• Gujarati News
  • Dharm darshan
  • Dharm
  • Aaj Ka Jeevan Mantra By Pandit Vijayshankar Mehta, Story Of Chandra And Daksha Prajapati, Family Management Tips In Gujarati

આજનો જીવનમંત્ર:ક્યારેય પોતાના પરિવારમાં ભેદભાવ ન કરો, તે સંબંધો માટે હાનિકારક છે

4 મહિનો પહેલાલેખક: પંડિત વિજયશંકર મહેતા
  • કૉપી લિંક

વાર્તા- દક્ષ પ્રજાપતિએ પોતાની 27 કન્યાઓના લગ્ન ચંદ્ર સાથે કર્યા હતાં. જોકે, ચંદ્ર માટે બધી જ 27 પત્નીઓ એક સમાન હોવી જોઈતી હતી, પરંતુ તેઓ રોહિણીને ખૂબ જ વધારે પ્રેમ કરતા હતાં.

ચંદ્રની અન્ય 26 પત્નીઓએ પોતાના પિતા દક્ષ પ્રજાપતિને આ અંગે ફરિયાદ કરી દીધી. દક્ષે ચંદ્રને કહ્યું, હું 27 કન્યાઓનો પિતા છું અને મારા માટે બધી જ પુત્રીઓ એક સમાન છે. મેં તેમના લગ્ન તમારી સાથે કરાવ્યા છે તો તમારા માટે પણ બધી જ પત્નીઓ એક સમાન હોવી જોઈએ. તમે તમારી પત્નીઓમાં ભેદભાવ કેમ કરો છો? કેમ રોહિણીને સૌથી વધારે પ્રેમ અને અન્યને તરછોડી રહ્યા છો?

ચંદ્રએ દક્ષ સામે બધા સાથે એક સમાન વ્યવહારની વાત સ્વીકારી લીધી, પરંતુ પછી તેનું પાલન કરી શક્યા નહીં. ચંદ્રની પત્નીઓ ફરીથી પોતાના પિતાને ચંદ્રની ફરિયાદ કરી તો સસરાએ પોતાના જમાઈને શ્રાપ આપી દીધો કે તમને ક્ષયનો રોગ થઈ જાય. આજે આ રોગને ટીબીના નામે ઓળખવામાં આવે છે.

આ શ્રાપના કારણે ચંદ્ર દેવને ક્ષય રોગ થઈ ગયો, તેઓ ખૂબ જ દુઃખી થઈ ગયાં. ચંદ્ર દેવને બીમાર જોઈને બધા દેવતાઓને ચિંતા થવા લાગી. બધા દેવતા બ્રહ્માજી પાસે પહોંચ્યા અને ચંદ્રદેવના બીમાર થવાની વાત કહી અને પૂછ્યું, ચંદ્રદેવની બીમારી કેવી રીતે દૂર કરી શકાય? કૃપા કરીને કોઈ ઉપાય જણાવો.

બ્રહ્માજીએ કહ્યું, ચંદ્રદેવ બધા દેવતાઓ સાથે પ્રભાસ ક્ષેત્રમાં જાય અને શિવલિંગ બનાવીને મહામૃત્યુંજય મંત્રનો જાપ કરે. ત્યારે જ આ રોગ દૂર કરી શકાશે.

જ્યારે ચંદ્રદેવે બ્રહ્માજીના કહ્યા પ્રમાણે કર્યું, ત્યારે શિવજી પ્રગટ થયાં. શિવજીએ કહ્યું, મહિનાના એક પક્ષમાં તમારી કળાઓ ઘટશે અને બીજા પક્ષમાં તમારી કળાઓ વધતી રહેશે. આ કારણે ચંદ્ર આજે પણ એક પક્ષમાં વધે છે અને બીજા પક્ષમાં ઘટે છે.

બોધપાઠ- આ કિસ્સા પરથી બોધ મળે છે કે સંબંધોમાં ક્યારેય ભેદભાવ કરવો જોઈએ નહીં. ચંદ્રએ એવું કર્યું તો સસરાએ શ્રાપ આપ્યો. આજે અનેક પરિવારોમાં લોકો એકબીજાની આલોચના કરે છે, જ્યારે એવું કરવું જોઈએ નહીં. પરિવારમાં ભેદભાવ અને આલોચના કરવી, સંબંધો માટે ખતરનાક છે.