આજનો જીવનમંત્ર:ક્યારેક-ક્યારેક મહત્ત્વપૂર્ણ કામ ઓછા અનુભવી યુવાઓને પણ આપવું જોઈએ

એક મહિનો પહેલાલેખક: પંડિત વિજયશંકર મહેતા
  • કૉપી લિંક

વાર્તા- રામાયણમાં શ્રીરામ અને રાવણ વચ્ચે યુદ્ધ શરૂ થવાનું હતું. લંકાના યુદ્ધના મેદાનમાં બંને પક્ષની સેનાઓ તૈયાર હતી. તે સમયે શ્રીરામજીએ વાનર સેનાને એક એવી વાત કહી, જેને સાંભળીને બધા જ આશ્ચર્ય થઈ ગયાં.

શ્રીરામજીએ વાનર સેનાને કહ્યું, આપણે એક કોશિશ વધારે કરવી જોઈએ. યુદ્ધ શરૂ થતા પહેલાં આપણે રાવણ પાસે એક દૂત મોકલીએ જે રાવણ સાથે વાત કરીને યુદ્ધ ટાળવાની કોશિશ કરે.

બધાએ શ્રીરામને કહ્યું, હવે આવી સ્થિતિમાં આપણે રાવણ પાસે દૂત મોકલીને શું કરીશું?

શ્રીરામજી બોલ્યાં, મારું મન કહે છે કે યુદ્ધ ટાળવા માટે એક કોશિશ વધારે કરવી જોઈએ.

તે પછી એવી ચર્ચા થવા લાગી કે દૂત બનીને કોને મોકલવામાં આવે? બધા વાનરોએ વિચાર રાખ્યો કે આ કામ માટે હનુમાનજીથી વધારે શ્રેષ્ઠ કોઈ અન્ય નથી, તે પહેલાં પણ લંકા જઈ આવ્યાં છે. તેમનો ત્યાં પ્રભાવ અને દબાવ બંને જ છે. તેઓ તરત જશે અને વાત કરીને પાછા ફરશે.

આ વાત સાંભળીને રામ વિચારવા લાગ્યાં, તેમણે હનુમાનજીને જોયાં. હનુમાનજીએ જવા માટે કોઈ ઉત્સાહ બતાવ્યો નહીં. હનુમાનજીએ મનમાં જ શ્રીરામને કહ્યું, હું જવા માટે સંકોચ કરી રહ્યો નથી, પરંતુ હું ઇચ્છું છું કે આ કામ માટે કોઈ અન્ય વ્યક્તિને પસંદ કરવામાં આવે, ખાસ કરીને અંગદ.

રામ સમજી ગયા કે હનુમાનજી શું ઇચ્છે છે અને રામ પણ એવું જ ઇચ્છતા હતાં. તેમણે બધાને કહ્યું, મારું મન કહે છે કે આ કામ માટે યુવરાજ અંગદને મોકલવો જોઈએ.

રામજીએ અંગદને કહ્યું, તમે જાવ અને એ રીતે વાત કરવી કે આપણું પણ કામ થઈ જાય અને રાવણનું પણ ભલું થઈ જાય.

તે પછી અંગદને રાવણના દરબારમાં દૂત બનાવીને મોકલવામાં આવ્યો.

બોધપાઠ- આ સંપૂર્ણ કથામા બે વાત જાણી શકીએ છીએ. પહેલી વાત એ કે સૌથી મોટા અપરાધીને પણ એક તક આપવી જોઈએ. યુદ્ધ છેલ્લો વિકલ્પ હોવો જોઈએ. બીજી વાત, હનુમાનજીની જગ્યાએ અંગદને દૂત બનાવીને મોકલવો એટલે બીજી લાઈન હંમેશાં તૈયાર રાખવી જોઈએ. કામ કે સંસ્થા કોઈપણ હોય, માત્ર એક વિચાર ઉપર નિર્ભર રહેશો નહીં, બીજો વિકલ્પ પણ તૈયાર રાખો.