આજનો જીવનમંત્ર:લક્ષ્ય મોટું હોય તો નાના-નાના વિઘ્નો ઉપર ધ્યાન આપશો નહીં, અટક્યાં વિના જ આગળ વધતા રહો

7 મહિનો પહેલાલેખક: પંડિત વિજયશંકર મહેતા
  • કૉપી લિંક

વાર્તા- એક ગામના લોકો એકબીજા સાથે વાતો કરી રહ્યા હતાં કે અમારા ગામના જંગલમાં મહાવીર કઠોર તપ કરી રહ્યા છે અને અમારા જ ગામના થોડા ગોવાળિયાઓ જ્યારે જંગલ જાય છે ત્યારે મહાવીરજીને હેરાન કરે છે, તેમનો મજાક ઉડાવે છે, ટિપ્પણીઓ કરે છે. સૌથી મોટી વાત એ છે કે મહાવીરજી ક્યારેય કશું જ બોલતા નથી અને પોતાની તપસ્યામાં ડૂબેલાં રહે છે. આ વાત આપણાં ગામના લોકો માટે સારી નથી.

ગામના લોકો મહાવીરજી પાસે પહોંચ્યાં અને કહેવા લાગ્યાં. અમારા ગામના બાળકો પશુ ચરાવવા માટે આ જંગલમાં આવે છે, તેઓ તમને ઓળખતા નથી અને તમને હેરાન કરે છે. અમે તેમને અનેકવાર સમજાવ્યાં છે, પરંતુ બાળકો માનતા જ નથી. અમારું એક નિવેદન છે કે તમારા માટે અમે એક રૂમ બનાવી દઈએ અને તે રૂમની બહાર સુરક્ષાની પણ વ્યવસ્થા કરાવી દઈશું. તમે તે રૂમની અંદર તપસ્યા કરશો તો લોકો તમને હેરાન કરશે નહીં.

ભગવાન મહાવીરે બધા લોકોની વાત સાંભળી અને કહ્યું, હું બિલકુલ હેરાન થતો નથી અને તમે પણ ચિંતા કરશો નહીં. આ બાળકો છે, તેઓ નથી જાણતા કે તેઓ શું કરી રહ્યા છે. આપણાં બાળકો જ્યારે નાના હોય છે અને જ્યારે આપણે તેમને ખોળામાં લઈએ છીએ ત્યારે તેઓ ક્યારેક આપણાં મોઢા ઉપર મારે છે, ક્યારેય પગ મારે છે તો શું આપણે બાળકને ખોળામાંથી નીચે ઉતારી દઈએ છીએ? તમે મારા માટે રૂમ બનાવવા જે ધન એકઠું કર્યું છે તે ધનનો ઉપયોગ તેવા લોકો માટે કરો જેમના ઘર ઉપર છત નથી.

ગામના લોકો ભગવાન મહાવીરની વિશાળ હ્રદયતા આગળ નમી ગયાં.

બોધપાઠ- જ્યારે આપણે કોઈ સાધના કરીએ, કોઈ એવું કામ કરીએ, જેમાં ડૂબીને આપણે પરિણામ પ્રાપ્ત કરવાનું છે ત્યારે આપણે નાના-નાના વિઘ્નો ઉપર ધ્યાન આપવું જોઈએ નહીં. વિઘ્નો માટે પોઝિટિવ દૃષ્ટિકોણ રાખવો જોઈએ. જ્યારે આપણે વિઘ્નો માટે પોઝિટિવ રહીએ છીએ ત્યારે તેનાથી આપણી ઊર્જા વધે છે. પોતાના મૂળ કામથી અહીં-ત્યાં ભટકશો નહીં, દુનિયામાં આપણને હેરાન કરનાર લોકો અનેક છે, આ સિલસિલો ક્યારેક પૂર્ણ થશે નહીં, પરંતુ આપણે કેટલું પરેશાન થવાનું છે, તે આપણે જાતે જ નક્કી કરવાનું રહેશે.