રામાયણમાં શ્રીરામના કહેવાથી સુગ્રીવ એક માળા પહેરીને પોતાના ભાઈ વાલિ સાથે યુદ્ધ કરવા પહોંચી ગયો. આ પહેલાં વાલિએ સુગ્રીવને મારીને ભગાડી દીધો હતો. હવે બીજીવાર શ્રીરામ ઉપર વિશ્વાસ કરીને સુગ્રીવ વાલિ સાથે યુદ્ધ કરી રહ્યો હતો.
બંને ભાઈ લડી રહ્યા હતાં, તે સમયે શ્રીરામજીએ તીર ચલાવ્યું અને તે સીધું વાલિની છાતીમાં વાગ્યું. વાલિ ઘાયલ થઈ ગયો. જ્યારે વાલિ છેલ્લો શ્વાસ લઇ રહ્યો હતો ત્યારે તેણે શ્રીરામ ઉપર આરોપ લગાવ્યો, તમારો અવતાર ધર્મ માટે થયો છે, તમે મને શિકારીની જેમ સંતાઇને કેમ માર્યો? સુગ્રીવ તમને આટલો પ્રિય કઈ રીતે થઈ ગયો? હું તમારો દુશ્મન કેમ બની ગયો?
શ્રીરામજીએ કહ્યું, વાલિ તમને તમારી પત્ની તારાએ સમજાવ્યું હતું કે રામ સાથે યુદ્ધ ન કરો.
આ વાત સાંભળીને વાલિને યાદ આવ્યું કે તારાએ કહ્યું હતું કે રામ ભગવાન છે. વાલિને થયું કે મારી પત્ની સાથે જે વાત એકાંતમાં થઈ હતી, તેના અંગે રામને કેવી રીતે જાણ થઈ?
શ્રીરામજીએ આગળ કહ્યું, જો નાના ભાઈની પત્ની, બહેન, પુત્રની પત્ની, પુત્રી આ ચારેય સંબંધ મારા માટે એક જેવા છે. તમે તમારા નાના ભાઈ સુગ્રીવની પત્નીનું પણ અપહરણ કરી લીધું. મારો સિદ્ધાંત છે કે જો કોઈ આ ચારેય સંબંધ ઉપર ખરાબ નજર કરે છે તો તેને મારવાથી પાપ લાગતું નથી. મેં તમને આ સજાનો દંડ આપ્યો છે.
બોધપાઠ- શ્રીરામજીએ અહીં બોધપાઠ આપ્યો છે કે ક્યારેય સંબંધોમાં ખરાબ આચરણ ન કરો. પરિવારમાં નૈતિકતા, પવિત્રતા, ચરિત્ર અને પોતાપણું હોવું જોઈએ. જે લોકો ઘર-પરિવારના સંબંધોમાં છેડછાડ કરે છે ત્યારે ભગવાન કોઇને કોઈ સ્વરૂપમાં સજા ચોક્કસ આપે છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.