દુર્ગા ઉત્સવ:બંગાળમાં અકાળ બોધન પૂજા સાથે દુર્ગા ઉત્સવ શરૂ થશે, 14મીએ ધુનુચી નૃત્ય અને 15મીએ સિંદૂર ખેલા સાથે મૂર્તિ વિસર્જન કરવામાં આવશે

2 મહિનો પહેલા
  • ત્રેતાયુગમાં શ્રીરામજીએ અસમય દેવી પૂજા કરી હતી, તેની સાથે જ અકાળ બોધનની પરંપરા શરૂ થઈ

પશ્ચિમ બંગાળમાં દુર્ગા ઉત્સવ પાંચ દિવસ સુધી ઊજવવામાં આવે છે. આ ઉત્સવને મહા ષષ્ઠી, મહા સાતમ, મહા આઠમ, મહાનોમ અને વિજયાદશમી તરીકે ઊજવવામાં આવે છે. નવરાત્રિ દરમિયાન છઠ્ઠ તિથિએ કલ્પારંભ એટલે દેવી આવાહન કરવામાં આવે છે. જેને અકાળ બોધન કહેવામાં આવે છે અને દશેરાના દિવસે દેવી વિસર્જન થાય છે. દુર્ગા પૂજા દરમિયાન દેવી લક્ષ્મી, દેવી સરસ્વતી, ભગવાન ગણેશ અને ભગવાન કાર્તિકેયની પણ પૂજા કરવામાં આવે છે.

મહિષાસુર મર્દિનીની પૂજા-
બંગાળમાં નવરાત્રિ દરમિયાન માતાના મહિષાસુર મર્દિની સ્વરૂપની પૂજા કરવામાં આવે છે. પંડાલમાં મહિષાસુરનો વધ કરતી માતાની મૂર્તિ બનાવવામાં આવે છે. જેમાં દેવી ત્રિશૂળ સાથે અને તેમનાં ચરણોમાં મહિષાસુર હોય છે. દેવી સાથે વાહન તરીકે સિંહ પણ હોય છે. સાથે જ અન્ય દેવી-દેવતાઓની પ્રતિમાઓ પણ હોય છે. તેમાં દુર્ગા સાથે અન્ય દેવી-દેવતાઓની પ્રતિમાઓ પણ બનાવવામાં આવે છે. આ સંપૂર્ણ પ્રસ્તુતિને ચાલા કહેવામાં આવે છે. સાથે જ જમણી બાજુ દેવી સરસ્વતી અને ભગવાન કાર્તિકેય હોય છે. ડાબી બાજુ દેવી લક્ષ્મી અને ગણેશજી હોય છે.

સાતમના દિવસે સ્નાન યાત્રાના દિવસે દેવીને સ્નાન કરાવતી સમયે મુખ્ય પૂજારીની આંખ ઉપર પટ્ટી બાંધી દેવામાં આવે છે. આ દિવસે માતાની આંગળીના ચિહ્નને ચાંદીના ડબ્બામાંથી બહાર કાઢવામાં આવે છે, જેને કોઈ જોતું નથી. માન્યતા છે કે જે વ્યક્તિ તેને જોઈ લે છે, તે આંધળી થઈ જશે.
સાતમના દિવસે સ્નાન યાત્રાના દિવસે દેવીને સ્નાન કરાવતી સમયે મુખ્ય પૂજારીની આંખ ઉપર પટ્ટી બાંધી દેવામાં આવે છે. આ દિવસે માતાની આંગળીના ચિહ્નને ચાંદીના ડબ્બામાંથી બહાર કાઢવામાં આવે છે, જેને કોઈ જોતું નથી. માન્યતા છે કે જે વ્યક્તિ તેને જોઈ લે છે, તે આંધળી થઈ જશે.

અકાળ બોધન, એટલે આસો મહિનામાં દુર્ગા પૂજા શરૂ થવાની કથા-
પહેલાં માતા દુર્ગાની પૂજા ચૈત્ર મહિનામાં થતી હતી. ભગવાન રામજીએ રાવણને હરાવવા માટે પહેલીવાર આસો મહિનામાં દેવીની પૂજા કરી. એટલે બંગાળમાં તેને અકાળ બોધન એટલે અસમય પૂજા કહેવામાં આવે છે. કથા પ્રમાણે રાવણને હરાવવા માટે ભગવાન રામને શક્તિ જોઈતી હતી. જેના માટે તેમણે દેવી દુર્ગાની ઉપાસના કરી, પરંતુ દેવી દુર્ગાની શરત હતી કે રામ 108 નીલ કમલથી પૂજા કરે. તે પછી હનુમાનજી 108 નીલ કમલ લઈને આવ્યાં હતાં.

