આજનો જીવનમંત્ર:કોઈ પણ વ્યક્તિને તેના કપડાં કે ધન-સંપત્તિને આધારે ના પારખો

2 મહિનો પહેલાલેખક: પંડિત વિજયશંકર મહેતા
  • કૉપી લિંક

વાર્તા: અહમદી તુર્કિસ્તાનના ફિલોસોફર હતા. તેમની વાતો ખૂબ ઊંડાણપૂર્વક સમજવી પડતી. જ્યારે પણ કોઈ તેમને પ્રશ્ન પૂછે ત્યારે તેઓ નિર્ભયતાથી જવાબ આપતા. તે સમયે તૈમૂરલંગ ગુલામોને પકડીને તેમનો સોદો કરતો હતો, ગુલામોનો વહીવટ થતો ત્યારે પોતે પણ તે જગ્યાએ હાજર રહેતો હતો.

તેનો શોખ હતો એકથી એક ચડિયાતા ગુલામ રાખવાનો. એકવાર તેણે ગુલામોની હરાજી કરી અને જોગાનુજોગ ગુલામોમાં અહમદી પણ પકડાઈ ગયા.

તૈમૂરલંગ અહમદીને ઓળખતો હતો. તેણે અહમદીને કહ્યું, તારી જોડે બીજા બે ગુલામ છે. તને લોકો બુદ્ધિમાન કહે છે. લોકોએ મને તારા વિશે ઘણું બધું કહ્યું છે. તું ફિલોસોફર છે, આથી મને જણાવ કે આ બંને ગુલામોની કિંમત શું રાખવી જોઈએ?

અહમદી બોલ્યા, આ બંનેને જોઈને મને લાગે છે તેઓ ઘણા પ્રામાણિક, સમજદાર અને મહેનતુ છે. બંનેની કિંમત ચાર-ચાર હજાર અશર્ફિયા રાખવી જોઈએ.

તૈમૂરને અહમદીની વાત યોગ્ય લાગી અને તેણે કહ્યું, ચલો ઠીક છે, ગુલામોની કિંમત તો તે જણાવી દીધી હવે મારી કિંમત બોલ.તૈમૂરને લાગતું હતું કે આ મારી સારી કિંમત કહેશે. અહમદીએ કહ્યું, તમારી કિંમત બે અશર્ફિયા છે.

આ સાંભળીને તૈમૂરને ગુસ્સો આવ્યો અને તેણે કહ્યું, શું તને ખબર છે? આ મેં ચાદર ઓઢી તેની કિંમત 2 અશર્ફિયા છે.

અહમદીએ કહ્યું, મેં તમારી કિંમત આ ચાદર જોઈને જ કહી છે. તમારા જેવો માણસ કે જે માનવતાનો શત્રુ હોય તેની કિંમત શું હોય શકે!

તૈમૂરને ગુસ્સો તો ઘણો આવ્યો પણ તેણે અહમદીની બહાદુરી જોઈને તેને છોડી દીધો.

બોધપાઠ: કોઈ પણ વ્યક્તિને પારખતી વખતે તેના કપડાં અને ધન-સંપત્તિ પર ધ્યાન ના આપો. તે વ્યક્તિને પારખવા તેના કર્મ અને સ્વભાવ પર ધ્યાન આપવું જોઈએ.