આજનો જીવનમંત્ર:આપણામાં જીવ હોય છે તેમ વનસ્પતિમાં પણ હોય છે, વૃક્ષ કાપતા પહેલાં અનેકવાર વિચાર કરવો

7 દિવસ પહેલાલેખક: પંડિત વિજયશંકર મહેતા
  • કૉપી લિંક

વાર્તા: ગોણાઈ દેવી સંત નામદેવની માતા હતાં. ગોણાઈ દેવી તેમના દીકરાનો સ્વભાવ બહુ સારી રીતે જાણતા હતા અને તેમને લાગતું હતું આ બાળક એક દિવસ મોટો ભક્ત બનશે.

એક દિવસ માતાએ તેમના દીકરા નામદેવ તરફ જોયું તો ખબર પડી કે તેના કપડાં પર રક્ત હતું. માતાએ પૂછ્યું, નામદેવ, તારા કપડાં પર આ લોહી ક્યાંથી આવ્યું?

બાળ નામદેવ બોલ્યો, મા, આજે મેં કુહાડીથી મારા પગની ચામડી છોલી તો લોહી નીકળવા માંડ્યું.

ગોણાઈ દેવીએ કહ્યું, આનું કારણ શું છે? કોઈ પોતાના જ પગને કેવી રીતે નુકસાન કરી શકે?

નામદેવે કહ્યું, મા, તમે મને એક દિવસ પલાશ વૃક્ષની છાલ ઉતારવા માટે કહ્યું હતું, મેં તે કામ કર્યું. આજે મને થયું કે મેં તે વૃક્ષની છાલ ઊતારી તો તેને દુઃખ થયું હશે કે નહીં. જે રીતે મેં વૃક્ષની છાલ ઉતારી હતી, તે જ રીતે મેં પગમાં પણ કુહાડીથી છોલ્યું તો મને પીડા થઈ.

માતા સમજી ગઈ કે આ શું કરીને આવ્યો છે અને મને શું કહેવા માગે છે? ગોણાઈ દેવીએ કહ્યું, સાચે તારામાં સાધુના લક્ષણ છે.

બોધપાઠ: જ્યારે આપણે દરેક પ્રાણીમાં, પ્રકૃતિમાં જીવન જોવા લાગીએ છીએ ત્યારે આવા ભાવ આવે છે. આપણે સમજવું જોઈએ કે, જેટલો જીવ મનુષ્યોમાં છે તેટલો વનસ્પતિમાં પણ છે. ક્યારેય કોઈ કારણ વગર વૃક્ષો ના કાપવા જોઈએ. નામદેવે આ જ સંદેશ આપ્યો છે.