હિંદુ પંચાંગ પ્રમાણે ભાદરવામાં મહિનાનામાં આવતી પૂનમનું હિંદુ ધર્મમાં ખાસ મહત્ત્વ જણાવવામાં આવ્યું છે. ભાદરવા પૂનમના દિવસે ભગવાન વિષ્ણુના સત્યનારાયણ સ્વરૂપની પૂજા કરવામાં આવે છે. નારદ પુરાણ પ્રમાણે આ દિવસે ઉમા-મહેશ્વર વ્રત પણ રાખવામાં આવે છે. માન્યતા છે કે ભગવાન વિષ્ણુએ ઉમા-મહેશ્વર વ્રત રાખ્યું હતું. આ પૂનમ એટલાં માટે પણ ખાસ છે કેમ કે આ દિવસથી પિતૃ પક્ષ એટલે શ્રાદ્ધ શરૂ થાય છે.
આ પૂનમ તિથિ ભગવાન વિષ્ણુની પૂજા માટે ખૂબ જ ખાસ માનવામાં આવે છે. આ દિવસે હૃષીકેશ સ્વરૂપમાં ભગવાન વિષ્ણુની પૂજા કરવાનું વિધાન છે. 10 સપ્ટેમ્બરના રોજ આ પૂનમ રહેશે. આ ભાદરવા મહિનાના સુદ પક્ષનો છેલ્લો દિવસ રહેશે.
આ વ્રત કેવી રીતે કરવું
ભાદરવી પૂનમ વ્રત કરનાર લોકોએ સૂર્યોદય પહેલાં જાગીને સ્નાન કરી લેવું. તે પછી પૂજા સ્થળને શુદ્ધ કરી લો. એક લાકડાના બાજોટ ઉપર લાલ કે પીળું કપડું પાથરો. તેના ઉપર ભગવાન સત્યનારાયણની મૂર્તિ કે તસવીર રાખો. પૂજા પહેલાં પોતાની મનોકામનાની પૂર્તિ માટે સંકલ્પ લેવો. ભગવાન વિષ્ણુની પૂજા કરીને સત્યનારાયણની કથા સાંભળો. કથા કર્યા પછી આરતી કરો અને પ્રસાદ વહેંચો. આ દિવસે અનાજનું સેવન કરવું નહીં.
સૂર્ય પૂજાથી પિતૃઓ તૃપ્ત થશે
ભાદરવા મહિનાના સુદ પક્ષના છેલ્લાં દિવસે સૂર્યોદય પહેલાં જાગીને સ્નાન કર્યા પછી સૂર્ય પૂજા કરવાનું વિધાન છે. આ પર્વમાં પાણીમાં તલ મિક્સ કરીને ઉગતા સૂર્યને અર્પણ કરો. તે પછી સૂર્યદેવને પ્રાર્થના કરવી જોઈએ કે આ જળ આપણાં પિતૃઓ સુધી પહોંચે. આવું કરવાથી પિતૃઓ સંતુષ્ટ થાય છે. ભાદરવા મહિનાની પૂનમના દિવસે સૂર્યપૂજા કરવાથી સ્વાસ્થ્યને લગતી પરેશાનીઓ દૂર થાય છે અને ઉંમર પણ વધે છે.
વ્રતના ફાયદા
ભાદરવી પૂનમનું વ્રત કરવાના અનેક ફાયદા પુરાણોમાં ઉલ્લેખવામાં આવ્યાં છે. આ દિવસે હૃષીકેશ સ્વરૂપમાં ભગવાન વિષ્ણુની પૂજા કરવાનું વિધાન છે. પુરાણો પ્રમાણે આવું કરવાથી દરેક પ્રકારની પરેશાનીઓ દૂર થાય છે. જે કામનાથી વ્રત અને પૂજા કરીએ છીએ તે કામના પૂર્ણ થાય છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.