રાજા દુષ્યંત અને શકુંતલા સાથે જોડાયેલો કિસ્સો છે. એક દિવસ રાજા દુષ્યંતના દરબારમાં શકુંતલા નિવેદન કરી રહી હતી, મારી સાથે જે બાળક છે, તે તમારો પુત્ર છે. જ્યારે તમે વનમાં આવ્યાં હતાં ત્યારે તમે મારી સાથે લગ્ન કર્યા હતાં. તમે ત્યાંથી તમારા નગરમાં આવી ગયા અને હવે તમે મને ભૂલી રહ્યા છો.
દરબારમાં બેઠેલાં બધા લોકો આ વાત સાંભળી રહ્યા હતાં. રાજા દુષ્યંતને ગુસ્સો આવી ગયો અને તેણે કહ્યું, તમે ખોટું બોલી રહ્યા છો, તમારી માતા મેનકા અને પિતા વિશ્વામિત્ર હતાં. તમારી માતા મેનકા ક્રૂર હ્રદયવાળી હતી અને તમારા પિતાને પણ બ્રાહ્મણ બનવા માટે એક ઉત્સાહ હતો. તે મેનકાને જોતાં જ કામના અધીન બની ગયાં હતાં. તમે તેમના સંતાન છો, હું તમારા ઉપર કેમ વિશ્વાસ કરું?
દુષ્યંતે શકુંતલા સાથે જ તેમના માતા-પિતાનું પણ અપમાન કર્યું. શકુંતલાએ કહ્યું, તમે અન્ય લોકોમાં સરસિયાના દાણા સમાન નાના દોષ જોઈ રહ્યા છો, પરંતુ પોતાના મોટા દોષને તમે જોઈ રહ્યા નથી. મારી માતા મેનકા અને પિતા વિશ્વામિત્ર ઉપર આ પ્રકારે ટિપ્પણી કરવાનો અધિકાર તમને કોઇએ આપ્યો નથી. મારા માતા-પિતાના કારણે મારી પાસે આટલો પ્રભાવ છે કે હું આકાશમાં ચાલી શકું છું. તમે તો ધરતી ઉપર જ ચાલી શકો છો. તમે સત્યનું પાલન કરો, સત્ય પરમાત્માનું જ એક સ્વરૂપ છે.
આટલું કહ્યા પછી પણ દુષ્યંત શકુંતલાની વાત માનવા તૈયાર હતો નહીં. શકુંતલાએ કહ્યું, ઠીક છે તમે માનતા નથી તો હું જતી રહું છું, કેમ કે મારી પાસે કોઈ સાક્ષી નથી.
તે સમયે આકાશવાણી થઇ અને દુષ્યંતને સમજાવ્યું કે આ તમારો જ પુત્ર છે. ત્યારે દુષ્યંતે શકુંતલાને કહ્યું, હું સ્વીકાર કરું છું કે આ મારો જ પુત્ર છે, કેમ કે આકાશવાણી થઈ છે. મારા દરબારમાં બ્રાહ્મણ, પુરોહિત, આચાર્ય અને પ્રજા બેઠી છે. આ બધા સામે આકાશવાણી થઈ છે તો હું તમારો સ્વીકાર કરું છું.
રાજા દુષ્યંતને કોઈએ પૂછ્યું હતું કે તમે શકુંતલાનો પહેલાં સ્વીકાર કેમ ન કર્યો?
દુષ્યંતે તે વ્યક્તિને કહ્યું હતું કે જો હું માત્ર શકુંતલાના કહેવાથી તેનો સ્વીકાર કરું તો બધા લોકો મને અને શકુંતલાને શંકાની નજરે જોવે. આ બાળકની પવિત્રતા ઉપર પણ લોકો પ્રશ્ન ઉઠાવે, પરંતુ આકાશવણીએ બધું જ ઠીક કરી દીધું છે. હું એ જ જોઈ રહ્યો હતો કે કોઈ શકુંતલાની વાતનું સટીક પ્રમાણ મળી જાય.
બોધપાઠ- આ કિસ્સાથી આપણને બે બોધપાઠ મળે છે. પહેલું, ક્યારેય કોઈના માતા-પિતાનું અપમાન ન કરો, તેમના ઉપર ખોટી ટિપ્પણી ન કરો. બીજું, જો કોઈ નિર્ણય જાહેરમાં લેવાનો હોય તો દુષ્યંતની જેમ કોઈ ઠોસ પ્રમાણની રાહ જોવી જોઈએ. તે સમયે આકાશવાણી જ ખૂબ જ મોટું પ્રમાણ હતું, પરંતુ આજે સંવિધાન, નિયમનો આધાર લઇને જ જાહેરમાં નિર્ણય લેવો જોઈએ.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.