આજનો જીવનમંત્ર:ઘર-પરિવારમાં જ્યારે પણ ચર્ચા-વિચારણાં કરો ત્યારે બધાની સલાહ ઉપર ધ્યાન આપો

6 મહિનો પહેલાલેખક: પંડિત વિજયશંકર મહેતા
  • કૉપી લિંક

પાંડવોના દ્રૌપદી સાથે લગ્ન થઈ ગયાં હતાં. દ્રૌપદીના પિતા દ્રુપદ પાંડવોને દરેક મદદ આપવા માટે તૈયાર હતાં. બીજી બાજુ કૌરવોમાં આ વાતની ચર્ચા થઈ રહી હતી કે આપણે પાંડવોને નષ્ટ કરવા ઇચ્છીએ છીએ અને તેમનું બધું જ સારું થઈ રહ્યું છે.

એક દિવસ કૌરવોની સભામાં શકુનિએ પોતાની કુનીતિ સંભળાવી. શકુનિએ કહ્યું, જ્યારે પણ અવસર મળે, આપણે દુશ્મનોને નિર્બળ કરી દેવા જોઈએ. આપણે પાંડવોને જડથી નષ્ટ કરવા પડશે. નહીંતર એક દિવસ તેઓ આપણાં ઉપર ભારે પડશે. જ્યાં સુધી તેમની પાછળ કૃષ્ણ અને બલરામ છે, આપણે તેમનો સામનો કરી શકીશું નહીં. આપણે કૃષ્ણ અને બલરામની ગેરહાજરીમાં પાંડવોનો વધ કરી દેવો જોઈએ.

તે સભામાં સોમદત્તના પુત્ર ભૂરિશ્વા પણ હાજર હતાં. ભૂરિશ્વા ખૂબ જ બળવાન હતાં. મહાભારત યુદ્ધમાં ભીષ્મએ તેમને પોતાના 11 સેનાપતિઓમાંથી એક બનાવ્યાં હતાં. ચૌદમા દિવસે અર્જુને તેમનો વધ કર્યો હતો.

કૌરવોની તે સભામાં ભૂરિશ્વાએ કહ્યું, પોતાના અને દુશ્મન પક્ષની સાત પ્રકૃતિઓ અને છ ગુણોને જાણ્યા વિના યુદ્ધ કરવું જોઈએ નહીં. સાત અંગને સાત પ્રકૃતિઓ કહેવામાં આવે છે, જે આ રીતે છે- સ્વામી, અમાત્ય, સુહ્યત, કોષ, રાષ્ટ્ર, દુર્ગ અને સેના. આ પ્રકારે છ ગુણ છે- સંધિ એટલે દુશ્મન સાથે મિત્રતા રાખવી. વિક્રહ એટલે ઝઘડો કરવો. યાન એટલે આક્રમણ કરવું. આસન એટલે તકની રાહમાં બેસી રહેવું. દ્વૈદીભાવ એટલે દુરંગી નીતિ રાખવી. સમાશ્રય એટલે પોતાનાથી બળવાન રાજાની શરણ લેવી.

ભૂરિશ્વાએ આગળ કહ્યું, હું જોવું છું કે પાંડવોની પાસે મિત્ર અને ખજાનો બંને છે. એટલે શકુનિ તમે ખોટી સલાહ ન આપશો.

કૌરવોએ ભૂરિશ્વાની સલાહ માની નહીં અને શકુનિની વાત માની લીધી. પરિણામ સ્વરૂપ કૌરવોને પાંડવો સામે પરાજિત થવું પડ્યું.

બોધપાઠ- આપણે જ્યારે ઘર-પરિવારમાં ચર્ચા-વિચારણા કરીએ છીએ ત્યારે કોઈ વ્યક્તિની સલાહ ભલે ન ગમે પરંતુ યોગ્ય હોય તો માની લેવી જોઈએ, નહીંતર પછતાવું પડે છે.