વાર્તા: દેવી પાર્વતી ભગવાન શિવને પતિ રૂપે ઇચ્છતી હતી અને આથી તે તપ કરી રહી હતી. પાર્વતીના તપથી ભગવાન શિવ બીજી વાર લગ્ન કરવા તૈયાર થઈ ગયા હતા.
લગ્ન પહેલાં શિવ દેવી પાર્વતીની પરીક્ષા લેવા ઇચ્છતા હતા કે દેવીના મનમાં મારા માટે કેટલો અને કેવો દ્રઢ ભાવ છે.
શિવે સપ્ત ઋષિઓને કહ્યું, તમે જાતે પાર્વતીની પરીક્ષા લો.
પ્રેમ પરીક્ષા લેવા માટે સપ્ત ઋષિઓ દેવી પાસે પહોંચી ગયા. પાર્વતીને તપ કરતા જોઇને ઋષિઓએ પૂછ્યું, તમે કોના માટે આટલું કઠોર તપ કરી રહ્યા છો?
પાર્વતીએ કહ્યું, મારો મૂર્ખતા ભરેલો જવાબ સાંભળીને તમને હસવું આવશે પણ મારા મને જીદ પકડી છે, એવી જ રીતે જેમ પાણી દીવાલ પર ચડવા ઇચ્છતું હોય. નારદ મારા ગુરુ છે અને તેમણે મને કહ્યું કે, મારે પતિના રૂપે ભગવાન શિવ પ્રાપ્ત કરવા જોઈએ અને હું તેમના માટે તપ કરી રહી છું.
સપ્ત ઋષિઓએ કહ્યું, નારદના કહેવાથી અત્યાર સુધી કોના ઘર વસ્યા છે? અને તારે તો શિવ જેવા પતિ જોઈએ છે. નારદ કોઈની પણ પાસેથી માગીને ખાય છે, આરામથી રહે છે, તેને કોઈ વાતની ચિંતા નથી. શું કોઈ સ્ત્રી પતિના રૂપે તેના જીવનમાં ટકી શકે? અમારી વાત માનો, અમે તમારા માટે વૈકુંઠના સ્વામીને પસંદ કર્યા છે.
પાર્વતીએ કહ્યું, મારા પિતા હિમાચલરાજ છે, મારું શરીર પર્વતથી બન્યું છે. મેં જે જીદ પકડી છે તે છૂટશે નહીં. સોનું પણ પથ્થરમાંથી જ બને છે. તેને ગરમ કરવામાં આવે તો પણ તે પોતાનો સ્વભાવ છોડતો નથી. મેં મારા ગુરુ પર વિશ્વાસ કર્યો છે. હું તપ કરીને શિવને પતિ રૂપે મેળવીશ.
સપ્ત ઋષિઓ દેવીને આશીર્વાદ આપીને ચાલ્યા ગયા. એ પછી શિવ-પાર્વતીના લગ્ન થયા.
બોધપાઠ: દેવી પાર્વતીનાં તપે આપણને બે વાત સમજાવી છે. પહેલા નિર્ણય કરો, એ પછી તેના પર અડગ રહો. કોઈની વાતમાં ના આવો. બીજી વાત, પોતાના ગુરુની વાતો પર ભરોસો કરવો જોઈએ. તો જ જીવનમાં સુખ-શાંતિ અને સફળતા મળે છે.
Copyright © 2023-24 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.