આજનો જીવનમંત્ર:જ્યારે પણ કોઈ જરૂરી કામે જવું હોય તો વડીલ અનુભવી લોકોની વાતો જરૂર સાંભળો

2 વર્ષ પહેલાલેખક: પંડિત વિજયશંકર મહેતા
  • કૉપી લિંક

વાર્તા- રામાયણમાં સીતાજીની શોધમાં બધા વાનર રવાના થઈ ગયાં હતાં. દરિયા કિનારે વાનરોને સૂચના મળી કે સીતાજી લંકામાં છે. હવે પ્રશ્ન એ હતો કે લંકા જશે કોણ?

ખૂબ જ ચર્ચા-વિચારણાં કર્યા પછી નક્કી થયું કે હનુમાનજી લંકા જશે. હનુમાનજીએ લંકા માટે રવાના થતાં પહેલાં ત્રણ કામ કર્યાં. પહેલું, બધા જ વાનરોને પ્રણામ કર્યાં. આ કામ તેમના માટે એટલે જરૂરી હતું કેમ કે થોડા તેમનાથી ખૂબ જ નાના હતાં અને ઓછા યોગ્ય હતાં, છતાંય તેમણે બધાને માન આપ્યું. બીજુ કામ, જામવંતની વાત ધ્યાનથી સાંભળી. ત્રીજું કામ, ભગવાન શ્રીરામને હ્રદયમાં રાખ્યાં એટલે ભગવાનનું ધ્યાન કર્યું.

આ ત્રણેય કામ પછી હનુમાનજીએ બધા વાનરોને કહ્યું, મારું મન ખૂબ જ પ્રસન્ન છે. જ્યાં સુધી હું કામ કરીને પાછો ફરીશ, ત્યાં સુધી તમે અહીં જ રહેજો.

બધા જ વાનરોએ વિચાર્યું કે હનુમાનજી તો એવું જ માનીને જઈ રહ્યા છે કે તેઓ કામ કરીને પાછા ફરશે જ. આ આત્મવિસ્વાસ છે કે અતિ અભિમાન. બધા વાનરોને હનુમાનજીની દરેક વાત ઉપર ખૂબ જ વિશ્વાસ હતો એટલે બધાએ તેમને પૂર્ણ ઉત્સાહ સાથે વિદાય આપી.

બોધપાઠ- જ્યારે પણ કોઈ મોટું કામ કરવાનું હોય ત્યારે વિનમ્રતા, ગંભીરતા અને પ્રસન્નતા સ્વભાવમાં હોવી જોઈએ. વિનમ્રતા એ હતી કે હનુમાનજીએ બધા વાનરોને પ્રણામ કર્યાં. ગંભીરતા એ હતી કે તેમણે વૃદ્ધ અને અનુભવી જામવંતની વાતો ધ્યાનથી સાંભળી. પ્રસન્નતા એ હતી કે તેમણે ભગવાનને હ્રદયમાં રાખ્યાં. આ ત્રણેય વાતોથી આત્મવિશ્વાસ જાગ્યો. હનુમાનજીને તેમની કાર્યકુશળતા ઉપર વિશ્વાસ હતો કે હું સફળ થઈ જઇશ. આપણે પણ કામની શરૂઆતમાં આ 3 વાતો પોતાના સ્વભાવમાં રાખવી જોઈએ.