આ વખતે હોળીકા દહનના દિવસે એટલે 17 માર્ચે બપોરથી મોડી રાત સુધી ભદ્રા રહેશે. એવામાં હોળીકા દહન સાંજે ગોધૂલિ વેલામાં થશે નહીં અને તેના માટે લોકો પાસે માત્ર રાતનો જ સમય રહેશે. આ પહેલાં 9 તારીખે હોળાષ્ટક શરૂ થઈ જશે. જે હોળીકા દહન સુધી રહેશે. આ આઠ દિવસોમાં દરેક પ્રકારના શુભ અને માંગલિક કાર્યો બંધ રહે છે. ગ્રંથો પ્રમાણે આ દિવસોમાં ભગવાન વિષ્ણુની પૂજા અને મહામૃત્યુંજય મંત્રનો જાપ કરવો શુભ રહે છે.
17 માર્ચના રોજ રાતે 1 વાગ્યા સુધી ભદ્રા રહેશે
હોળીકા દહનના દિવસે ભદ્રાનો યોગ બપોરે લગભગ 1.30 થી રાતે 1 વાગ્યા સુધી રહેશે. આ કારણે સંધ્યાકાળમાં ગોધૂલિ વેલાના સમયે ભદ્રાનો પ્રભાવ હોવાથી હોળીકા દહન કરવામાં આવશે નહીં. તેના પછીના દિવસે સવાર સુધી પૂનમ તિથિ હોવાથી રાતે મધ્ય રાત્રિ પછી એટલે રાતે 1 વાગ્યા પછી હોળી પ્રગટાવવાનું મુહૂર્ત રહેશે.
પુરીના જ્યોતિષાચાર્ય ડો. ગણેશ મિશ્ર જણાવે છે કે ભદ્રા યોગને શાસ્ત્રોમાં અશુભ માનવામાં આવે છે. કેમ કે ભદ્રાના સ્વામી યમરાજ હોય છે. પૂર્ણિમાએ ભદ્રા યોગ બનવાની શક્યતા રહે છે. એટલે શ્રાવણની પૂર્ણિમાએ રક્ષાબંધન અને ફાગણ પૂર્ણિમાના દિવસે ઊજવવામાં આવતા હોળીના તહેવારમાં ભદ્રા દોષનો વિચાર કરવામાં આવે છે.
9 માર્ચથી હોળાષ્ટક
ધાર્મિક માન્યતા અને જ્યોતિષ ગ્રંથો પ્રમાણે ફાગણ મહિનાના સુદ પક્ષની આઠમથી આઠ દિવસ પહેલાં હોળાષ્ટક શરૂ થઈ જાય છે. એટલે હોળાષ્ટકના કારણે 9 માર્ચથી લઈને 17 માર્ચ સુધી દરેક પ્રકારના માંગલિક કાર્યો બંધ રહેશે.
આ દિવસોમાં વિષ્ણુ ભક્ત પ્રહલાદે ભગવાન વિષ્ણુની આરાધના કરી હતી અને ભગવાને તેમની મદદ કરી. એટલે હોળાષ્ટક દરમિયાન ભગવાન વિષ્ણુની પૂજા સ્નાન-દાન અને મંત્રનો જાપ કરવાનું વિધાન છે. હોળાષ્ટકમાં મહામૃત્યુંજય મંત્રનો જાપ કરવાથી દરેક પ્રકારના રોગ અને કષ્ટોથી છુટકારો મળે છે અને સ્વાસ્થ્ય પણ સારું રહે છે.
18 માર્ચે ફાગણ પૂર્ણિમા, આ દિવસે હોળી રમવામાં આવશે
કાશી વિદ્વત પરિષદના મહામંત્રી પ્રો. રામનારાયણ દ્વિવેદીના જણાવ્યા પ્રમાણે ફાગણ મહિનાના સુદ પક્ષની પૂનમ તિથિ 17 માર્ચે બપોરે લગભગ 1.20 કલાકે શરૂ થશે અને બીજા દિવસે બપોરે લગભગ 12.40 કલાક સુધી રહેશે. 18 તારીખે ઉદયકાલિન તિથિ ફાગણ પૂનમ જ રહેશે. આ તિથિમાં હોળી રમવામાં આવશે. સ્નાન-દાન અને પૂજા-પાઠ માટે પણ આ જ દિવસ શુભ રહેશે. એટલે સંત, સંન્યાસી અને અન્ય શ્રદ્ધાળુઓ શુક્રવારે જ સવારે તીર્થ સ્નાન પણ કરશે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.