ઉપનિષદોમાં અનેક એવી કથાઓ છે, જેમાં રાજાઓ પોતાની તપસ્યાથી કાળ ઉપર વિજય મેળવવાની કોશિશ કરી છે, પરંતુ કોઇ બચી શક્યું નથી. એવા જ એક રાજાએ પણ કાળને જીતવા માટે કોશિશ કરી અને તેણે કાળને પોતાનો મિત્ર બનાવી લીધો.
રાજા અને કાળની મિત્રતા થઈ ગઇ. રાજાએ કાળને કહ્યું, તમે મારા મિત્ર છો તો તમે મને મૃત્યુથી મુક્ત કરી શકો છો.
કાળે કહ્યું, આ વાત શક્ય નથી.
રાજાએ પૂછ્યું, તો પછી તમે મારી શું મદદ કરી શકો છો?
કાળે કહ્યું, હું તમને સાત વાર વિવિધ રીતે સૂચના આપીશ. તમે રાજા છો, ઘણાં વ્યસ્ત રહો છો તો આ સંકેતોનું ધ્યાન રાખવું અને આઠમીવાર હું તમને લેવા માટે આવી જઇશ.
રાજા આ વાત માટે માની ગયાં.
થોડા સમય પછી કાળ રાજા સામે અચાનક આવી ગયો. રાજાએ કહ્યું, તમે મારા મિત્રો છો અને તમે મને વચન આપ્યું હતું કે તમે મને સાતવાર સૂચના આપશો, પરંતુ તમે તો કોઈ સૂચના આપી નહીં અને તમે મને લેવા માટે આવી ગયાં.
કાળે કહ્યું, મેં તમને સૂચના આપી હતી, પરંતુ તમે પોતાના રાજકાળમાં ભૂલી ગયાં. મેં પહેલાં સંકેત તમારા વાળના માધ્યમથી આપ્યો હતો, જ્યારે તે સફેદ થવા લાગ્યાં હતાં. બીજો સંકેત આંખના માધ્યમથી આપ્યો હતો, જ્યારે તમારી દૃષ્ટિ નબળી પડી ગઇ હતી. ત્રીજો સંકેત કાનના માધ્યમથી આપ્યો, જ્યારે તમને સંભળાવાનું ઓછું થઈ ગયું.
ચોથીવારનો સંકેત તમારા દાંત જ્યારે નબળા પડી ગયાં. પાંચમી સૂચનામાં તમારી આંખ નબળી થઇ ગઇ. છઠ્ઠી સૂચના ત્યારે આપી જ્યારે તમારા હાડકા નબળા પડી ગયાં. સાતમો સંકેત તમારી શક્તિ ઘટવા લાગી. આ બધી મારી જ સૂચનાઓ હતી, પરંતુ તમે આ વાત ઉપર ક્યારેય ધ્યાન આપ્યું નહીં. આઠમીવાર હું સ્વયં તમારી સામે હાજર થઇ ગયો.
રાજાને સમજાઇ ગયું કે કાળ કોઇને છોડતો નથી, પરંતુ આવી સૂચનાઓ ચોક્કસ આપે છે.
બોધપાઠ- આ કથામાં જણાવવામાં આવેલાં સાત સંકેત આપણે પણ ધ્યાન રાખવા જોઈએ. જ્યારે આ સંકેત મળવા લાગે ત્યારે આપણે અધૂરા કાર્યોને ઝડપથી પૂર્ણ કરવા જોઈએ. મૃત્યુ તો બધાનું થશે, પરંતુ જ્યારે છેલ્લો સમય નજીક આવી રહ્યો હોય ત્યારે આપણે તૈયારી કરી લેવી જોઈએ. જીવનમાં તૈયારીઓ તો બધા કરે છે, સમજદાર તે જ છે, જે મૃત્યુની પણ તૈયારી કરી લે છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.