આજનો જીવનમંત્ર:આપણે આપણી ભૂખ સંતોષવા માટે કોઈનો પણ જીવ ના લેવો જોઈએ

2 મહિનો પહેલાલેખક: પંડિત વિજયશંકર મહેતા
  • કૉપી લિંક

વાર્તા: અંગ્રેજી નાટ્યકાર જ્યોર્જ બર્નાર્ડ શૉ બીમાર પડ્યા હતા. સારવાર કરનારા ડૉક્ટરે તેમને કહ્યું, તમે નબળા પડી ગયા છો. તમારી બીમારી વધી ગઈ છે. જો તમે જીવિત રહેવા ઈચ્છતા હો તો ઈંડાં, માંસાહાર ખોરાક લો. આ વસ્તુઓથી તમે જલ્દી સ્વસ્થ થઇ જશો. જ્યોર્જનું જીવન જોખમમાં હતું.

સાહિત્યકાર અને માનવતાવાદી જ્યોર્જ બર્નાર્ડ શૉ શાકાહારી હતા. ડૉક્ટરને લાગતું હતું કે, આ વાત તેમના જીવન માટે છે આથી તેઓ માંસાહારી ભોજન કરવા માટે રાજી થઇ જશે, પરંતુ જ્યોર્જ શૉ તો સાહિત્યકાર હતા. તેઓ દરેક કામની એક સ્ક્રિપ્ટ લખતા હતા.

જ્યોર્જે ડૉક્ટરને કહ્યું, ભલે હું મૃત્યુ પામું, પણ હું માંસાહારી ક્યારેય નહીં બનું.

આ સાંભળીને ડૉક્ટરે કહ્યું, તો પછી તમારે જીવનની કોઈ આશા ના રાખવી જોઈએ.

જ્યોર્જ શૉએ તેમના સચિવને બોલાવીને કહ્યું, વકીલ પાસે મારુ વસિયતનામું તૈયાર કરાવી દો. તેમાં લખો, મારું મૃત્યુ નક્કી છે તો હું ચોક્કસથી મરીશ. મૃત્યુ પછી મારી સ્મશાન યાત્રામાં અન્ય કોઈ જાય કે ના જાય પણ અમુક પ્રાણીઓ ચોક્સસ જવા જોઈએ. ચાર પગવાળા પ્રાણીઓ, શ્વાન અને શક્ય હોય તો માછલીઓ પણ. જે પ્રાણીઓ મૂક છે અને મનુષ્યો તેમને કાપીને ભોજન કરે છે તે બધા પ્રાણીઓ મારી સ્મશાન યાત્રામાં સામેલ થાય. શક્ય હોય તો તેમના ગળામાં એક નોટ લટકાવજો તેની પર લખજો, અમારી રક્ષા કરનાર વ્યક્તિ ચાલી ગઈ. ઈશ્વર તેને શાંતિ આપે. જ્યોર્જ શૉ ના મૃત્યુ પછી તેઓ કહીને ગયા તેવું જ બધું થયું. એક સાહિત્યકાર તેમના મૃત્યુ અને સ્મશાનયાત્રાથી સમાજને એક સંદેશ આપતા ગયા.

બોધપાઠ: આપણે સૌ મનુષ્યો છીએ આથી પોતાની ભૂખ સંતોષવા માટે મૂંગા પ્રાણીઓની હત્યા ના કરવી જોઈએ.