આજનો જીવનમંત્ર:જ્યારે મનમાં ખરાબ વિચાર ચાલી રહ્યા હોય ત્યારે વિદ્વાન લોકોથી પણ ભૂલ થઈ જાય છે

21 દિવસ પહેલાલેખક: પંડિત વિજયશંકર મહેતા
  • કૉપી લિંક

વાર્તા- દેવર્ષિ નારદને આ વાતનો ઘમંડ થઈ ગયો હતો કે તેમણે કામદેવને જીતી લીધા છે. આ ઘમંડમાં તેઓ ચાલી રહ્યાં હતાં, ત્યારે જ તેમને એક સુંદર નગરી જોવા મળી. તે માયા નગરી હતી. આ નગરીને વિષ્ણુજીએ નારદજીને બોધપાઠ આપવા માટે બનાવી હતી. આ વાતની જાણકારી નારદ મુનિને હતી નહીં.

માયા નગરીના રાજાનું નામ શીલનિધિ હતું. રાજાની એક કન્યા હતી, તેનું નામ વિશ્વમોહિની હતું. નારદ મુનિ તે નગરીમાં પહોંચ્યાં. શીલનિધિએ નારદજીને પ્રણામ કર્યાં ત્યારે તેઓ પ્રસન્ન થઈ ગયાં. રાજાએ કહ્યું, આ મારી કન્યા વિશ્વમોહિની છે, હું તેનો સ્વયંવર કરવા ઇચ્છું છું અને હું તેના લગ્ન કોઈ ત્રિલોકપતિ સમાન હોય તેવા વ્યક્તિ સાથે કરવા માગું છું.

રાજા ઇચ્છતા હતાં કે નારદજી તેમની કન્યાને આશીર્વાદ આપે, પરંતુ જ્યારે નારદજીએ તે કન્યાને જોઈ ત્યારે તેમના મનમાં વિચાર આવ્યો કે આ સુંદર કન્યા સાથે તો મારે જ લગ્ન કરવા જોઈએ.

નારદજી તે કન્યાનો હાથ પોતાના હાથમાં લઈને તેનું ભવિષ્ય વાંચવા લાગ્યાં. હાથની રેખાઓમાં લખ્યું હતું કે જે ત્રિલોકપતિ હશે, તે જ તેનો પતિ થશે, પરંતુ નારદજી કામભાવનામાં ડૂબેલાં હતાં જેથી તેમણે વાંચ્યુ કે જે તેનો પતિ હશે, તે ત્રિલોકપતિ હશે. બસ અહીં જ નારદજીથી ભૂલ થઈ ગઈ અને તે વિચારવા લાગ્યાં કે આ કન્યા મને મળી જાય.

જ્યારે વિશ્વમોહિનીનો સ્વયંવર થયો ત્યારે ત્યાં તેણે નારદજીનું અપમાન કરી દીધું.

બોધપાઠ- નારદજી જેવા વિદ્વાન મુનિએ તે કન્યાનો હાથ જોઈને જે ભવિષ્ય જણાવવાનું હતું, તે યોગ્ય સમજી શક્યા નહીં. કેમ કે તેમના મનમાં ખરાબ વિચાર ચાલી રહ્યા હતાં, તેમના મનમાં કામભાવના જાગી ગઈ હતી. જેથી બોધપાઠ મળે છે કે જ્યારે આપણી અંદર કોઈ ખરાબ વિચાર ચાલી રહ્યા હોય ત્યારે આપણે ભૂલ કરી દઈએ છીએ, જે નારદ મુનિએ કરી હતી. હંમેશાં ધ્યાન રાખો કે જ્યારે પણ કોઈ કામ કરવાનું હોય ત્યારે આપણું મન પવિત્ર અને આપણી નીયત સાફ હોવી જોઈએ.