વૈશાખ મહિનાના વદ પક્ષની એકાદશીને અપરા કે અચલા એકાદશી કહેવામાં આવે છે. આ એકાદશીએ વ્રત સાથે જ ભગવાન વિષ્ણુ અને લક્ષ્મીજીની પૂજા કરવાથી ધનની દેવી લક્ષ્મી પ્રસન્ન થાય છે અને સાધકને અપાર ધનથી સંપન્ન બનાવે છે, એટલે તેને અપરા એકાદશી કહેવામાં આવે છે. આ વર્ષે આ વ્રત 26 મે, ગુરુવારના રોજ કરવામાં આવશે.
પદ્મ પુરાણમા અપરા એકાદશી
ભગવાન વિષ્ણુની કૃપા મેળવવા માટે કરવામાં આવતા એકાદશી વ્રતનો ઉલ્લેખ અનેક ધર્મગ્રંથોમાં મળી આવે છે. પદ્મ પુરાણ પ્રમાણે અપરા એકાદશીનું વ્રત કરવાથી વ્યક્તિએ પ્રેત બનીને કષ્ટ ભોગવવો પડતો નથી. અપરા એકાદશીને અચલા એકાદશી, ભદ્રકાળી એકાદશી અને જળક્રીડા એકાદશી પણ કહેવામાં આવે છે.
અન્ય લોકોની અવગણના કરવાથી બચવું જોઈએ
આ વ્રતને કરવાથી જાણ્યે-અજાણ્યે થયેલાં બધા જ પાપમાંથી મુક્તિ મળી જાય છે, જેના કારણે પ્રેત યોનિમાં જવું પડે છે. પદ્મપુરાણમાં ઉલ્લેખવામાં આવ્યું છે કે આ એકાદશીનું વ્રત કરવાથી આર્થિક પરેશાનીઓ દૂર થાય છે. શાસ્ત્રોમાં ઉલ્લેખ મળી આવે છે કે અન્યની અવગણના, અસત્ય, છળ-કપટ આ બધા જ પાપ છે, જેના કારણે કોઈ વ્યક્તિનો બીજો જન્મ મળતા પહેલાં તેનું ફળ ભોગવવું પડે છે. આ એકાદશીનું વ્રત કરવાથી આ પાપનો પ્રભાવમાં ઘટાડો આવી શકે છે.
તુલસી પાન, ચંદન અને ગંગાજળ દ્વારા પૂજા
એકાદશીના દિવસે સ્નાન કરીને ભગવાન વિષ્ણુની પૂજા કરો. પૂજામાં તુલસીના પાન, ચંદન, ગંગાજળ તથા સિઝનલ ફળનો પ્રસાદ ચઢાવવો જોઈએ. આ દિવસે સંકલ્પ લેવો જોઈએ કે અન્યની અવગણના, અસત્ય અને છળ-કપટથી દૂર રહેશો. જે લોકો કોઇ કારણોસર વ્રત કરી શકતાં નથી, તેમણે એકાદશીના દિવસે ચોખા અને તેનાથી બનેલી વસ્તુઓનું સેવન કરવું જોઈએ નહીં.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.