આજનો જીવન મંત્ર:આપણાં નુકસાન પછી પણ જો કોઇને ફાયદો થઇ રહ્યો હોય તો આપણે હાર માનવી જોઇએ નહીં

2 વર્ષ પહેલાલેખક: પંડિત વિજયશંકર મહેતા
  • કૉપી લિંક
  • ટ્રેનથી યાત્રા કરતી સમયે ગાંધીજીનું એક ચપ્પલ નીચે પડી ગયું હતું, ત્યારે તેમણે બીજી ચપ્પલ પણ નીચે ફેંકી દીધી

વાર્તા- નુકસાનને લઇને મહાત્મા ગાંધીએ એક નવો વિચાર આપ્યો હતો. ગાંધીજી નાની-નાની વાતોમાં પણ ખૂબ જ સજાગ રહેતાં હતાં. એકવાર ટ્રેનથી યાત્રા કરી રહ્યા હતાં. કોઇ સ્ટેશને જ્યારે ગાડી રોકાઇ ત્યારે ગાંધીજી થોડીવાર માટે નીચે ઉતર્યાં. તે સમયે તેઓ કોઇપણ જગ્યાએ જતાં, ત્યાં તેમને મળવા માટે લોકોની ભીડ જામી જતી હતી.

ગાંધીજી ભીડની વચ્ચે ઘેરાયેલાં હતાં અને ટ્રેન શરૂ થઇ ગઇ. ગાંધીજી તરત ભીડમાંથી બહાર આવ્યાં અને ઝડપથી દોડીને ડબ્બામાં ચઢી ગયાં. પરંતુ, ડબ્બામાં ચઢતી સમયે ગાંધીજીનું એક ચપ્પલ નીચે પડી ગયું.

ડબ્બાના ગેટ પર ઊભા રહીને ગાંધીજીએ થોડો વિચાર કર્યો. આસપાસના બધા લોકો તેમને જોઇ રહ્યા હતાં. ગાંધીજીએ તેમનું બીજું ચપ્પલ પણ ત્યાં નીચે ફેંકી દીધું. ત્યારે કોઇને તેમને પૂછ્યું, તમે તમારું બીજું ચપ્પલ પણ કેમ નીચે ફેંકી દીધું?

ગાંધીજીએ કહ્યું, મારું એક ચપ્પલ નીચે પડી ગયું હતું અને મારા એક પગમાં ચપ્પલ રહી ગયું હતું. મેં વિચાર્યું કે હવે જે એક ચપ્પલ મારી પાસે છે, તે કોઇ કામની નથી અને જે ચપ્પલ પડી ગઇ છે, તે પણ કોઇને કામ આવશે નહીં. પરંતુ જો હું મારું બીજું ચપ્પલ પણ નીચે ફેંકી દઇશ તો જેને આ બંને ચપ્પલ મળી જશે, તેમને કામ આવી જશે. આ વિચારીને જ મેં મારું બીજુ ચપ્પલ નીચે ફેંકી દીધું.

ગાંધીજીના વિચાર હતાં કે, આપણું નુકસાન થઇ ગયું હોય, પરંતુ શું કોઇ અન્યું ભલું કરી શકાય છે.

બોધપાઠ- આપણે પણ આવા જ વિચાર રાખવા જોઇએ. જો કોઇ જગ્યાએ આપણું નુકસાન થઇ ગયું હોય અને તે નુકસાનમાંથી કોઇ અન્યનો લાભ થઇ શકે તો તે કામ જરૂર કરવું જોઇએ.