દુનિયામાં પ્રત્યેક વ્યક્તિ કંઈક બનવા માંગે છે, કોઈકના જેવા બનવા માંગે છે. જો કે જીવનમાં કોઈક રોલ મોડેલ હોય એ સારી વાત છે, પરંતુ ઘણીવાર એના જેવા બનવાની બદલે એના જેવા દેખાવાની હોડને લીધે માણસ દંભી બની જતો હોય છે. દુનિયાની સાત અજબથી વધુ વસ્તીમાં કોઈ બે વ્યક્તિના ફિંગર પ્રિન્ટસ સમાન નથી, કોઈ બે વ્યક્તિની આંખોની આઈરીસ સમાન નથી, કે કોઈ બે વ્યક્તિના અવાજની Pitch અને Timbre સરખા નથી. સરખા દેખાતા જોડિયા ભાઈઓ હોય તો પણ તેમના એપીજીનેટીકસમાં ભિન્નતા જોવા મળે છે. વળી વ્યક્તિ-વ્યક્તિની પ્રકૃતિ, સ્વભાવો, બુદ્ધિક્ષમતા, કળા, આવડત, રસ, મૌલિકતા, યાદશક્તિ વગેરેનું વૈવિધ્ય તો ખરું જ! આ પૃથ્વી પર પ્રત્યેક વ્યક્તિને ભગવાને એક અજોડ ઓળખ આપી છે.
એક શિક્ષકે વિદ્યાર્થીઓને વર્ગ દરમિયાન એક પ્રશ્ન પૂછ્યો. ‘બાળકો ! તમે મોટા થઈને કોના જેવા બનવા માંગો છો?’ વિદ્યાર્થીઓના જવાબમાં સેલીબ્રીટીઓની હારમાળા રજૂ થવા લાગી. નેતા, અભિનેતા, સ્પોર્ટ્સમેન, વૈજ્ઞાનિક વગેરે આદર્શોના નામની ઘોષણા કરી બાળકોએ પોતાના સપના જાહેર કર્યા. પોતાના રોલ-મોડેલની જાહેરાત કરતાં તેઓનાં નાજુક નમણા મુખારવિંદ પર અલગ ચમક જણાતી હતી. તે વખતે એક બાળક શાંત બેઠો હતો. શિક્ષકે કુતૂહલવશ થઈ તેને પ્રશ્ન પૂછ્યો, ‘હેનરી! તારે મોટા થઈને કોના જેવા બનવું છે?’ આ નાનકડા બાળકે જે જવાબ આપ્યો તેમાં કદાચ તેના બાળમિત્રોને તો કંઈ સમજાયું નહીં હોય, પણ તેના ઉત્તરમાં છુપાયેલા ગૂઢાર્થથી શિક્ષક અવાક્ થઈ ગયા. તે બાળકે કહ્યું, “સાહેબ! મારે જીવનમાં હેનરી ડેવિડ થોરો જ બનવું છે.” સમયાંતરે તે બાળક વિશ્વનો મહાન લેખક, ચિંતક, કવિ અને ફિલોસોફર ‘હેનરી ડેવિડ થોરો’ બન્યા!
અમેરિકાના તમામ વર્તમાન પત્રોની રવિઆવૃત્તિ એસોસિએસનના અધ્યક્ષ અને ‘ફિલાડેલ્ફીયા ઇન્કવાયરર’ના તંત્રી શ્રીરોનાલ્ડ પટેલે 18 સપ્ટેમ્બર 1998ના રોજ એડિશનમાં ચિક્કાર સભાને સંબોધતા કહ્યું હતું. “એક જર્નાલિસ્ટ તરીકે મેં પ્રમુખસ્વામી મહારાજને કેટલાય અટપટા પ્રશ્નો પૂછ્યા. પરંતુ બધી જ વખતે બધા જ પ્રશ્નોના ઉત્તરમાં જે વસ્તુ બહાર ઉઠી આવી છે, તે છે પ્રમુખસ્વામીના આત્માની પવિત્રતા, નિર્મળતા. તમે એમને ગમે ત્યારે પ્રશ્ન પૂછો, ગમે તે પ્રશ્ન પૂછો, ઉત્તર એકદમ પવિત્ર! ઉત્તરોમાં પ્રસિદ્ધિનો આશય નહીં” વર્તનમાં કે વાણીમાંય આડંબરનો અંશ નહીં. બનાવટનું મહોરું નહીં. એટલે જ એમના જીવનનું સત્ય સૌને પ્રભાવિત કરે છે.
જેમને સત્ય અને અસત્ય એવા બે મહોરાં નથી, એમને ખાનગી કે જાહેર જીવનની ચિંતા નથી. તે નિર્ભય અને નિ:શંક થઈને જિંદગીનો ઉલ્લાસ માણી શકે છે. કોઈનું મહોરું પહેરવાનો પ્રયત્ન કરનારની દશા કરુણ થઈ જાય છે. આવો, પ્રમુખસ્વામી મહારાજ શતાબ્દી મહોત્સવે તેમના પગલે ચાલીએ. દ્વિમુખી વ્યક્તિત્વને છોડી પોતાની આગવી ઓળખનું ગૌરવ લઇએ. નિર્દંભ, સત્ય અને નિખાલસ જીવનનો આનંદ માણીએ.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.