મહાત્મા બુદ્ધના પ્રવચન સાંભળવા ઘણાં લોકો રોજ આવતાં હતાં. પ્રવચન સાંભળનાર લોકોમાં એક વ્યક્તિ એવો હતો જે બુદ્ધની વાતો ખૂબ જ ધ્યાનથી સાંભળતો હતો. તે વ્યક્તિને લાગતું હતું કે બુદ્ઘની વાતો તો સારી છે, પરંતુ જીવનમાં કોઈ પરિવર્તન આવી રહ્યું નથી.
એક દિવસ બુદ્ધ જણાવી રહ્યા હતા કે, જો કોઈ વ્યક્તિ તમારા ઉપર ગુસ્સો કરે છે તો તે પોતાનું જાતે જ નુકસાન કરે છે, પરંતુ જો તમે પણ ગુસ્સાનો ઉત્તર ગુસ્સાથી આપો છો તો તમે તેનાથી પણ વધારે પોતાનું નુકસાન કરો છો.
આ વાત સાંભળતાં જ તે વ્યક્તિ ગુસ્સે થયો અને બોલ્યો. હું આટલાં દિવસોથી તમને સાંભળી રહ્યો છું, પરંતુ મનમાં કોઈ પરિવર્તન આવી રહ્યું નથી તો તમારા પ્રવચન સાંભળવાથી શું લાભ છે?
બુદ્ધે તે વ્યક્તિને પૂછ્યું, તમે ક્યા રહો છો?
વ્યક્તિએ જવાબ આપ્યો, હું શ્રાવસ્તીમાં રહુ છું.
બુદ્ધે ફરી પૂછ્યું, અહીંથી શ્રાવસ્તીનું અંતર કેટલું હશે અને આવા-જવામાં કેટલો સમય લાગે છે?'
તે વ્યક્તિએ અંતર જણાવ્યું અને એવું પણ જણાવ્યું કે આવવા-જવામાં કેટલો સમય લાગે છે. તે પછી બુદ્ધે ફરીથી પૂછ્યું, અવર-જવર કઈ રીતે કરો છો?
વ્યક્તિએ કહ્યું, હું કોઈને કોઈ સવારી લઇ લઉ છું.
બુદ્ધે કહ્યું, એક વાત જણાવો, શું તમે બેઠા-બેઠા ત્યાં પહોંચી શકો છો?
તેણે કહ્યું, બેઠા-બેઠા કેવી રીતે પહોંચી શકાય, તેના માટે સવારી લેવી પડે અથવા પગપાળા જવું પડે.
બુદ્ધે કહ્યું, ઠીક આવી રીતે ચાલીને જ લક્ષ્ય સુધી પહોંચી શકાય છે. તમે જે લક્ષ્ય માટે આવ્યા છો, તે શાંતિ છે, આત્મા છે. તમે વિચારી રહ્યા છો, ત્યાં આવી રીતે જ પહોંચી શકાશે. તેમાં સમય પણ લાગે છે. દરરોજ સત્સંગ કરશો, વિચારોનું મંથન કરશો તો બની શકે છે કે તમે એક દિવસ પોતાના લક્ષ્ય સુધી પહોંચી જશો.
બોધપાઠ- બુદ્ધે અહીં સંદેશ આપ્યો કે આપણે ક્યારેય નિરાશ થવું જોઈએ નહીં. સતત કોશિશ કરતા રહેવાથી લક્ષ્ય મળે છે. જો કોઈ વ્યક્તિ કોશિશ કરવામાં જ નિરાશ થઈ જાય અને સતત એવું વિચારે કે મેં કોશિશ કરી, પરંતુ પરિણામ મળ્યું નથી તો તે વ્યક્તિ પોતાના લક્ષ્યના છેલ્લાં સ્તરે જ થાકી જશે અને કામ અધૂરું રહી જશે. એટલે આપણે હંમેશાં કોશિશ કરતા રહેવું જોઈએ.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.