આજનો જીવનમંત્ર:પતિ-પત્નીના સંબંધોમાં જુઠાણા માટે જગ્યા હોતી નથી, ખોટું બોલવાના કારણે સંબંધ ખરાબ થઈ શકે છે

એક મહિનો પહેલાલેખક: પંડિત વિજયશંકર મહેતા
  • કૉપી લિંક

શિવજી અને સતી સાથે જોડાયેલો કિસ્સો છે. રામાયણમાં સીતાનું હરણ થઈ ગયું હતું. શ્રીરામ સીતાની શોધમાં દુઃખી થઈને હા સીતે, હા સીતે બૂમો પાડી રહ્યા હતાં. તે સમયે શિવજી અને દેવી સતી રામ કથા સાંભળીને પાછા ફરી રહ્યા હતાં. તેમણે શ્રીરામને જોયા ત્યારે શિવજીને દૂરથી જ પ્રણામ કર્યાં.

શ્રીરામને રડતા જોઈને સતીને શંકા થઈ કે શ્રીરામ ભગવાન કેવી રીતે હોઈ શકે છે, આ તો સાધારણ રાજકુમાર છે. સતીએ પોતાની શંકા શિવજીને જણાવી ત્યારે શિવજીએ કહ્યું, આ બધી જ રામજીની લીલા છે, તમે શંકા ન કરશો.

સતીની શંકા દૂર થઈ નહીં ત્યારે શિવજીએ સમજાવવાની કોશિશ કરી, પરંતુ દેવી માન્યા નહીં અને રામજીની પરીક્ષા લેવા માટે જતાં રહ્યાં. સતીએ સીતાનું સ્વરૂપ ધારણ કર્યું અને શ્રીરામ સામે પહોંચી ગયાં.

શ્રીરામજીએ સતીને ઓળખી લીધા, તેમને પ્રણામ કર્યા અને કહ્યું, દેવી તમે એકલાં આ વનમાં શું કરી રહ્યા છો, મહાદેવ ક્યાં છે?

સતીને પોતાની ભૂલનું ભાન થયું અને તેઓ શિવજી પાસે આવી ગયા અને ચૂપચાપ ઊભા રહી ગયાં. તે સમયે શિવજી ધ્યાનમાં બેઠા હતાં. જ્યારે શિવજીએ આંખ ખોલી ત્યારે દેવીને જોઈને પૂછ્યું, તમે આવી ગયાં, રામજીની પરીક્ષા લઈ લીધી?

સતી શિવજી સામે ખોટું બોલ્યાં, મેં રામજીની પરીક્ષા લીધી નથી, હું પણ તમારી જેમ દૂરથી જ તેમને પ્રણામ કરીને પાછી ફરી છું.

શિવજીને સતીની વાત ઉપર વિશ્વાસ થયો નહીં. તેઓ પોતાની પત્નીને ઓળખતાં હતાં. તેમણે વિચાર્યું કે દેવી સતી આટલી સરળ રીતે પ્રણામ કરી શકે નહીં. ભગવાને ધ્યાન લગાવ્યું ત્યારે તેમને સંપૂર્ણ ઘટના જાણ થઈ.

જ્યારે આ સંપૂર્ણ ઘટના શિવજીએ જાણી લીધી ત્યારે તેમણે કહ્યું, દેવી આ તમે શું કર્યું, તમે આ દેહ સાથે મારી માતા સીતાનું સ્વરૂપ ધારણ કર્યું છે જેથી હવે હું તમારો માનસિક ત્યાગ કરું છું.

તે પછી શિવજી અને સતી માતાનું લગ્નજીવન ખરાબ થઈ ગયું હતું.

બોધપાઠ- પતિ-પત્નીનો સંબંધ દૂધ અને પાણી જેવો હોય છે. કોણે કોને કેવું સ્વરૂપ-રંગ આપ્યો છે, તે જાણી શકાય નહીં. પરંતુ ખોટું બોલવું, છળ અને દગાબાજી પણ સંબંધમાં આવી જાય તો જે પ્રકારે દૂધમાં લીંબૂના ટીપા પડવાથી દૂધ ફાટી જાય છે, ઠીક તેવી જ રીતે પતિ-પત્નીનો સંબંધ પણ ખરાબ થઈ જાય છે, એટલે પતિ-પત્નીએ એકબીજાનો વિશ્વાસ તોડવો જોઈએ નહીં.