ઉત્સવ:સોમવાર અને મંગળવારે અમાસ; શિવજી, હનુમાનજી અને પિતૃઓ માટે ધર્મ-કર્મ કરવાનો શુભયોગ

2 મહિનો પહેલા
  • કૉપી લિંક

સોમવાર, 6 સપ્ટેમ્બર અને મંગળવાર 7 સપ્ટેમ્બરના રોજ શ્રાવણ મહિનાની અમાસ તિથિ છે. આ તિથિએ શ્રાવણ મહિનાનો વદ પક્ષ પૂર્ણ થઈ જાય છે. સોમવારે શ્રાદ્ધ કર્મ કરવાની અને મંગળવારે સ્નાન-દાન કરવાની અમાસ રહેશે. આ તિથિએ પ્રાચીન તીર્થોની અને મંદિરોની યાત્રા કરવાનું વિશેષ મહત્ત્વ છે.

ઉજ્જૈનના જ્યોતિષાચાર્ય પં. મનીષ શર્માના જણાવ્યા પ્રમાણે સોમવારે અમાસ હોવાથી આ દિવસે શિવજીનો વિશેષ અભિષેક કરવો જોઈએ. અભિષેક સૌથી પહેલાં જળથી પછી પંચામૃતથી અને ફરીથી જળથી કરવો જોઈએ. અભિષેક કર્યા પછી ભગવાનને ચંદનથી તિલક કરવું. બીલીપાન, ધતૂરો અને કાળા તલ ચઢાવવા જોઈએ. ચોખા, જનોઈ વગેરે પૂજન સામગ્રી ચઢાવવી. ભગવાનને મીઠાઈનો ભોગ ધરાવવો. ધૂપ-દીપ પ્રગટાવવા, આરતી કરવી. ભગવાન પાસે પૂજામાં થયેલી ભૂલ માટે માફી માગવી. પૂજા પછી પ્રસાદ ભક્તોમાં વહેંચો અને જાતે પણ ગ્રહણ કરો.

મંગળવારે પણ અમાસ તિથિ હોવાથી આ દિવસે હનુમાનજીની ખાસ પૂજા કરો. કોઈ હનુમાન મંદિરમાં ભગવાનને ચોલા ચઢાવો. સિંદૂર અને ચમેલીનું તેલ ચઢાવો. હાર-ફૂલ અર્પણ કરો. હનુમાનજી સામે દીવો પ્રગટાવીને હનુમાન ચાલીસા કે સુંદરકાંડનો પાઠ કરો. તમારી ઇચ્છા હોય તો હનુમાનજી સામે સીતારામ મંત્રનો જાપ પણ કરી શકો છો. કોઈ હનુમાન મંદિરમાં લાલ ધ્વજાનું દાન કરો.

અમાસ તિથિએ પિતૃઓ માટે ધૂપ-ધ્યાન કરવું જોઈએ. કોઈ ગૌશાળામાં લીલું ઘાસ અને ગાયની દેખરેખ માટે ધનનું દાન કરો. જરૂરિયાતમંદ લોકોને ભોજનનું દાન કરો. અમાસના દિવસે કોઈ તળાવમાં માછલીઓને લોટની ગોળી બનાવીને ખવડાવવી જોઈએ.