દેવી દુર્ગા પરીક્ષા લેવા માટે એક ફૂલ સંતાડી દે છે. એવામાં પરેશાન રામ, જેમની આંખ નીલ કમલ જેવી છે, તેઓ પોતાની એક આંખ કાઢીને માતાને ચઢાવે છે. ત્યારે માતા દુર્ગા વિજયીભવનો આશીર્વાદ આપે છે. નવરાત્રિમાં આઠમ-નોમની રાતે રામ-રાવણની વચ્ચે ભીષણ યુદ્ધ થયું હતું. એટલે આજે પણ અડધી રાતે ખાસ પૂજા કરવામાં આવે છે.

અકાળ બોધન(11 ઓક્ટોબર)- આ દિવસે મંત્રો દ્વારા દેવીને જગાડવામાં આવે છે. સાથે જ કળશ સ્થાપના કરીને બીલીપાનના વૃક્ષની પૂજા કરી દેવીને નિમંત્રણ આપીને માતા દુર્ગાનું આવાહન કરવામાં આવે છે. સાથે જ વિધિ-વિધાનથી દુર્ગા પૂજાનો સંકલ્પ લેવામાં આવે છે. કલ્પારંભ એટલે અકાલ બોધનની વિધિ ઘટસ્થાપના જેવી હોય છે. કલ્પારંભની પૂજા સવારે જલ્દી કરવાનું વિધાન છે.

નવપત્રિકા પૂજા(12 ઓક્ટોબર)- નવરાત્રિની મહાસાતમના દિવસે સવારે નવપત્રિકા પૂજા એટલે નવ પ્રકારના પાનથી મિક્સ કરીને બનેલાં ગુચ્છાથી દેવીનું આવાહન અને પૂજા કરવામાં આવે છે. તેને જ નવપત્રિકા પૂજા કહેવામાં આવે છે. તેમાં કેળાના પાન, હળદર, બાર્બરિ (પીળાં ફૂલવાળો એક છોડ), જયંતી, બીલીપાન, દાંડમ, આસોપાલવ, ચોખા અને ગરમાળાના પાન હોય છે. આ દિવસે સૂર્યોદય પહેલાં ગંગા કે કોઈ પવિત્ર નદીમાં મહસ્નાન થાય છે. યુવતીઓ માટે સાતમ ખાસ છે. તેઓ પીળા રંગની સાડી પહેરીને માતાના મંડપમાં જાય છે અને મનોકામના પૂર્ણ કરવા માટે પ્રાર્થના કરે છે.

ધુનુચી નૃત્ય (13 અને 14 ઓક્ટોબર)- ધુનુચી નૃત્ય સાતમથી શરૂ થાય છે અને આઠમ અને નોમ સુધી ચાલે છે. હકીકતમાં તે શક્તિ નૃત્યુ છે. બંગાળ પૂજા પરંપરામાં આ નૃત્ય માતા ભવાનીની શક્તિ અને ઊર્જા વધારવા માટે કરવામાં આવે છે. ધુનુચીમાં નારિયેળની જટા, રેશા અને હવન સામગ્રી એટલે ધુની રાખવામાં આવે છે. તેનાથી જ માતાની આરતી પણ કરવામાં આવે છે.

સિંદૂર ખેલા અને મૂર્તિ વિસર્જન(15 ઓક્ટોબર)- વિજયાદશમી પર્વ, દેવી પૂજાનો છેલ્લો દિવસ હોય છે. આ પર્વમાં છેલ્લા દિવસે મહિલાઓ સિંદૂરથી હોળી રમે છે. જેમાં તેઓ એકબીજાને સિંદૂર રંગ લગાવે છે. આ સાથે જ બંગાળમાં દુર્ગા ઉત્સવ પૂર્ણ થઈ જાય છે. આ દિવસે દેવીની મૂર્તિનું વિસર્જન કરવામાં આવે છે અને પૂજા કરનાર બધા લોકો એકબીજાના ઘરે જઈને શુભકામનાઓ અને મીઠાઈઓ આપે છે.