આજનો જીવનમંત્ર:વૃદ્ધોના આશીર્વાદથી આપણો આત્મવિશ્વાસ વધે છે અને સફળતા મળે છે

એક વર્ષ પહેલાલેખક: પંડિત વિજયશંકર મહેતા
  • કૉપી લિંક

વાર્તા- રામાયણમાં બધા વાનર ચિંતિત બેઠા હતાં. સંપાતિ નામના ગિધે વાનરોને જણાવી દીધું હતું કે સીતાજી લંકામાં જ છે. સમુદ્ર કિનારે જે જગ્યાએ વાનર બેઠા હતાં, ત્યાંથી લંકાનું અંતર લગભગ સો યોજન હતું. હવે વાનરો સામે સમસ્યા હતી કે સીતાજીની શોધ લેવા લંકા કોણ જશે?

હનુમાનજી ચુપચાપ બેઠા હતાં. રામજીની સેનામાં સૌથી વૃદ્ધ જામવંતે હનુમાનજીને પ્રેરિત કર્યા અને કહ્યું, તમારો તો જન્મ જ રામકાજ માટે થયો છે, તમે ચુપચાપ કેમ બેઠા છો? ચાલો, લંકા જવા માટે તૈયાર થઈ જાવ.

આ વાત સાંભળીને હનુમાનજી લંકા જવા માટે તૈયાર થઈ ગયાં. જ્યારે હનુમાનજીને ઉડવાનું હતું ત્યારે તેમણે જામવંતને પૂછ્યું, તમે મને સલાહ આપો કે મારે લંકા જઈને શું કરવાનું છે?

જામવંતની સલાહને હનુમાનજીએ ખૂબ જ ધ્યાનથી સાંભળી, જામવંતને પ્રણામ કરીને અન્ય બધા વાનરોને નમન કર્યું. તે પછી હનુમાનજી પોતાના જીવનના સૌથી મોટા અભિયાન પર જવા રવાના થયાં.

બોધપાઠ- આ સંપૂર્ણ ઘટનાક્રમમાં હનુમાનજીએ આપણને બોધપાઠ આપ્યો છે કે જીવનમાં જ્યારે પણ કોઈ મોટું કામ કરવાનું હોય ત્યારે પોતાના પરિવાર, સમાજ અને રાષ્ટ્રના વડીલોના આશીર્વાદ જરૂર લેવા જોઈએ. બની શકે છે કે વડીલો પાસે આપણી કરતા વધારે અનુભવ ન હોય, આપણી પાસે તેમના કરતા વધારે યોગ્યતા હોય, પરંતુ તેમના આશીર્વાદ આપણો આત્મવિશ્વાસ વધારે છે અને આપણે મુશ્કેલ કામ પણ કરી શકીએ છીએ.