આજનો જીવનમંત્ર:કપડાની ઉપયોગિતા શરીર માટે છે, તેનું વધારે પ્રદર્શન કરવું જોઈએ નહીં

એક વર્ષ પહેલાલેખક: પંડિત વિજયશંકર મહેતા
  • કૉપી લિંક

વાર્તા- કબીર દાસજીના પ્રવચન સાંભળવા માટે એક ધનવાન વ્યક્તિ પણ આવતો હતો. તે કબીરની વાતો ખૂબ જ ધ્યાનથી સાંભળતો અને ચિંતન કરતો હતો. તે જાણવા ઇચ્છતો હતો કે આખરે કબીરના વચનોમાં એવું શું છે જે લોકોને આટલું આકર્ષિત કરે છે.

એક દિવસ પ્રવચન સાંભળતી સમયે તેની નજર કબીર દાસજીના કૂર્તા ઉપર પડી ત્યારે તેણે જોયું કે કૂર્તો ખૂબ જ સાધારણ કપડાથી બનાવ્યો હતો. તે ધની વ્યક્તિએ વિચાર કર્યો કે હું આટલાં મોટા સંત માટે એક કિંમતી કૂર્તો લઇને આવીશ.

થોડા સમય પછી ધની વ્યક્તિ મખમલનો એક કૂર્તો લઇને કબીર દાસજી પાસે પહોંચી ગયો. મખમલના કૂર્તાની વિશેષતા એ હતી કે તે એક બાજુથી મુલાયમ હતો અને બીજી બાજીથી સાધારણ કપડું હતો. મુલાયમ બધાને જોવા મળતો હતો અને સાધારણ ભાગ શરીરને સ્પર્શ કરતો હતો. ધની વ્યક્તિએ કૂર્તો કબીરદાસજીને ભેટ કર્યો.

બીજા દિવસે પ્રવચન શરૂ થયું ત્યારે કબીરજીએ મખમલનો કૂર્તો પહેર્યો હતો, પરંતુ ઊંધો. મખમલવાળો ભાગ શરીરને સ્પર્શ કરી રહ્યો હતો અને સાધારણ ભાગ બહાર જોવા મળી રહ્યો હતો. પ્રવચન પૂર્ણ થયા પછી ધની વ્યક્તિએ પૂછ્યું, આ તમે શું કર્યું? કૂર્તો કઈ રીતે પહેર્યો છે?

કબીરે બધા લોકોને કહ્યું, આ કિંમતી કૂર્તો આ સજ્જને આપ્યો છે.

બધા લોકોએ પૂછ્યું, તમે કૂર્તો ઊંધો કેમ પહેર્યો છે?

કબીરે કહ્યું, મેં વિચાર કર્યો કે મખમલનો ભાગ શરીરને સ્પર્શ થવો જોઈએ, કેમ કે કપડું તો શરીર માટે છે. દેખાડા માટે તો સાધારણ ભાગ જ યોગ્ય છે. અન્યને આપણાં કપડા સાથે શું મતલબ?

તે ધની વ્યક્તિને અને અન્ય લોકોને આ વાત સમજાઈ ગઈ કે કબીરજી જે બોલે છે, તે પોતાના જીવનમાં ઉતારે પણ છે.

બોધપાઠ- કબીરે બધાને સમજાવ્યું કે વસ્ત્ર વાતાવરણ સામે રક્ષા માટે અને પોતાની ઇજ્જતને ઢાંકવા માટે પહેરવામાં આવે છે. કપડાને ખૂબ જ વધારે દેખાડાની જરૂર નથી. વસ્ત્રની ઉપયોગિતા શરીર માટે હોવી જોઈએ, પ્રદર્શન માટે નહીં. જ્યારે-જ્યારે કપડાનું પ્રદર્શન કરવામાં આવે છે, ત્યારે-ત્યારે કપડું પોતાની ગરિમા અને ઉદેશ્ય ગુમાવી દે છે.