અગ્નિ પુરાણ પ્રમાણે હિંદુ કેલેન્ડરના ભાદરવા મહિનાના સુદ પક્ષની ચૌદશ તિથિએ અનંત ચૌદશ પર્વ ઊજવવામાં આવે છે. જે આ વર્ષે 9 સપ્ટેમ્બરના રોજ છે. આ દિવસે ભગવાન વિષ્ણુની પૂજા કરવામાં આવે છે. આ દિવસે પાર્થિવ ગણેશના વિસર્જન સાથે દસ દિવસના ગણેશોત્સવનું સમાપન થાય છે. એવું માનવામાં આવે છે કે મહાભારતમાં આ વ્રતની શરૂઆત થઇ હતી. જ્યારે પાંડવો પાસેથી તેમનું રાજ્ય છીનવી લેવામાં આવ્યું હતું ત્યારે ભગવાન શ્રીકૃષ્ણએ તેમને આ વ્રત કરવાની સલાહ આપી હતી. અનંત ચૌદશના દિવસે ગણેશજીની પૂજા કર્યા પછી ઘરમાં જ કોઇ મોટા વાસણમાં કે કુંડામાં ગણેશ પ્રતિમાનું વિસર્જન કરવું જોઇએ. ત્યાર બાદ બ્રાહ્મણોને ભોજન કરાવીને દક્ષિણા આપવી જોઇએ.
મહાભારત કાળમાં તેની શરૂઆત
માન્યતા છે કે મહાભારત કાળમાં આ વ્રતની શરૂઆત થઇ હતી. જ્યારે પાંડવો જુગારમાં પોતાનું રાજ્ય ગુમાવીને વન-વન ભટકી રહ્યા હતાં, ત્યારે ભગવાન શ્રીકૃષ્ણએ તેમને અનંત ચૌદશ વ્રત કરવા માટે કહ્યું હતું. શ્રીકૃષ્ણએ કહ્યું- હે યુધિષ્ઠિર! તમે વિધિપૂર્વક અનંત ભગવાનનું વ્રત કરો, તેના દ્વારા તમારા બધા જ સંકટ દૂર થઇ જશે અને તમને તમારું રાજ્ય પાછું મળી જશે. શ્રીકૃષ્ણની આજ્ઞાથી યુધિષ્ઠિરે અનંત ભગવાનનું વ્રત કર્યું, જેના પ્રભાવથી પાંડવોને મહાભારતના યુદ્ધમાં વિજય પ્રાપ્ત થયો તથા તેઓ ચિરકાળ(કાયમ) સુધી રાજ્ય કરતાં રહ્યાં
14 ગાંઠ ભગવાન શ્રીહરિના 14 લોકનું પ્રતીક
આ વ્રતમાં સૂતર કે રેશમના દોરાને કંકુથી રંગીને તેમાં ચૌદ ગાંઠ બાંધવામાં આવે છે. ત્યાર બાદ તને વિધિ-વિધાનથી પૂજા કર્યા પછી કાંડા ઉપર બાંધવામાં આવે છે. કાંડા ઉપર બાંધવામાં આવલાં આ દોરાને જ અનંત કહેવામાં આવે છે. ભગવાન વિષ્ણુના સ્વરૂપ માનવામાં આવતાં આ દોરાને રક્ષાસૂત્ર પણ કહેવામાં આવે છે. આ 14 ગાંઠ ભગવાન શ્રી હરિના 14 લોકનું પ્રતીક માનવામાં આવે છે. આ અંનત રૂપી દોરાને પૂજામાં ભગવાન વિષ્ણુ ઉપર અર્પણ કરી વ્રતી પોતાના કાંડે બાંધી શકે છે.
ધન અને સંતાનની કામના સાથે આ વ્રત કરવામાં આવે છે
ધન અને સંતાનની કામના સાથે આ વ્રત કરવામાં આવે છે. માન્યતા છે કે, આ અનંત ચૌદશ વ્યક્તિ ઉપર આવતાં બધા સંકટોથી વ્યક્તિની રક્ષા કરે છે. આ અનંત દોરો ભગવાન વિષ્ણુને પ્રસન્ન કરનાર તથા અનંત ફળ આપે છે. આ વ્રત અંગે શાસ્ત્રોમાં કથન છે કે આ વ્રત બધા જ પ્રકારે કષ્ટોમાંથી મુક્તિ આપે છે, વિપત્તીઓથી બહાર લાવે છે. મહાભારત પ્રમાણે એવું માનવામાં આવે છે કે આ વ્રત કરવાથી દરિદ્રતાનો નાશ થાય છે અને ગ્રહોની બાધા પણ દૂર થઇ શકે છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.