ધર્મગ્રંથોમાં પ્રકટ નવરાત્રિની જેમ જ ગુપ્ત નવરાત્રિનું પણ મહત્ત્વ ઉલ્લેખવામાં આવ્યું છે. હિંદુ પંચાંગ પ્રમાણે મહા મહિનાના સુદ પક્ષમાં ગુપ્ત નવરાત્રિનું પર્વ ઊજવવામાં આવે છે. આ પર્વ એકમ તિથિથી નોમ તિથિ સુધી ઊજવવામાં આવશે. આ વખતે મહા મહિનાની ગુપ્ત નવરાત્રિ 22 થી 30 જાન્યુઆરી સુધી ઊજવાશે. આ 9 દિવસમાં દેવીના વિવિધ સ્વરૂપોની પૂજા કરવામાં આવે છે. ગુપ્ત નવરાત્રિમાં દેવી માતાની દસ મહાવિદ્યાઓ માટે સાધના કરવામાં આવે છે. આ સામાન્ય પૂજાથી અલગ હોય છે અને તેના નિયમ પણ ખૂબ જ કડક હોય છે. સાધનામાં થયેલી ભૂલના કારણે સાધનાની ઊંધી અસર પણ થઈ શકે છે. એટલે કોઈ જ્યોતિષીની મદદથી જ સાધના કરવી જોઈએ.
ગુપ્ત નવરાત્રિ દરમિયાન વ્રત-ઉત્સવ પણ ઊજવાશે
મહા મહિનાની ગુપ્ત નવરાત્રિ દરમિયાન અનેક વ્રત-ઉત્સવ ઊજવવામાં આવે છે. આ વખતે ગુપ્ત નવરાત્રિ દરમિયાન 25 જાન્યુઆરીએ વિનાયક ચોથનું વ્રત કરવામાં આવશે. 26 જાન્યુઆરીએ દેવી સરસ્વતીનો પ્રકટોત્સવ વસંત પંચમી તરીકે ઊજવવામાં આવશે. 28 જાન્યુઆરીએ અચલા અને રથ સાતમનું પર્વ રહેશે. 29 જાન્યુઆરીએ ભીષ્મ આઠમનું વ્રત કરવામાં આવશે. ગુપ્ત નવરાત્રિના છેલ્લાં દિવસે એટલે 30 જાન્યુઆરીએ મહાનંદ નોમનો ઉત્સવ ઊજવવામાં આવશે.
30 વર્ષ પછી શનિના શુભ સંયોગમાં ગુપ્ત નવરાત્રિ ઊજવાશે
17 જાન્યુઆરીથી શનિ ગ્રહ મકર રાશિમાંથી કુંભ રાશિમાં આવી ગયો છે. આવો યોગ 30 વર્ષમાં એકવાર બને છે જ્યારે શનિ પોતાની જ રાશિ કુંભમાં રહે છે. આ વખતે શનિના સ્વરાશિમાં રહેતાં મહા મહિનાની ગુપ્ત નવરાત્રિ ઊજવવામાં આવશે. ગુપ્ત નવરાત્રિ પહેલાં દિવસે એટલે 22 જાન્યુઆરીએ શુક્ર ગ્રહ પણ કુંભ રાશિમાં પ્રવેશ કરશે, જેથી શુક્ર-શનિની યુતિ આ સંપૂર્ણ નવરાત્રિ દરમિયાન રહેશે. શુક્ર અને શનિ બંને મિત્ર ગ્રહ છે. આ બંનેની યુતિ શુભ ફળ આપનારી રહેશે.
મહા મહિનાની ગુપ્ત નવરાત્રિ કેમ ખાસ રહેશે?
મહા મહિનાની ગુપ્ત નવરાત્રિમાં તંત્ર-મંત્ર પદ્ધતિથી દેવીને પ્રસન્ન કરવાનું વિધાન છે. આ સમય શાક્ત (મહાકાળીની પૂજા કરનાર) તથા શૈવ (ભગવાન શિવની પૂજા કરનાર) લોકો માટે ખાસ હોય છે. આ ગુપ્ત નવરાત્રિમાં સંહારકર્તા દેવી-દેવતાઓના ગણ એટલે ભૂત-પ્રેત, વેતાળ, ડાકિની, શાકિની, ખંડગી, શૂલની, શવવાહની, શવરૂઢા વગેરેની સાધના કરવામાં આવે છે.
દસ મહાવિદ્યાની પૂજા
ગુપ્ત નવરાત્રિમાં દસ મહાવિદ્યાઓની સાધના કરવામાં આવે છે. આ મહાવિદ્યાઓ દેવી માતાનું જ સ્વરૂપ છે. આ મહાવિદ્યાઓના નામ છે- માતા કાળી, તારા દેવી, ષોડષી, ભુવનેશ્વરી, ભૈરવી, છિન્નમસ્તા, ધૂમાવતી, બગલામુકી, માતંગી અને કમલા દેવી.
મહાવિદ્યાઓની સાધનામાં કોઈ ભૂલ થવી જોઈએ નહીં
મહાવિદ્યાઓની સાધનાઓ સામાન્ય પૂજાપાઠથી એકદમ અલગ હોય છે. યોગ્ય જાણકારી વિના, યોગ્ય ગુરુની શિક્ષા વિના આ સાધના કરી શકાય નહીં. આ મહાવિદ્યાઓની સાધનામાં જો કોઈ ભૂલ થઈ જાય તો સાધના નિષ્ફળ થઈ જાય છે અને ભૂલોની અશુભ અસર પણ થઈ શકે છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.