આ વર્ષે ફાગણ મહિનાની અમાસ તિથિ બે દિવસ એટલે 31 માર્ચ અને 1 એપ્રિલના રોજ રહેશે. અમાસને ધર્મ ગ્રંથોમાં પર્વ કહેવામાં આવે છે. આ તિથિએ પિતૃઓની ખાસ પૂજા કરવામાં આવે છે. જ્યોતિષની દૃષ્ટિએ આ દિવસે સૂર્ય અને ચંદ્ર એક જ રાશિમાં આવી જાય છે. આ બંને ગ્રહોની વચ્ચેનું અંતર 0 ડિગ્રી થઈ જાય છે. દર મહિનાની અમાસના દિવસે કોઈને કોઈ વ્રત કે પર્વ ઊજવવામાં આવે છે. આ તિથિ પિતૃઓની પૂજા માટે ખાસ માનવામાં આવે છે. એટલે આ દિવસે પિતૃઓની ખાસ પૂજા કરવાથી સુખ અને સમૃદ્ધિ વધે છે.
વ્રત-પૂજા અને શ્રાદ્ધ માટે શુક્રવાર
31 માર્ચ, ગુરુવારના રોજ અમાસ તિથિ બપોરે 12 કલાક પછી શરૂ થશે. જે બીજા દિવસે બપોરે લગભગ 12 વાગ્યા સુધી રહેશે. એટલે આ દિવસે વ્રત અને પીપળાની પૂજા સાથે જ પિતૃઓ માટે શ્રાદ્ધ કરવામાં આવશે. સાથે જ આ દિવસે અમાસ તિથિમાં થતી દરેક પ્રકારની પૂજા કરવામાં આવી શકશે.
સ્નાન-દાન માટે શુક્રવારી અમાસ
1 એપ્રિલ, શુક્રવારે પણ અમાસ તિથિ સૂર્યોદયથી બપોરે 12 વાગ્યા સુધી રહેશે. એટલે આ દિવસે સ્નાન-દાન કરવું જોઈએ. આ દિવસે તીર્થ કે પવિત્ર નદીના જળથી નાહવાથી દરેક પ્રકારના પાપ દૂર થઈ જાય છે. સાથે જ, આ દિવસે કરવામાં આવતા દાનનું અનેક ગણું પુણ્ય ફળ મળે છે.
સૂર્યની અમા નામની કિરણમાં ચંદ્ર રહે છે
વિષ્ણુ, મત્સ્ય અને ગરુડ પુરાણમાં ઉલ્લેખવામાં આવ્યું છે કે, વદ પક્ષની બીજથી ચૌદસ તિથિ સુધી દેવતાઓ ચંદ્ર પાસેથી અમૃતપાન કરે છે. ત્યાર બાદ ચંદ્ર સૂર્યમંડળમાં પ્રવેશ કરે છે અને સૂર્યની અમા નામની કિરણમાં ચંદ્ર રહે છે. આ તિથિ જ અમાસ કહેવાય છે. આ તિથિમાં પિતૃઓ અમૃતપાન કરીને એક મહિના સુધી સંતુષ્ટ રહે છે. સાથે જ, પિતૃગણ અમાસના દિવસે વાયુ સ્વરૂપે સૂર્યાસ્ત સુધી ઘરના દરવાજા ઉપર રહે છે અને પોતાના કુળના લોકો પાસેથી શ્રાદ્ધની ઇચ્છા રાખે છે. આ દિવસે પિતૃપૂજા કરવાથી ઉંમર વધે છે. પરિવારમાં સુખ અને સમૃદ્ધિ વધે છે.
અમાસ સાથે જોડાયેલી ખાસ વાતો
જ્યોતિષમાં અમાસને રિક્તા તિથિ કહેવામાં આવે છે. એટલે આ તિથિમાં કરેલાં કામનું ફળ મળતું નથી.
અમાસના દિવસે મહત્ત્વપૂર્ણ ખરીદી-વેચાણ અને દરેક પ્રકારના શુભકામ કરવામાં આવતાં નથી. આ તિથિમાં પૂજા-પાઠનું વિશેષ મહત્ત્વ છે.
જ્યોતિષમાં અમાસને શનિદેવની જન્મ તિથિ માનવામાં આવે છે.
આ તિથિમાં પિતૃઓના ઉદેશ્યથી કરવામાં આવેલું દાન અક્ષય ફળદાયક રહે છે.
સોમવાર અને ગુરુવારે આવતી અમાસને શુભ માનવામાં આવે છે.
રવિવારે અમાસ હોવું અશુભ મનાય છે.
આ તિથિએ ભગવાન શિવ અને પાર્વતી દેવીની વિશેષ પૂજા કરવાથી મનોકામનાઓ પૂર્ણ થાય છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.