તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

અનંત ઊર્જા:ગણપતિના ગુણોને ધારણ કરી, આપણે વિઘ્નવિનાશક બનીએ

14 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • આપણે વિઘ્નવિનાશકની માત્ર પૂજા જ કરવાની નથી, પરંતુ પોતે વિઘ્નવિનાશક બનવાનું છે અને ગણપતિ સમાન ગુણને પોતાનાં જીવનમાં ધારણ કરવાના છે, આ જ શ્રીગણેશની સાચી પૂજા હશે.
  • જ્ઞાન એ છે જે તમારી પાસે છે, પરંતુ બુદ્ધિનો અર્થ છે એ જ્ઞાનનો તમારા જીવનમાં ઉચિત ઉપયોગ કરવો.

ગણપતિનો અર્થ છે તમામ ગુણોનાં પતિ છે. આપણે માત્ર તેમના ગુણોનું મહિમાગાન કરવાનું નથી, પરંતુ એ ગુણોને ધારણ પણ કરવાના છે. તો જ આપણે વિઘ્નવિનાશક બની શકીએ છીએ. ગણેશજીના જન્મની વાર્તામાંથી ઘણું શીખવા મળે છે. કહેવાય છે કે, ભગવાન શંકર જ્યારે દસ વર્ષની તપસ્યા માટે ગયા તો પાર્વતીજીએ પોતાના શરીરના એક મેલમાંથી એક બાળકને બનાવ્યો, જે દસ વર્ષનો હતો. પાર્વતીજી સ્નાન કરવા ગયા તો તેમણે બાળકને દરવાજાની બહાર ઊભો કરી દીધો અને કહ્યું કે કોઈને અંદર આવવા દેતો નહીં. શંકરજી દસ વર્ષની તપસ્યામાંથી પાછા આવ્યા તો બાળકે તેમને અંદર પ્રવેશ આપ્યો નહીં. શંકરજીએ ગુસ્સે થઈને બાળકનું માથું કાપી નાખ્યું. પાર્વતીજી બહાર આવ્યા ત્યારે તેમણે કહ્યું કે, તમે પોતાનાં જ બાળકનું માથું કાપી નાખ્યું. તો શંકરે કહ્યું કે, હવે અહીંથી જે પસાર થશે, તેનું માથું હું આ બાળકને લગાવી દઈશ. એ સમયે ત્યાંથી હાથી પસાર થયો તો શંકરજીએ હાથીનું માથું કાપીને બાળકના માથે લગાવી દીધું. પછી ગણેશનું આ સ્વરૂપ બન્યું જેની આપણે પૂજા કરીએ છીએ.

આપણે ક્યારેય વિચાર્યું નથી કે આ કથાનો શો અર્થ છે. આજે આપણે દસ મિનિટ પણ ધ્યાન કરીએ તો બિલકુલ શાંત અનુભવ કરવા લાગીએ છીએ. અહીં આપણે કહીએ છીએ કે, શંકરજી દસ વર્ષની તપસ્યા પછી આવ્યા અને તેમની નાનકડી વાત પર એટલો ગુસ્સો આવ્યો કે, તેમણે બાળકનું માથું કાપી નાખ્યું? શું એવું હોઈ શકે છે? કોઈને એટલો ગુસ્સે આવે કે તે પોતાનાં બાળકનું જ માથું કાપી નાખે? આપણે જ્યારે આવું કરી શકતા નથી તો દસ વર્ષની તપસ્યા પછી પાછા ફરેલા ઈશ્વર આવું કેવી રીતે કરી શકે? અને માથું કાપ્યું તો પછી એ જ માથું કેમ ના લગાવ્યું? હાથીનું માથું કેમ લગાવ્યું? આ કથાનો કોઈ બીજો અર્થ પણ હોઈ શકે છે, જે કદાચ આપણે વિચાર્યો જ નથી.

