આજનો જીવનમંત્ર:જ્યારે આપણે પ્રામાણિકતાથી કોશિશ કરીએ છીએ ત્યારે ભગવાન પણ આપણી મદદ કરે છે

6 મહિનો પહેલાલેખક: પંડિત વિજયશંકર મહેતા
  • કૉપી લિંક

વાર્તા- પ્રાચીન સમયમાં એક દિવસ પૃથ્વી ગાયનું સ્વરૂપ લઈને દેવતાઓ પાસે પહોંચી. ગાય માતાએ કહ્યું, અત્યાચારી રાજાઓના કારણે હું ખૂબ જ દુઃખી છું. ખાસ કરીને કંસના નેતૃત્વમાં બધા રાજા મને ખૂબ જ હેરાન કરી રહ્યા છે.

દેવતાઓએ કહ્યું, કંસનું તો અમે પણ કશું જ કરી શકતા નથી. આપણે બધા બ્રહ્માજી પાસે જઈએ.

બ્રહ્માજીએ કહ્યું, કંસનું તો હું પણ કશું જ કરી શકીશ નહીં. આપણે બધાએ વિષ્ણુજી પાસે જવું જોઈએ.

તે બધા વિષ્ણુજી પાસે પહોંચ્યાં. ગાય માતાએ પોતાનું દુઃખ જણાવ્યું ત્યારે વિષ્ણુજીએ કહ્યું, ચિંતા ન કરો. આ અત્યાચારને દૂર કરવા માટે હું કૃષ્ણનું સ્વરૂપમાં અવતાર લઈશ. મેં તો મારી તૈયારી કરી લીધી છે, પરંતુ તમે બધા દેવતાઓએ પણ અલગ-અલગ અવતાર લેવા પડશે. કોઈ ભાઈ બનશે. કોઇ કોઈનો દીકરો બનશે. કોઈ અન્ય જવાબદારી નિભાવશે. એવું વિચારશો નહીં કે હું એકલો જ જઈશ. ધ્યાન રાખો, આપણે બધાએ અવતાર લેવાનો છે. જ્યારે અવતાર કાર્ય પૂર્ણ થશે, આપણે બધા જ પાછા ફરીશું.

વિષ્ણુજીની યોજના પ્રમાણે તેવું જ બન્યું જેવું નક્કી થયું હતું. વિષ્ણુજીએ ખૂબ જ સરસ તૈયારી કરી રાખી હતી. નેતૃત્વ તો કોઈ એક જ કરતું હતું, પરંતુ બધા સભ્યોની જવાબદારી મહત્ત્વપૂર્ણ હોય છે.

બોધપાઠ- એવું વિચારવું જોઈએ નહીં કે ભગવાન આપણું કામ કરી દેશે. આપણે પણ આપણી ભૂમિકા નિભાવવી જોઈએ. ભગવાન વિષ્ણુએ બધા દેવતાઓને કહ્યું હતું કે હું તમારી મુક્તિ માટે કોશિશ કરીશ, પરંતુ તમારે બધાએ પણ કોશિશ કરવી પડશે. બેઠા-બેઠા સંસારમાં કશું જ મળતું નથી. જીવનમાં બધા સુખ ઈચ્છો છો તો આપણે આપણી જવાબદારી પ્રામાણિકતાથી નિભાવવી જોઈએ.