આજનો જીવનમંત્ર:જ્યારે કોઈ મોટું કામ કરવાનું હોય ત્યારે શત્રુઓની મદદ લેવી જોઈએ

4 મહિનો પહેલાલેખક: પંડિત વિજય શંકર મહેતા
  • કૉપી લિંક

વાર્તા: યુદ્ધમાં દાનવોએ દરેક દેવતાને હરાવીને સ્વર્ગ પર વર્ચસ્વ લઇ લીધું. આ વાતથી દેવતાઓ ચિંતિત હતા. દેવતાઓ ભટકી રહ્યા હતા અને દાનવોનો આતંક વધી રહ્યો હતો.

દેવરાજ ઇન્દ્રના નેતૃત્વમાં દરેક દેવતાઓ ભગવાન વિષ્ણુ પાસે ગયા અને પોતાની તકલીફ જણાવી. ત્યાં બ્રહ્મા અને શિવ હાજર હતા. વિષ્ણુએ બધાની વાત ધ્યાનથી સાંભળી. વિષ્ણુ પાસે દરેક તકલીફોના નિરાકરણ માટે ઘણા સૂત્ર હોય છે.

વિષ્ણુએ દેવતાઓને કહ્યું, આ સમયે દાનવોનું નસીબ પ્રબળ છે. તેમને યુદ્ધમાં હરાવવા મુશ્કેલ છે, પરંતુ આ સમયે એક કામ કરી શકાય. તમે સમુદ્ર મંથન કરો. સમગ્ર સંસારની સારી ઔષધિઓ સમુદ્રમાં નાખો, મંથન કરશો તો સમુદ્રમાંથી અમૃત નીકળશે. તમે દેવતાઓ અમૃત પી લેજો અને પછી યુદ્ધ કરજો.

આ સાંભળીને દેવતાઓ જવા લાગ્યા ત્યારે વિષ્ણુએ ફરીથી કહ્યું, ઊભા રહો, જયારે પણ કોઈ મોટું કામ કરવાનું હોય ત્યારે શત્રુઓ સાથે મળી જવું જોઈએ. સ્વાભાવિક વાત છે કે, આ કામ તમે એકલા નહીં કરી શકો. તમારા શત્રુ દાનવોની પણ મદદ લો.

વિષ્ણુની સલાહ માનીને દેવતાઓ દાનવોની પાસે પહોંચ્યા અને સમુદ્રમંથનની વાત કહી. દાનવોને લાગ્યું કે, અમૃત નીકળશે તો દેવતાઓને મારીને અમે બધા અમૃત પી લઈશું અને અમર થઈ જઈશું. આવું વિચારીને તે બધા સમુદ્ર મંથન માટે તૈયાર થઈ ગયા. એ પછી દેવતાઓ અને દાનવોએ ભેગા મળીને સમુદ્ર મંથન કર્યું.

બોધપાઠ: વિષ્ણુએ આપણને બધાને એક મેસેજ આપ્યો છે કે, જ્યારે પણ કોઈ મોટું કામ કરવું હોય ત્યારે શત્રુઓની મદદ લેવી જોઈએ. જે લોકો કોઈની પણ સાથે શત્રુતા કરતા નથી તે લોકો જ બુદ્ધિમાન છે અને જો કોઈ દુશ્મન બની પણ જાય તો તેની મદદ લેવી જોઈએ. જો આપણે દુશ્મની કરવામાં પોતાની ઊર્જા વેડફીશું તો પોતાનો લક્ષ્ય પૂરો નહીં કરી શકીએ. આથી દુશ્મનોની મદદ લો અથવા તો દુશ્મનોની અવગણના કરીને પોતાના લક્ષ્ય પર ધ્યાન આપવું જોઈએ, આમ કરશો તો જ સફળતા મળશે.