હું જીવતો છું. તમે પણ જીવતા છો! આ વાંચીને તમને થોડું વિચિત્ર લાગશે કે, આપણે સૌ જીવતા જ છીએ, તેમાં વળી ક્યાં નવી વાત છે? જોકે, મારા જીવનમાં એક ક્ષણ એવી આવી જ્યારે મને લાગ્યું કે, તેનો હેતુ રહ્યો નથી. જીવતા રહેવાનું કારણ જ સમાપ્ત થઈ ગયું. હું ખુદને હારેલો અનુભવતો હતો. મને લાગ્યું કે, આપણા સૌના જીવનમાં ક્યારેક તો આવી ક્ષણ આવે જ છે, જ્યારે લાગે છે કે બધું જ સમાપ્ત થઈ ગયું છે.
જિંદગી અનુભવોમાંથી શીખવાનું નામ છે. મેં જ્યારે બોલિવૂડમાં કામ શરૂ કર્યું, તો એક સમય પછી એક જ પ્રકારની ભૂમિકા મળવા લાગી. હું અભિનેતા બનવા નીકળ્યો હતો, પરંતુ પોતાનું જ કેરિકેચર બની ગયો હતો. હું કંઈક નવું કરવા માગતો હતો, પરંતુ મને જૂની ભૂમિકા કરવા માટે જ બોલાવાતો હતો. મારી સામે તક હતી કે હું એમ કરતા-કરતા જ પૈસા કમાતો રહું અને ખુશ રહું. ત્યારે મેં મારી જિંદગીમાં એક કપરો નિર્ણય લીધો. કંઈક નવું કરવા માટે 1999માં હું દક્ષિણ ભારતીય સિનેમા તરફ વળ્યો. બોલિવૂડમાં ઓળખ બનાવવા અને સન્માન મળ્યા પછી સાઉથ ઈન્ડિયાની સિનેમામાં નવેસરથી સ્થાન ઊભું કરવાનું હતું. થોડા વર્ષો પછી ત્યાં પણ એક આગવી ઓળખ બની ગઈ. જોકે, વિશેષ ભૂમિકા હજુ પણ મળતી ન હતી. પછી મેં મારા જૂના મિત્રોનો સંપર્ક કર્યો. લોકોને ફોન કર્યો તો તે ફોન પણ ઉપાડતા ન હતા. ત્યારે લાગ્યું કે, આનાથી તો વળી મુશ્કેલ સમય બીજો કયો હોઈ શકે. તે નિરાશાનો સમય હતો. દરેકના જીવનમાં નિરાશા આવે છે.
એ સમયે મેં એક બાબત નક્કી કરી લીધી કે હું મારી જિંદગીને મારી રીતે જીવીશ. આ જિંદગીમાં સંઘર્ષ કરીને આગળ વધીશ. તમે જ્યારે ખુદને હારેલા અનુભવો છો, આખી દુનિયા જ્યારે તમારી સાથે આવો વ્યવહાર કરતી હોય છે ત્યારે દુનિયા માટે તમે મહત્ત્વના રહેતા નથી. એ જ સમયે તમારે પોતાની જાત પર વિશ્વાસ મુકવો પડે છે. કોઈ તમારી હાજરીનો સ્વીકાર કરે કે ન કરે, પરંતુ તમે પોતે છો. ત્યારે તમે ડિસ્કવર કરો છો કે આ દુનિયા તો ઘણી મોટી છે. દુનિયામાં અનેક સ્થળો છે, અનેક સંભાવનાઓ છે, અનેક લોકો છે, જે તમારી સાથે કામ કરવા માટે તૈયાર છે. મેં જોયું છે કે, નવા પ્રકારના રચનાત્મક લોકો મને તક આપવા તૈયાર હતા.
આજે હું તમને કહી શકું કે, હું આજે વિવિધતાથી ભરપૂર અને મરજીનું કામ કરી રહ્યો છું. જીવનમાં ક્યારેક તમને આશાના બારી-બારણાં બંધ દેખાય છે, પરંતુ વિશ્વાસ રાખો, કોઈ જાણે એવા અસંખ્ય બારી-બારણાં હાજર હોય છે, જેને ખોલવા માટે તમારું જીવતા રહેવું જરૂરી છે. મને ધુત્કારી દેવાયો છે, મારું અપમાન કરાયું છે, પરંતુ મેં હાર માની નથી. દુ:ખી થઈને એવું ન વિચારો કે આ જીવન ખરાબ છે. લોકો ખરાબ નથી, તેમની પોતાની જરૂરિયાત છે, વિચારો છે. બની શકે કે તેમની પોતાની પણ મજબૂરીઓ રહી હશે. જો તમે જીવતા છો, તો જરૂરી છે કે પોતાના પર વિશ્વાસ રાખો. તમારે દુનિયા પાસેથી મંજૂરી લેવાની જરૂર નથી કે હું ખુશ રહી શકું છું. હું જીવતા રહેવાનો હકદાર છું તેના માટે મારે દુનિયા પાસેથી મંજૂરી લેવાની જરૂર નથી. એ તો તમારો અધિકાર છે. દરરોજ પોતાના માટે વોટ આપો- વોટ ફોર યોરસેલ્ફ! પોતાની ખુશી, પોતાનાં અસ્તિત્વ માટે વોટ આપો. એ લોકોની ચિંતા ના કરો, જેમણે તમારા તરફનું સમર્થન પાછું ખેંચી લીધું છે. હું દરરોજ ખુદની ફેવરમાં વોટ આપું છું કે એક વધુ એક દિવસ હું પોતાના માટે, મારી ખુશી માટે જીવીશ. જિંદગીની ‘પસંદગી’માં કોઈ અન્યના વોટની જરૂર નથી.
યુટ્યુબ : Ashish Vidyarthi Actor Vlog , ફેસબુક : ashishvidyarthi andassociates, વેબસાઈટ : www.avidmier.com
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.