આજનો જીવનમંત્ર:આપણી ભૂલોથી અન્ય લોકોનું નુકસાન થઈ જાય ત્યારે સૌથી પહેલાં તે લોકો પાસે માફી માગવી જોઈએ

3 મહિનો પહેલાલેખક: પંડિત વિજયશંકર મહેતા
  • કૉપી લિંક

દેવર્ષી નારદને પોતાની તપસ્યાનો અહંકાર થઈ ગયો હતો. નારદ મુનિનો અહંકાર દૂર કરવા માટે ભગવાન વિષ્ણુએ પોતાની માયાથી એક રાજકુમારીના સ્વયંવરની રચના કરી.

નારદ મુનિ વિષ્ણુજીની માયામાં ફસાઇ ગયા અને તે રાજકુમારી સાથે લગ્ન કરવા માટે તૈયાર થઈ ગયા. નારદજીએ વિષ્ણુજી પાસે સુંદર સ્વરૂપ માગ્યું ત્યારે ભગવાને તેમને વાનરનું સ્વરૂપ આપી દીધું. નારદ મુનિ આ સ્વરૂપમાં સ્વયંવરમાં પહોંચી ગયાં.

રાજકુમારીએ નારદ મુનિ તરફ ધ્યાન આપ્યું જ નહીં, તે સમયે ત્યાં ભગવાન વિષ્ણુ પહોંચ્યા ત્યારે રાજકુમારીએ તેમને વરમાળા પહેરાવી દીધી. આ જોઈને નારદ મુનિને ખૂબ જ ગુસ્સો આવી ગયો અને વિષ્ણુજીને શ્રાપ આપી દીધો. સ્વયંવરમાં શિવજીએ નારદ મુનિની સ્થિતિ જોવા માટે પોતાના બે ગણ જય-વિજયે જ નારદ મુનિને જણાવ્યું કે તેમનું મુખ વાનર જેવું છે. જય-વિજયે નારદજીનો મજાક ઉડાવ્યો ત્યારે નારદજીએ આ બંનેને પણ અસુર થવાનો શ્રાપ આપી દીધો.

થોડીવાર પછી જ્યારે વિષ્ણુજીએ પોતાની માયા હટાવી ત્યારે નારદજીને સમજાઇ ગયું કે વિષ્ણુજીએ મારો ઘમંડ તોડવા માટે, મને સમજાવવા માટે આ માયા રચી હતી.

નારદ મુનિનો ઘમંડ તૂટ્યા પછી તેમને પોતાની ભૂલનો અહેસાસ થઇ ગયો અને તેમણે ભગવાન વિષ્ણુ પાસે પોતાની ભૂલ માટે માફી માગી. સાથે જ શિવજીના તે બે ગણોને પણ માફ કરી દીધાં.

નારદ મુનિએ જય-વિજયને કહ્યું, મેં માયામાં ફસાઇને તમે બંનેને શ્રાપ આપ્યો છે, આ કારણે તમારે બંનેએ અસુર બનવું પડશે. તમારો જન્મ વિશ્રવા મુનિને ત્યાં થશે, રાવણ અને કુંભકર્ણ તમારું નામ હશે. શિવજીના ભક્ત રહેશો. પછી વિષ્ણુજીના અવતાર શ્રીરામના હાથે તમારું મૃત્યુ થશે.

નારદ મુનિએ જય-વિજયને તેમના મજાક માટે માફ કર્યા અને પછી પોતાના શ્રાપ માટે માફી પણ માગી.

બોધપાઠ- નારદ મુનિનું ચરિત્ર આપણને બોધપાઠ આપી રહ્યું છે કે જો આપણે શંકામાં કે અહંકારમાં ફસાઇને કોઈનું નુકસાન કરીએ અને પછી જ્યારે આપણો અહંકાર દૂર થઇ જાય ત્યારે સૌથી પહેલાં આપણે તે લોકો પાસે માફી માગવી જોઈએ, જે લોકોનું આપણે નુકસાન કર્યું હતું. આવેશમાં આવીને એવા કામ કર્યા હોય જે આપણે કરવા જોઈએ નહીં. જ્યારે આપણો આવેશ દૂર થાય અને આપણને આપણી ભૂલનો અહેસાસ થઇ જાય ત્યારે તે લોકો પાસે માફી ચોક્કસ માગવી, જેમનું આપણે નુકસાન કર્યું હોય.