ઇસરોના એક યુવાન વૈજ્ઞાનિક એક મિશનમાં જોડાયા હતાં. એક દિવસ તેઓ હિંમત કરીને પોતાના બોસના કેબિનમાં જઇ રહ્યા હતાં. તે વૈજ્ઞાનિકના બોસ ડો. કલામ હતાં. પછી ડો. કલામ ભારતના રાષ્ટ્રપતિ બન્યા હતાં.
યુવા વૈજ્ઞાનિકે પોતાના બોસને કહ્યું, હું તમને એક નાની રજૂઆત કરવા ઇચ્છું છું. હાલ કામ વધારે છે અને આ કારણે આપણે મોડે સુધી રોકાવું પડે છે. મેં મારા બાળકોને પ્રોમિસ કર્યું છે કે હું આજે તેમને પ્રદર્શન બતાવવા લઇ જઈશ. જો મને આજે સમયે રજા મળી જશે તો હું આ કામ કરી લઇશ.
ડો. કલામે કહ્યું, ઠીક છે. જતાં રહેજો.
તે પછી તે યુવા વૈજ્ઞાનિક પોતાના કામમાં જોડાઇ ગયાં. કામ એટલું વધારે હતું કે તેઓ આ વાત ભૂલી ગયા કે તેમને આજે બાળકો સાથે પ્રદર્શન જોવા જવાનું છે. લગભગ ત્રણ કલાક પછી તેમની નજર ઘડિયાળ ઉપર પડી ત્યારે તેઓ સમજી ગયા કે ખૂબ જ મોડું થઈ ગયું છે. તેઓ દોડીને ડો. કલામના કેબિનમાં ગયા ત્યારે જોયું કે ત્યાં ડો. કલામ નથી. તે ખૂબ જ દુઃખી થઇ ગયાં હતાં.
નિરાશ થઈને જ્યારે તેઓ ઘરે પાછા ફર્યા ત્યારે ત્યાંનું દૃશ્ય જોઈને આશ્ચર્ય પામ્યા. પત્ની એકલી હતી. તે વૈજ્ઞાનિકે પત્નીને પૂછ્યું કે બાળકો ક્યાં છે?
પત્નીએ જવાબ આપ્યો, તમારા બોસ ડો. કલામ આવ્યા હતા અને તે જ બાળકોને પ્રદર્શન જોવા લઇ ગયાં છે.
આ સાંભળીને તે યુવાન વૈજ્ઞાનિકની આંખમાં આંસુ આવી ગયાં. પિતાના સ્વરૂપમાં અને વૈજ્ઞાનિક તરીકે પણ. તેમણે પોતાની પત્નીને કહ્યું, કોઈ વ્યક્તિ આટલાં મોટા કેવી રીતે હોય છે, આજે તે સમજાઇ ગયું છે.
તે સમયે લગભગ તે વ્યક્તિ જાણતો ન હતો કે ડો. કલામ એક દિવસ ભારતના રાષ્ટ્રપતિ બનશે.
બોધપાઠ- મોટા અને વિદ્વાન લોકોની ખાસિયત હોય છે કે તેઓ જ્યારે કોઈ સારું કામ કરે છે ત્યારે તેનો ઢંઢેરો પીટતા નથી. તે માત્ર પોતાનું કામ કરે છે. વિદ્વાન વ્યક્તિ અન્ય લોકોની અંગત જરૂરિયાતોને સમજીને કહ્યા વિના જ તેમની મદદ કરે છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.