જન્માષ્ટમીનું વ્રત:જન્માષ્ટમીએ પૂજા-પાઠ સાથે ઉપવાસ કેમ કરવામાં આવે છે? યોગ, આયુર્વેદ અને ગ્રંથમાં તેનું મહત્ત્વ ઉલ્લેખવામાં આવ્યું છે

2 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • આયુર્વેદ પ્રમાણે ઉપવાસ કરવાથી પાચનતંત્રને આરામ મળે છે
  • ધર્મની દૃષ્ટિએ જન્માષ્ટમીના વ્રતથી ભક્તોની મનોકામનાઓ પૂર્ણ થાય છે

30 ઓગસ્ટના રોજ શ્રીકૃષ્ણના ગૃહસ્થ ભક્ત અને વૈષ્ણવ સંપ્રદાયના લોકો જન્માષ્ટમી ઊજવશે. જન્માષ્ટમીના દિવસે વ્રત કરવાનું વિશેષ મહત્ત્વ છે. મોટાભાગના ભક્ત આ તિથિએ અનાજ ગ્રહણ કરતાં નથી, થોડાં લોકો આખો દિવસ નિરાહાર રહે છે તો થોડાં માત્ર ફળાહાર કરે છે. ગીતા પ્રેસ ગોરખપુર દ્વારા પ્રકાશિત કલ્યાણ અંકમાં જન્માષ્ટમી વ્રતનું મહત્ત્વ ઉલ્લેખવામાં આવ્યું છે. આ ધાર્મિક મહત્ત્વ જણાવે છે કે, આ વ્રતથી મનોકામનાઓ પૂર્ણ થાય છે. પરંતુ યોગ, આયુર્વેદ આ બંનેમાં જ ઉપવાસના અનેક ફાયદા જણાવવામાં આવ્યાં છે. જન્માષ્ટમીએ વ્રત માત્ર ભગવાનને પ્રસન્ન કરવા અથવા તેમની કૃપા મેળવવાનો રસ્તો નથી. તેના દ્વારા વ્યક્તિ પોતાના શરીરને સ્વસ્થ રાખી શકે છે. જન્માષ્ટમીએ ઉપવાસ કરવાથી વ્યક્તિને ત્રણ પ્રકારના ફાયદા થઇ શકે છે.

યોગ કહે છે, આ દિવસે ઉપવાસ કરવાથી વાણીમાં પ્રભાવ વધે છે
યોગ અને ધ્યાનમાં ઉપવાસનું અલગ મહત્ત્વ છે. યોગ કહે છે- વ્યક્તિના શરીરમાં સાત ચક્ર છે, મૂળાધાર, સ્વાધિષ્ઠાન, મણિપુર, અનાહત, વિશુદ્ધિ, આજ્ઞા અને સહસ્ત્રાર. તેમાંથી 5મો વિશુદ્ધિ ચક્ર હોય છે. જે વ્યક્તિના કંઠમાં હોય છે. આ વાણીનું ચક્ર છે. તેની શુદ્ધિથી વાણીમાં પ્રભાવ પેદા થાય છે અને આ ચક્રના સ્વામી ભગવાન કૃષ્ણ છે. જન્માષ્ટમી ભગવાન કૃષ્ણનો દિવસ છે. આ દિવસે ઉપવાસ કરી કૃષ્ણનું ધ્યાન કરવાથી વિશુદ્ધિ ચક્ર જાગૃત થાય છે. તેનાથી વ્યક્તિની વાણીમાં પ્રભાવ પેદા થાય છે.

ધર્મ કહે છે- ભક્તિમાં આળસથી બચવા માટે ઉપવાસ કરવો જોઇએ
ઉજ્જૈનના જ્યોતિષાચાર્ય પં. મનીષ શર્માના જણાવ્યાં પ્રમાણે જન્માષ્ટમીએ આખો દિવસ શ્રીકૃષ્ણની ભક્તિ, મંત્રજાપ અને પૂજા કરવાની પરંપરા છે. અનાજ ગ્રહણ કરવાથી આળસ વધે છે, અનાજ પચાવવા માટે શારીરિક મહેનત કરવી પડે છે. જન્માષ્ટમીએ જો અનાજ ગ્રહણ કરવામાં આવે તો આળસ અને અપચાની સ્થિતિમાં ભક્તનું મન ભક્તિમાં લાગી શકતું નથી.

ભક્તનું મન ભક્તિમાં મગ્ન રહે, તેના માટે જન્માષ્ટમીએ અનાજનો ત્યાગ કરવામાં આવે છે. ફળાહાર કરવાથી ભૂખ શાંત થાય છે. ફળાહાર કરવાથી ઓછી શારીરિક મહેનતમાં તે પચી જાય છે. ફળના સેવનથી આળસની સમસ્યા રહેતી નથી. વિચારોમાં પવિત્રતા અને પોઝિટિવિટી બની રહે છે. ભૂખ શાંત રહે છે. જેથી વ્યક્તિ મંત્રજાપ, તપ અને પૂજા એકાગ્ર થઇને કરી શકે છે.

આયુર્વેદમાં ઉપવાસ શરીરની અંદર સફાઈનો માર્ગ છે
ઉજ્જૈનના આયુર્વેદિક કોલેજના પૂર્વ પ્રોફેસર ડો. રામ અરોરાના જણાવ્યાં પ્રમાણે, ચરક સંહિતાના સૂત્રસ્થાનમ્ અધ્યાયમાં ઉપવાસનું મહત્ત્વ ઉલ્લેખવામાં આવ્યું છે. તે શરીર માટે ખૂબ જ ફાયદાકારક છે. આયુર્વેદમાં રોગના ઉપચાર 6 પ્રકારે કરવામાં આવે છે. આ 6 પ્રકાર લંઘન, બૃંહણ, રૂક્ષણ, સ્નેહન, સ્વેદન અને સ્તંભન છે. તેમાં લંઘનનું મહત્ત્વ ખૂબ જ વધારે છે. તેમાં શરીરને હળવાશ આપતાં દ્રવ્યોનો ઉપયોગ કરવામાં આવે છે. લંઘનના પણ 10 પ્રકાર છે. વમન, વિરેચન, શિરોવિરેચન, નિરૂઢ વસ્તિ, પિપાસા, વાયુનું સેવન, ધૂપનું સેવન, પાચન ઔષધ-દ્રવ્યોનું સેવન, ઉપવાસ અને વ્યાયમ.

લંઘનના 9માં પ્રકાર ઉપવાસથી પાચન ઠીક થાય છે. કફ અને પિત્ત નિયંત્રિત થાય છે. વાત વિકાર એટલે ગેસ, અપચો, ઓડકાર આવવો, ગભરામણ થવી જેવી સમસ્યાઓમાં ઉપવાસ લાભદાયક હોય છે. એક દિવસ અનાજ ગ્રહણ ન કરવાથી વ્યક્તિના પાચનતંત્રને આરામ મળે છે. આવી સ્થિતિમાં પાચનતંત્ર અને પેટની સફાઇ પણ થઇ જાય છે. ફળના સેવનથી શરીરને ઊર્જા મળે છે.