દિવાળીમાં તિથિનો ક્ષય:અગિયારસ અને વાઘબારસ એકસાથે ઊજવાશે, ધનતેરસના દિવસે જ કાળી ચૌદશ

એક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ચૌદશની તિથિનો ક્ષય હોવાથી એક દિવસમાં બે-બે તિથિના યોગ થયા

દીપાવલીના શુભ તહેવારમાં પણ આ વર્ષે તિથિના ક્ષયને કારણે બે તિથિ એક જ દિવસે હોવાની સ્થિતિ સર્જાઈ છે. આ વર્ષે દિવાળીના મહાપર્વમાં અગિયારસ અને વાઘબારસ ભેગા છે તથા ધનતેરસને દિવસે જ કાળીચૌદશ મનાવાશે. તારીખ 1 નવેમ્બરને સોમવારથી જ દીપાવલી મહાપર્વની શરૂઆત થશે. શાસ્ત્રી રાજદીપ જોષી જણાવે છે કે, આ વર્ષે ચૌદશની તિથિનો ક્ષય હોવાને કારણે સોમવારે 1 નવેમ્બરે રમાએકાદશી અને વાઘબારસ મનાવાશે. જ્યારે મંગળવારે તારીખ 2 નવેમ્બરે દિવસે સવારે 11.31 સુધી વાઘબારસની તિથિ છે અને ત્યારબાદ તેરસની તિથિ છે. આમ તેરસનું મહત્ત્વ સાંજના પ્રદોષકાળે હોવાથી મંગળવારે બારસના દિવસે જ ધનતેરસ મનાવાશે.

તારીખ 3 નવેમ્બરને બુધવારે સવારે 9.02 સુધી જ તેરસની તિથિ છે અને તેરસના દિવસે જ ચૌદશની તિથિ બેસી જાય છે. ચૌદશની તિથિનો ક્ષય હોવાથી બુધવારે તેરસના દિવસે જ કાળીચૌદશ મનાવાશે. જ્યારે દિવાળી તારીખ 4 નવેમ્બરને ગુરુવારે અમાસના દિવસે જ મનાવાશે. દિવાળીને આડે હવે ગણતરીના જ દિવસો બાકી રહ્યા છે ત્યારે શહેરની બજારોમાં પણ રોશનીનો ઝગમગાટ અને લોકોની ખરીદારી નીકળી છે.

ક્યાં દિવસે કઈ તિથિ અને તહેવાર મનાવાશે-

1 નવેમ્બરરમા એકાદશી અને વાઘબારસ
2 નવેમ્બરવાઘબારસ અને ધનતેરસ
3 નવેમ્બરધનતેરસ અને કાળીચૌદશ
4 નવેમ્બરદિવાળી મહા પર્વ

પંચાંગ અને ધર્મગ્રંથોના નિયમ પ્રમાણે ઉપરોક્ત દર્શાવ્યા મુજબ દિવાળી પર્વની ઉજવણી કરવામાં આવશે.

28મીએ પુષ્ય નક્ષત્ર | ખરીદી માટે શ્રેષ્ઠ યોગ-
આસો વદ-7ને તારીખ 28ને ગુરુવારે પુષ્યામૃત યોગ છે. સવારે 9.42થી પ્રારંભ થતા આ શુભ યોગમાં સોના-ચાંદી, વાહન ખરીદી, પૂજન માટેના ચોપડાની ખરીદી માટે શ્રેષ્ઠ યોગ માનવામાં આવે છે. દિવાળી પહેલા જ હાલ બજારમાં રોનક અને રોશનીનો ઝગમગાટ છવાયો છે ત્યારે દિવાળી પહેલા જ આવતા આ યોગમાં લોકોને પોતાની પસંદગીની ચીજવસ્તુઓ ખરીદવાનો શ્રેષ્ઠ અવસર મળશે.