આજનો જીવનમંત્ર:જ્યારે કોઈ સારી સલાહ મળે, તેને જીવનમાં ચોક્કસ અપનાવવી જોઈએ

2 મહિનો પહેલાલેખક: પંડિત વિજયશંકર મહેતા
  • કૉપી લિંક

વાર્તા- એકવાર નારદ મુનિએ કામદેવને પરાજિત કર્યા ત્યારે તેમને અહંકાર આવી ગયો. તેઓ દરેક જગ્યાએ બોલી રહ્યા હતાં કે મેં કામને પરાજિત કરી દીધા છે. પોતાના વખાણ કરતા-કરતા તેઓ કૈલાશ પર્વત પહોંચી ગયાં.

શિવજીએ પણ કામદેવને ભસ્મ કરી દીધા હતાં, પરંતુ તેમણે ગુસ્સો કર્યો હતો. નારદ મુનિ શિવજીને કહે છે, મેં ગુસ્સો ન કર્યો કે મને લોભ પણ હતો નહીં. છતાંય મેં કામને પરાજિત કરી દીધા.

શિવજી સમજી ગયા કે નારદ મુનિ ભક્ત છે અને તેમને અહંકાર થઈ ગયો છે. શિવજીએ કહ્યું, તમે મને આ વાત જણાવી રહ્યા છો, પરંતુ વિષ્ણુજી સામે ન કહેશો.

કોઈને કોઈ કામ ન કરવા માટે કહેવામાં આવે ત્યારે તે સૌથી પહેલાં તે કામ કરે છે. ઠીક તેવું જ નારદજીએ પણ કર્યું. નારદજીને થયું કે શિવજીને મારા વખાણ સારા લાગ્યા નહીં એટલે તેઓ શિવજી પાસેથી વિષ્ણુજી પાસે પહોંચી ગયાં.

વિષ્ણુજીએ નારદ મુનિનો ઘમંડ તોડી દીધો હતો, પરંતુ શિવજીએ નારદ મુનિને જે વાત કહી હતી, તે આપણાં કામની છે.

શિવજીએ નારદજીને કહ્યું હતું, તમે સતત કહી રહ્યા છો કે તમે કામદેવને પરાજિત કરી દીધા છે, પરંતુ તમારા મુખથી લોકો રામકથા સાંભળવા ઇચ્છે છે અને તમે કામકથા સંભળાવી રહ્યા છો. મનુષ્યનું જે મૂળ કામ છે, જે કામ તેમની ઓળખ છે, જે જવાબદારી છે, તેણે તે કામ જ કરવું જોઈએ.

બોધપાઠ- શિવજીની આ વાત નારદ સમજી શક્યા નહીં. અહીં નારદ મુનિએ બે ભૂલ કરી, જે આપણે કરવી જોઈએ નહીં. પહેલી, જ્યારે કોઈ સલાહ આપે ત્યારે સૌથી પહેલાં એ જોવું કે સલાહ આપનાર કોણ છે? ઘણાં લોકો નિઃસ્વાર્થ ભાવથી સલાહ આપે છે, પરંતુ આપણને એવું લાગે છે કે તેઓ આપણું અહિત વિચારી રહ્યાં છે, તેમનો પોતાનો કોઈ સ્વાર્થ હશે. બસ આ ભૂલ થઈ જાય છે. બીજી ભૂલ એ છે કે આપણે આપણું મૂળ કામ છોડીને બીજુ કામ કરવા લાગીએ છીએ, તે પણ નુકસાનદાયી છે. જેવું નારદને થયું. જે આપણું મૂળ કામ છે, તેને પ્રામાણિકતાથી કરો અને સારી સલાહને જીવનમાં અપનાવો.