આજનો જીવનમંત્ર:ગર્ભાવસ્થામાં મહિલાઓએ તણાવ અને ખરાબ વ્યવહારથી બચવું જોઈએ, નહીંતર બાળકને નુકસાન થઈ શકે છે

એક વર્ષ પહેલાલેખક: પંડિત વિજયશંકર મહેતા
  • કૉપી લિંક

વાર્તા- મહાભારત યુદ્ધ પછી અશ્વત્થામાએ ઉત્તરાના ગર્ભ ઉપર બ્રહ્માસ્ત્રનો પ્રહાર કર્યો હતો. ઉત્તરા અભિમન્યુની વિધવા હતી. અભિમન્યુ યુદ્ધમાં મૃત્યુ પામી ચૂક્યો હતો. અભિમન્યુ શ્રીકૃષ્ણની બહેન સુભદ્રાનો દીકરો હતો અને અર્જુન તેના પિતા હતાં.

જ્યારે બ્રહ્માસ્ત્રનો પ્રહાર થયો ત્યારે ઉત્તરા દોડીને શ્રીકૃષ્ણ પાસે પહોંચી અને પોતાની રક્ષા માટે નિવેદન કર્યું. શ્રીકૃષ્ણ પોતાની માયાથી ઉત્તરાના ગર્ભમાં પ્રવેશ કરી ગયા. ત્યાં તેમણે ચતુર્ભુજ સ્વરૂપ ધારણ કર્યું અને બ્રહ્માસ્ત્રની અસરને નષ્ટ કરી દીધી. ગર્ભમાં ઉછરી રહેલું બાળક આ બધું જ જોઈ રહ્યું હતું.

થોડા સમય પછી ઉત્તરાના ગર્ભમાંથી બાળકનો જન્મ થયો. બાળકે આંખ ખોલી અને જે-જે લોકો સામે ઊભા હતાં, બાળકે તેમનું પરિક્ષણ કર્યું કે તે કોણ હતું, જેમણે ગર્ભમાં ચતુર્ભુજ સ્વરૂપમાં મારી રક્ષા કરી હતી. લોકોનું પરિક્ષણ કરવાના કારણે તે બાળકનું નામ પરીક્ષિત રાખવામાં આવ્યું હતું.

બોધપાઠ- આ પ્રસંગથી સમજી શકાય છે કે ગર્ભમાં ઉછરી રહેલાં બાળક સાથે જે પણ ઘટનાઓ ઘટે છે, તે જન્મ લીધા પછી પણ પોતાનો પ્રભાવ રાખે છે. એટલે મહિલાઓએ ગર્ભાવસ્થા સમયે પોતાના આચરણ ઉપર ખૂબ જ ધ્યાન રાખવાની સલાહ આપવામાં આવે છે. જો મહિલા તણાવમાં રહેશે, અનુશાસિત નહીં રહે, આચરણ સારું રાખશે નહીં તો આ વાતો ગર્ભમાં ઉછરી રહેલાં બાળક ઉપર ખરાબ અસર કરશે. આ અવસ્થામાં મહિલાઓએ ખૂબ જ સાવધાન રહેવાની જરૂરિયાત હોય છે.