરવા માટે શિવલિંગ ઉપર દૂધ ચઢાવવું જોઈએ અને જરૂરિયાતમંદ લોકોને દૂધનું દાન કરવું જોઈએ. શિવલિંગ સામે દીવો પ્રગટાવીને સોં સોમાય નમઃ મંત્રનો જાપ ઓછામાં ઓછો 108વાર કરવો જોઈએ.