પાર્વતી એક દેવી છે. શું કોઈના શરીરમાંથી એટલી માટી નીકળી શકે કે એક બાળક બની જાય? તો તેનો અર્થ શો છે? શરીરની માટી એટલે કે અહંકાર. કોઈ વ્યક્તિમાં જ્યારે અહંકાર આવે છે તો લોકો કહે છે કે, તેનું માથું ઘણું ઊચું થઈ ગયું છે. આપણે જ્યારે પરમાત્માને યાદ કરીએ છીએ, આધ્યાત્મિક જ્ઞાનનો અભ્યાસ કરીએ છીએ તો સૌથી પ્રથમ આપણો અહંકાર સમાપ્ત થવા લાગે છે. એટલે કે, અહંકારનું માથું કપાવા લાગે છે. હકીકતમાં આ શરીરનું માથું નથી, પરંતુ અહંકારનું માથું છે. અહંકારનું માથું જ્યારે કપાય છે ત્યારે એક અત્યંત બુદ્ધિવાળું માથું તેના પર લાગી જાય છે. એટલે બતાવે છે કે, બાળકનું માથું કાપી નાખ્યું અને હાથીનું માથું લગાવી દીધું. તેના એક-એક અંગમાં બુદ્ધિ અને જ્ઞાન છે. કપાળને ઘણો મોટો બતાવે છે, એટલે કે વિશાળ બુદ્ધિ. આપણે જ્યારે પરમાત્માના જ્ઞાનનો અભ્યાસ કરવાનું શરૂ કરીએ છીએ તો આપણા એક-એક વિચારમાં ઊર્જા સમાઈ જાય છે. ત્યારે આપણે સૌના કલ્યાણ માટે વિચારીએ છીએ.જ્ઞાન અને બુદ્ધિમાં એ જ અંતર છે કે, જ્ઞાન એ છે જે તમારી પાસે છે, પરંતુ બુદ્ધિનો અર્થ છે એ જ્ઞાનનો તમારા જીવનમાં ઉચિત ઉપયોગ કરવો. આવી જ વિશાળ બુદ્ધિના કારણે ગણપતિજીનું માથું મોટું બતાવે છે. ગણેશજીના કાન મોટા-મોટા સુપડા જેવા છે, જેનો અર્થ એવો છે કે આપણે સારી વાતો પોતાના અંદર લેવાની છે અને બાકીનો કચરો ફેંકી દેવાનો છે. કાન મોટા છે, એટલે કે સાંભળવાનું વધુ અને બોલવાનું ઓછું છે, એટલે મોઢું નાનું બતાવાયું છે. આખો દિવસ આપણએ જે કોઈ પણ માહિતી સોશિયલ મીડિયા કે કોઈ અન્ય માધ્યમ દ્વારા સાંભળીએ છીએ, તો તે આપણાં વિચારોનો ભાગ બની જાય છે. આપણે એવી કોઈ વાત ન સાંભળવી જોઈએ જેથી આપણા વિચારો અશુદ્ધ થઈ જાય.

જો આપણે કોઈ કામ ન કરવાનો નિર્ણય લીધો અને તેને કરવા લાગીએ છીએ તો તેનો અર્થ છે કે, આપણે પોતાની ઈચ્છાશક્તિને ઘટાડી રહ્યા છીએ. પછી આપણે એમ જ કહીએ છીએ કે, હું જે કામ કરવાનો નિર્ણય લઉં છું તેને કરી શકતો નથી. જો આપણે પોતાની આત્માની તાકાત અને ઈચ્છાશક્તિ વધારવા માગીએ છીએ તો આપણે કોઈ અન્ય નબળાઈનું ચિંતન નહીં કરીએ અને તેના અંગે કોઈની વાત સાંભળીશું નહીં. જો આપણે એમ કરી શકતા નથી તો તે નબળાઈ માત્ર તેમની રહેતી નથી, પરંતુ તે આપણાં વિચારોનો ભાગ બને છે. આપણે આજે એ નક્કી કરવાનું છે કે, આપણે વિઘ્નવિનાશકની માત્ર પૂજા જ કરવાની નથી, પરંતુ પોતે વિઘ્નવિનાશક બનવાનું છે અને ગણપતિ જેવા ગુણોને પોતાના જીવનમાં ધારણ કરવાના છે. તો આપણે સાચા અર્થમાં ગણપતિ મહોત્સવ મનાવી શકીશું.

- બી.કે. શિવાની, બ્રહ્માકુમારી