આજનો જીવનમંત્ર:જ્યારે ખોટું બોલવાનો આરોપ લાગે ત્યારે આપણે બુદ્ધિમાની સાથે હકીકતનો સામનો કરવો જોઈએ

4 મહિનો પહેલા
  • કૉપી લિંક

વાર્તા- દ્વારિકામાં સત્રાજિત નામનો એક સૂર્ય ભક્ત હતો. ભક્તિથી પ્રસન્ન થઈને સૂર્યદેવે સત્રાજિતને સ્યમંતક નામની ચમત્કારી મણિ આપી હતી. આ મણિમાંથી દરરોજ વીસ તોલા સોનું મળી આવતું હતું, જેતી સત્રાજિત ખૂબ જ ધનવાન થઈ ગયો હતો.

એક દિવસ શ્રીકૃષ્ણએ સત્રાજિતને કહ્યું, તમે આ મણિ રાજકોષમાં આપી દો, જેથી રાજ વ્યવસ્થા પાસે પણ ધન આવી જાય. સત્રાજિતે મણિ આપવાની ના પાડી દીધી ત્યારે શ્રીકૃષ્ણએ કહ્યું કે કોઈ વાંધો નહીં.

સત્રાજિતનો એક ભાઈ પ્રસેનજિત હતો. તેણે પોતાના ભાઈને જણાવ્યા વિના તે મણિ લઈ લીધો અને જંગલમાં શિકાર કરવા જતો રહ્યો. જંગલમાં એક સિંહે પ્રસેનજિતને મારી નાખ્યો અને મણિ ત્યાં જ પડી ગયો.

સત્રાજિતે સંપૂર્ણ દ્વારકામાં આ સમાચાર ફેલાવી દીધા કે કૃષ્ણએ મારો મણિ ચોરી લીધો છે અને મારા ભાઈ પ્રસેનજિતની હત્યા કરી દીધી છે.

જોત-જોતામાં શ્રીકૃષ્ણ બદનામ થઈ ગયાં. તેમના ઉપર ચોરી અને હત્યારાનો આરોપ લાગી ગયો. શ્રીકૃષ્ણએ વિચાર કર્યો કે આ કલંકને દૂર કરવો પડશે. મણિની શોધમાં તેઓ જંગલ તરફ જતાં રહ્યાં.

જંગલમાં શ્રીકૃષ્ણને સિંહના પગના નિશાન જોવા મળ્યાં અને નિશાન પાસે હાડકાનો ઢગલો પણ જોયો. શ્રીકૃષ્ણ સમજી ગયા કે પ્રસેનજિતને સિંહે મારી નાખ્યો છે અને મણિ અહીં જ પડ્યો હશે.

શ્રીકૃષ્ણ મણિ શોધવા લાગ્યાં. ત્યાં પાસે જ એક ગુફાની બહાર થોડા બાળકો મણિથી રમી રહ્યા હતાં, શ્રીકૃષ્ણએ મણિ જોઈ લીધો. તે ગુફામાં જામવંત રહેતાં હતાં. શ્રીકૃષ્ણએ તે મણિ જામવંત પાસેથી લઇને સત્રાજિતને આપી દીધી.

સત્રાજિતને પોતાની ભૂલ ઉપર ખૂબ જ પછતાવો થયો. શ્રીકૃષ્ણએ કહ્યું, સત્રાજિત, હું કલંક લઇને જીવવા ઇચ્છતો નથી. જીવનમાં જ્યારે કોઈ એવા કામનુ કલંક મળે જે તમે ક્યારેય કર્યું જ નથી તો ખૂબ જ દુઃખ થાય છે. એવી સ્થિતિમાં નિરાશ થઈ જાવ અથવા આક્રમક થઈ જાવ. આ બે રસ્તાઓ સિવાય એક અન્ય રસ્તો બુદ્ધિમાનીથી તે ખોટા આરોપની જડ સુધી જાવ અને ત્યાંથી પોતાને નિર્દોષ સાબિત કરો. તેમાં ધૈર્ય અને સમજણ કામ આવી શકે છે.

બોધપાઠ- જીવનમાં જ્યારે કોઈપણ સમયે ખોટા આરોપનો સામનો કરવો પડે તો બુદ્ધિમાનીથી કામ લેવું જોઈએ. સમજદારી અને ધૈર્ય સાથે પોતાને નિર્દોષ સાબિત કરવા જોઈએ.