આજનો જીવનમંત્ર:ટીમમાં કોઈ એક વ્યક્તિ ભૂલ કરે છે ત્યારે તેમના કારણે બધા સભ્યોનું કામ પ્રભાવિત થઈ શકે છે

2 વર્ષ પહેલાલેખક: પંડિત વિજયશંકર મહેતા
  • કૉપી લિંક

વાર્તા- જડભરત સાથે સંબંધિત કિસ્સો છે. જડભરતનો જન્મ એક બ્રાહ્મણ પરિવારમાં થયો હતો. માતા-પિતાના મૃત્યુ પછી ભાઈ-ભાભીઓએ તેમને પોતાની સાથે રાખ્યો નહીં. તેનું કારણ હતું કે જડભરત ખૂબ જ તટસ્થ રહેતાં હતાં. તેમનો પોતાનો કોઈ આગ્રહ હતો નહીં. જેણે જે કામ જણાવી દીધું, તે કરી લે અને પોતાની મસ્તીમાં રહેતાં હતાં. તેમને ઘરમાંથી કાઢી મુક્યાં.

જડભરત એક મંદિરમાં બેઠા હતાં. તે સમયે ત્યાંથી એક રાજા, જેમનું નામ રઘુગઢ હતું, તેમની પાલકી પસાર થઈ રહી હતી. ચાર માણસો પાલકી ઉઠાવી રહ્યા હતાં. એક માણસ અચાનક બીમાર થઈ ગયો. મંત્રીઓએ વિચાર કર્યો કે કોઈ નવો માણસ તરત શોધવો જોઈએ જે રાજાની પાલકી ઉપાડી શકે.

મંત્રીઓને જડભરત જોવા મળ્યો. તે હુષ્ટ-પુષ્ટ હતો. મંત્રીઓએ જડભરતને લીધો અને પાલકી ઉપાડવા માટે કહ્યું, જડભરત કામ માટે ક્યારેય ના પાડતા નહીં એટલે પાલકીમાં જોડાઈ ગયાં.

રાજાની પાલકી ઉપાડનાર લોકો ખૂબ જ દક્ષ હતાં. તેઓ પાલકી એવી રીતે ઉપાડતા હતા કે રાજાના પેટનું પાણી પણ હલે નહીં, પરંતુ જડભરતને પાલકી ઉપાડાનો અનુભવ હતો નહીં, જેથી તેઓ ક્યારેક પગ અહીં તો ક્યારેક પગ ત્યાં રાખતાં હતાં. તેઓ વિચારી રહ્યા હતાં કે મારા પગેથી કોઈ જંતુ મરી જાય નહીં.

જડભરતના કારણે પાલકી હલી રહી હતી ત્યારે રાજાએ પાલકી રોકી અને નીચે ઉતર્યા ત્યારે સમજી ગયા કે આ માણસ નબળો છે. રાજાએ જડભરતને કહ્યું, જુઓ, શાસ્ત્રોમાં સંસર્ગ દોષ જણાવ્યો છે. જો એક વ્યક્તિ દોષપૂર્ણ ચાલે છે તો તેનો પ્રભાવ પાલકી ઉપર પડે છે અને અન્ય ત્રણ માણસો ઉપર પણ પડે છે.

જડભરતને રાજાની વાત ખૂબ જ સારી લાગી અને તેમને લાગ્યું કે રાજા ખૂબ જ સમજદાર છે.

બોધપાઠ- આ વાર્તાનો બોધપાઠ એ છે કે જો વ્યવસ્થામાં કે કોઈ ટીમમાં કોઈ એક સાથી નબળો હોય તો તેની અસર સંપૂર્ણ ટીમ ઉપર પડે છે. એક નબળા વ્યક્તિના કારણે સંપૂર્ણ વ્યવસ્થા ખરાબ થાય છે. એટલે એવા વ્યક્તિને સુધારવો જોઈએ અથવા ટીમથી દૂર કરી દેવો જોઈએ.