આજનો જીવન મંત્ર:ખરાબ સમયમાં નાની-નાની વસ્તુઓને પણ સંભાળો, ક્યારે કઇ વસ્તુ કામ આવી જાય તેની આપણને જાણ હોતી નથી

એક વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • પાંડવોના વનવાસ સમયે દુર્વાસા ઋષિ સાથે જ અન્ય ઋષિ ભોજન માટે પહોંચ્યાં, તે સમયે દ્રૌપદીનું અક્ષય પાત્ર પણ ખાલી થઇ ગયું હતું

વાર્તા- મહાભારતમાં પાંડવોનો વનવાસ ચાલી રહ્યો હતો. યુધિષ્ઠિરે સૂર્યદેવને પોતાની તપસ્યાથી પ્રસન્ન કરીને એક અક્ષય પાત્ર લીધું હતું. આ ખાસ વાસણની વિશેષતા એવી હતી કે તે હંમેશાં ભોજનથી ભરેલું રહેતું હતું. દ્રૌપદી જ્યારે ભોજન કરી લેતી, ત્યારે અક્ષય પાત્રમાં તે દિવસનું ભોજન પૂર્ણ થઇ જતું, કેમ કે દ્રૌપદી સૌથી છેલ્લે જ ભોજન કરતી હતી.

જંગલમાં પાંડવો સાથે અન્ય ઋષિ-મુનિઓ પણ રહેતાં હતાં. બધાને અક્ષય પાત્રથી જ ભોજન મળતું હતું. દુર્યોધન હંમેશાં કોશિશ કરતો રહેતો કે કોઇ પ્રકારે પાંડવોની પરેશાનીઓ વધી જાય. એકવાર તેના મહેલમાં દુર્વાસા ઋષિ આવ્યાં. દુર્યોધને તેમની ખૂબ જ આગતાં-સ્વાગતાં કરી.

દુર્વાસા અને તેમના શિષ્યોને જોઇને તેના દિમાગમાં એક યોજના આવી. તેણે વિચાર્યું કે, વનવાસમાં પાંડવો પાસે ભોજન રહેતું નહીં હોય, એટલે દુર્વાસા ઋષિને તેમની પાસે ભોજન માટે મોકલી દઉ છું. દુર્વાસા ઋષિ સાથે સમસ્યા એ હતી કે તેઓ નાની-નાની વાતમાં પણ ગુસ્સે થઇ જતાં અને શ્રાપ આપી દેતાં હતાં.

દુર્વાસા જ્યારે દુર્યોધનના મહેલથી જંગલ તરફ જવા લાગ્યાં ત્યારે દુર્યોધને તેમને કહ્યું કે જેવી કૃપા તમે મારા ઉપર કરી છે, તેવી જ કૃપા મારા મોટા ભાઈ યુધિષ્ઠિર ઉપર પણ કરો. તેઓ જંગલમાં તેમના પરિવાર સાથે રહે છે, તમે ત્યાંથી જ પસાર થાવ છો તો તેમને ત્યાં પણ ભોજન કરજો અને તેમને પોતાના આશીર્વાદ આપજો.

દુર્યોધનની વાત માનીને દુર્વાસા ઋષિ પોતાના શિષ્યો અને સાથી ઋષિઓ સાથે પાંડવો પાસે પહોંચ્યાં અને ભોજન કરવા માટે કહ્યું. તેમણે યુધિષ્ઠિરને કહ્યું કે, હું મારા શિષ્યો સાથે નાહવા માટે નદી તરફ જઇ રહ્યો છે, તે પછી અમે બધા ભોજન કરવા આવીશું. તે સમયે બધા પાંડવોએ અને દ્રૌપદીએ પણ ભોજન ખાઇ લીધું હતું. આ કારણે અક્ષય પાત્ર ખાલી થઇ ગયું હતું.

દુર્વાસાને જોઇને દ્રૌપદી દુઃખી થઇ ગઇ, કેમ કે તે જાણતી હતી કે, દુર્વાસાને ભોજન નહીં મળે તો તેઓ ગુસ્સે થઇ જશે અને શ્રાપ આપી દેશે. ત્યારે દ્રૌપદીએ શ્રીકૃષ્ણનું ધ્યાન કર્યું. થોડી જ વારમાં શ્રીકૃષ્ણ પણ ત્યાં આવી પહોંચ્યાં અને તેમણે દ્રૌપદીથી અક્ષય પાત્ર લઇને આવવા માટે જણાવ્યું.

દ્રૌપદીએ કહ્યું, મેં ભોજન કરી લીધું છે, એટલે અક્ષય પાત્ર ખાલી થઇ ગયું છે. હવે તેમાંથી કશું જ મળશે નહીં.

શ્રીકૃષ્ણએ કહ્યું, 'તમે અક્ષય પાત્ર લઇને તો આવો'

દ્રૌપદીએ જ્યારે અક્ષય પાત્ર શ્રીકૃષ્ણને આપ્યું ત્યારે તેમાં ભાતનો એક નાનો દાણો હતો. શ્રીકૃષ્ણએ ભાતના દાણાને ખાઇ લીધો અને વિચાર્યું કે જો મને તૃપ્તિ મળી ગઇ છે તો બધાને તૃપ્તિ મળી જશે.

થયું પણ એવું, નદીમાં સ્નાન કરવા ગયેલાં દુર્વાસા ઋષિ અને તેમના શિષ્યોને એવું લાગ્યું કે તેમણે ભરપેટ ભોજન કરી લીધું છે. તેમણે વિચાર્યું કે જો હવે યુધિષ્ઠિર પાસે જશે તો ફરી ભોજન કરવું પડશે. જે હવે કોઇના માટે સંભવ હતું નહીં. જેથી દુર્વાસા સહિત બધા ઋષિ સ્નાન કરીને યુધિષ્ઠિરને મળ્યાં વિના જ આગળ જતાં રહ્યાં.

શ્રીકૃષ્ણ પરમાત્મા છે. તેમને તૃપ્તિ મળી ગઇ તો દુર્વાસા અને તેમના સાથી ઋષિઓની પણ ભૂખ શાંત થઇ ગઇ. દ્રૌપદી સમજી ગઇ કે શ્રીકૃષ્ણ આપણને નાની-નાની વસ્તુઓનું પણ મહત્ત્વ સમજાવી ગયાં.

બોધપાઠ- ખરાબ સમયમાં નાની-નાની વસ્તુઓ પણ કામમાં આવે છે. એટલે પોતાની આસપાસની દરેક વસ્તુઓ ઉપર, નાની-નાની વાતો ઉપર પણ નજર રાખો. કઇ વસ્તુ ક્યારે કામ આવી શકે છે તે આપણે જાણી શકતાં નથી.